નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાત ચૂંટણી એટલે લોકશાહીનો અનેરો અવસર. જેમાં નાગરિકો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરીને આ અવસર ઊજવતા હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી મતદાનની ટકાવારી ઘટે તો એ લોકશાહી માટે ચિંતાનો વિષય તો છે ત્યારે મતદારોનો મતદાન માટે જાગૃત રાખવા માટે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન અંતર્ગત રવિવારની સવારે વડોદરામાં‘રન ફોર વૉટ’ મેરેથોનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં રવિવારની સવારે ‘રન ફોર વૉટ’ મેરેથોન યોજાઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ‘લોકોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તથા વધુમાં વધુ સંખ્યામાં લોકો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરે’ તેવો સંદેશો આપવાનો હતો. આ મેરેથોનની શરૂઆત સયાજીબાગના ગેટ નં-2થી કરવામાં આવી હતી. મેરેથોન કાળાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન, કલેક્ટર કચેરી અને જેલ રોડ થઈને પરત સયાજીબાગ ખાતે પહોંચી હતી.
લગભગ ત્રણ કિલોમીટર ચાલેલી આ મેરેથોનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા નેવું વર્ષીય ડૉ. ભગવતી ઓઝા અને દિવ્યાંગ દંપતી રાજેન્દ્રભાઈ તથા ભારતીબહેન. જેમણે આ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ ઉપરાંત સરકારી અધિકારીઓમાં નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સોલંકી, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર, જિલ્લા યુવા વિકાસ અધિકારી કેતુલ મહેરિયા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને જિલ્લા રમત વિકાસ અધિકારી પણ આ મેરેથોનમાં સહભાગી થયા હતા.
વધુમાં વધુ યુવાનો મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં જોડાય એ માટે યુવાનોમાં લોકપ્રિય એવા રમતવીરો રઝિયા શેખ, મયુર રોહિત, વિશ્વા, તનવીર ખોખર તથા આર.જે.પ્રતિક તેમની ઝૂમ્બા ડાન્સ ગ્રુપની ટીમ સાથે આ મેરેથોનમાં જોડાયા હતા. ઉપરાંત તાલીમાર્થી પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ તથા મોર્નિંગ વોક કરતાં યુવાનો અને વડીલોએ પણ ઉમંગભેર ભાગ લીધો હતો.
જેની મતદાનની ઉંમર પણ નથી થઈ તેવા નેશનલ ગેમ વિનર; નાનકડા શૌર્યજીત ખેરે પણ આ મેરેથોનમાં ભાગ લઈને ભાવી મતદારોને મતદાન અંગે જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો. વડોદરાના ‘મૂકધ્વનિ’ ટ્રસ્ટના પ્રયત્નોથી પહેલીવાર મતનો અધિકાર મેળવનારા બધિર અને દિવ્યાંગો પણ આ મેરેથોનમાં જોડાયા હતા. આ સિવાય પણ જેઓ પહેલી જ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે તેવા યુવાનોએ પણ મોટી સંખ્યામાં આ દોડમાં ભાગ લીધો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે સહભાગીઓને આગ્રહ કરતાં જણાવ્યુ હતું કે, “વડોદરા શહેર અને જિલ્લાની કુલ 10 વિધાનસભા બેઠકો માટે મતદાન કરવાનો અવસર આગામી તા.5મી ડિસેમ્બરે છે. જેમાં લગભગ 2500 જેટલા મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી સૌ કોઈ આ તારીખ અચૂક યાદ રાખે અને લોકશાહીને મજબૂત કરવા માટે આવશ્ય મતદાન કરે.” ઉપરાંત દરેક નાગરિક “હું મતદાન અચૂક કરીશ” એવો દૃઢ સંકલ્પ કરે એવી વિનંતી પણ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |
![]() |











