નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં હજુ પણ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. તેવામાં કેટલીક જગ્યાએ ઠંડીની સાથે ભારે પવન પણ ફુકાઈ રહ્યો છે. જૂનાગઢમાં ગઈ કાલથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ગત રાત્રિથી 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાતા આજે સવારથી તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે (Girnar ropeway) બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ દેવભૂમી દ્વારકા(Dwarka)માં પણ ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.
આખો દિવસ બંધ રહી શકે છે રોપ-વે સર્વિસ
ગુજરાતના અનેક શહેરોમાં ભારે પવન પણ ફુકાઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સર્વિસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર રોપ-વેના સંલગ્ન અધિકારીએ જણાવ્યું હતું કે, પવનની ગતિ વધવાના કારણે રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. ઝડપી પવનમાં રોપ-વે ટ્રોલી જોખમમાં આવી શકે છે, જેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સર્વિસ બંધ કરવામાં આવી છે, જોકે ભારે પવન બંધ થતા રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે. આજે સવારથી જ ઝડપી પવન ફૂકાતા આખો દિવસ રોપ-વે બંધ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.

દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ
દ્વારકામાં ખરાબ હવામાનના કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. દ્વારકામાં ભારે પવન ફૂંકાતા બોટ ઊભી રહી ન શક્તા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાતા બોટની સ્થીરતા જળવાતી નથી, જેથી યાત્રિકોની સુરક્ષા જોખમાઈ શકે છે.
દર્શનાર્થીઓને ભારે હાલાકી
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ અને દ્વારકામાં દર્શનાર્થ માટે આવેલા લોકો સવારથી જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જૂનાગઢ રોપ-વેનું બુકિંગ હોવા છતાં પણ મુસાફરી કરવા મળી નથી, જેના કારણે પગથિયાં ચડીને જવા માટે મજબુર બન્યા છે. જ્યારે દ્વારકામાં પણ વહેલી સવારથી દર્શનાર્થ માટે આવેલા લોકોને બેટ દ્વારકા જવા માટે હાલાકી ભોગવી રહ્યા છે. ફેરી બોટ સર્વિસ હાલ પુરતી બંધ કરવામાં આવતા યાત્રીકોને પાછા ફરવાનો વારો આવ્યો હતો.
ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેવામાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે અન્ય રાજ્યમાં કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. ઉત્તરીય પવનોના કારણે ગુજરાતમાં પણ મોટા ભાગના શહેરનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. રાજ્યમાં વહેતી શીત લહેરના કારણે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ થી હજુ પણ વધુ પવનો ફૂંકાવાની શક્યતા છે. હવાની ગતિના કારણે લોકોને ઠંડીના ચમકારાનો અહેસાસ કરાવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








