નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ ઉત્તરાયણના તહેવારમાં (Festival of Uttarayan) પતંગના પેચ કાપવા બાબતે અનેક જગ્યાએ બોલાચાલી અને સામાન્ય માથાકુટ થતી રહેતી હોય છે. ત્યારે મહેસાણામાં પતંગ કાપવાની માથાકુટ હત્યા સુધી પહોંચી ગઈ છે. સામાન્ય વાતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા ખૂનીખેલ ખેલાયો હતો. વાસી ઉત્તરાયણના દિવસે પતંગના પેચ કાપવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થતાં પાંચ યુવકોએ એક વૃદ્ધને ધેરી જાહેરમાં પાઈપ વડે હુમલો કર્યો હતો, વૃદ્ધને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પીટલમાં સારવાર દરમિયાન જ આ વૃદ્ધનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હુમલો કરનારા વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગના પેચ લડાવવા બાબતે માનવ આશ્રમ ચોકડી પાસે આવેલી ઉમાનગર સોસાયટીમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, આ બોલચાલીએ બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉમાનગરમાં રહેતા નાગજીભાઈ વણજારા પરિવાર સાથે ધાબે પતંગ ચગાવી રહ્યા હતા તે દરમિયાન પંતગ પેચ કાપવા બાબતે સામેના પક્ષના પાંચેક લોકો સાથે મગજમારી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને જૂથ સામ સામે આવી ગયા હતા.
આ પણ વાંચો: મહેસાણા ભાજપના નેતાના પર સ્ત્રી સાથે સંબંધના આરોપ સાથે પત્નીએ નોંધાવી FIR, જાણો શું બન્યું
નાગજી વણજારાને પાંચ લોકોએ ધેરી લઈને પાઈપ-ધોકાથી હુમલો કરતાં લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત નાગજીભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબએ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનું જણાવ્યું હતું. જોકે નાગજીભાઈને અમદાવાદ લઈ જવામાં આવે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે હુમલો કરનારા બાબુજી ઠાકોર, હરેશ લાલ રાવળ, ચિરાગ રાવળ, બોબી રાવળ, સુનિલ વ્યાસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








