નવજીવન ન્યૂઝ. જેતપુર: Jetpur Crime News: રાજ્યમાં હત્યાની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં(Jetpur, Rajkot) વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બુટલેગર(Bootlegger) આરોપીઓએ પોલીસને(Police) બાતમી આપતો હોવાની શંકાથી એક યુવકની હત્યા (Youth Murder) કરી નાખી છે. જેતપુરના ભોજાધારમાં થયેલી આ હત્યાને પગલે જેતપુરના નગરજનોની સુરક્ષાને લઈ સવાલ પેદા થયા છે.
ગતરોજ શનિવારે જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવક જીજ્ઞેશની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ભોજાધાર વિસ્તારમાં સાડીના કારખાના પાછળના ભાગેથી જીજ્ઞેશનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. હત્યાના સમાચાર મળતા જ જેતપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક જીજ્ઞેશની પત્નીએ ચોંકાવનારો આક્ષેપ કરતા હત્યાનું કારણ જણાવ્યું હતું. જેમાં જીજ્ઞેશની પત્નીએ જણાવ્યું હતું કે, તેના પતિની હત્યાનું કારણ બુટલેગરોની બાતમી પોલીસને આપતો હોવાની શંકાના કારણે નિપજાવવામાં આવી છે.
પોલીસે આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરતા કુખ્યાત બુટલેગર ચિરાગ ઉર્ફે લંગડાની ભૂમિકા હત્યાના ગુનામાં ખુલી હતી. પોલીસે આરોપી બુટલેગર ચિરાગ અને તેના સાગ્રીત હર્ષદ ભટાણીયાની જીજ્ઞેશની હત્યાના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે આરોપીઓએ જીજ્ઞેશ સાથે અગાઉ થયેલા મનદુઃખના કારણે હત્યા કરી હોવાનું કબૂલાત આપી છે. સાથે જ પોલીસે જણાવ્યું હતું કે આરોપી ચિરાગ ઉર્ફે લંગડાનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. તેમજ આરોપી ચિરાગ પર ગેરકાયદેસર દારૂના કેસ નોંધાયેલા છે. પોલીસે આપેલી વિગતો બાદ મૃતક જીજ્ઞેશની પત્નીના આરોપને બળ મળ્યું છે કે બુટલેગરોએ જીજ્ઞેશ પોલીસને તેના દારૂના ધંધાની બાતમી આપતો હોવાની શંકાને કારણે કરી છે.
પરંતુ પોલીસે પત્રકારોને જીજ્ઞેશની પત્ની દ્વારા લગાવાયેલા આરોપ પર જણાવ્યું હતું કે, હાલ આરોપીઓ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે તેણે અગાઉ મૃતક સાથે માથાકૂટ થઈ હતી અને બાદમાં સમાધાન પણ થયું હતું. છતાં ફરી વખત માથાકૂટ થતા આરોપીઓએ મળી જીજ્ઞેશને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પણ આરોપીએ બાતમીની શંકાથી હત્યા કરી હોય તેવું જાણવા મળ્યું નથી માટે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, હત્યાનો આરોપી ચિરાગ ઉર્ફે લંગડો જેતપુર શહેરનો પોલીસ ચોપડે નોંધાયેલો બુટલેગર છે. અને વર્ષોથી ગેરકાયદેસર દારૂ વેચવાનો ધંધો કરે છે.
બુટલેગર દ્વારા જીજ્ઞેશની હત્યા કરાવામાં આવતા જેતપુરમાં દારૂબંધીની અમલવારી અને પોલીસના સુરક્ષાના દાવા પર પ્રશ્નાર્થ પેદા થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુરમાં તાજેતરમાં જ વ્યાજખોરીના ત્રાસથી કંટાળી બે વ્યક્તિએ આત્મહત્યા કરી હતી અને હવે બુટલેગરે નિર્દોષ યુવકની હત્યાની ઘટનાને અંજામ આપતા નગરજનો સુરક્ષાની માગણી કરતા જોવા મળી રહ્યા છે.
(અહેવાલ: સુરેશ ભાલિયા. જેતપુર)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








