Thursday, April 23, 2026
HomeGeneralવિધાનસભા ચૂંટણી 2022: આણંદ જીલ્લાની ૭ બેઠક માટે ૭૯ ઉમેદવાર, ભાજપ, કોંગ્રેસ...

વિધાનસભા ચૂંટણી 2022: આણંદ જીલ્લાની ૭ બેઠક માટે ૭૯ ઉમેદવાર, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ

- Advertisement -

દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. આણંદ): ગુજરાત વિધાનસભા ર૦રર (Gujarat Assembly Election 2022)ની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. જે પૈકી બીજા તબક્કામાં આણંદ (Anand) જીલ્લાની સાત બેઠકોનું મતદાન આગામી પ ડિસેમ્બરના રોજ થવાનું છે. જેના માટે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારોની પસંદગી તથા ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ સંપન્ન થઈ ચુકી છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી જે તે બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા ગતરોજ હાથ ધરવામાં આવી હતી. જે બાદ જીલ્લાની સાત બેઠકો માટે ૭૯ ઉમેદવારો (Candidate List) માન્ય રહેતા ચૂંટણી મેદાનમાં છે. જે પૈકી મુખ્ય ત્રણ રાજકીય પક્ષ સીવાય અન્ય પાર્ટીના ૧૭ તથા અપક્ષના ૪૧ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આમ તો આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાનું માનવામાં આવે છે, પરંતુ ચરોતર અને તેમાંય આણંદ જીલ્લામાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ થનાર હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જોકે સાત પૈકી ખંભાત, ઉમરેઠ, આણંદ અને પેટલાદ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો ભાજપ કે કોંગ્રેસના કોઈ ઉમેદવારનો ખેલ બગાડી નાખે તો પણ નવાઈ નહીં !

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જીલ્લાની સાત બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ સુધી કેટલીક બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ તમામ બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અન્ય પાર્ટી તથા અપક્ષ ઉમેદવારો નોંધપાત્ર રીતે વધુ જોવા મળે છે. ભાજપ દ્વારા સાત બેઠકો પૈકી ખંભાત, બોરસદ, ઉમરેઠ, આણંદ અને સોજીત્રાના ઉમેદવારો રિપિટ કરાતા મતદારોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ. જ્યારે આંકલાવ અને પેટલાદ બેઠક ઉપર નવા ચહેરાઓની પસંદગીએ મતદારોમાં નવુ જોમ ઉમેર્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા બોરસદ, આંકલાવ, આણંદ અને સોજીત્રા બેઠકમાં મતદારોમાં ભારે અપસેટ સર્જ્યુ છે. જ્યારે ઉમરેઠ બેઠક ઉપર કોંગ્રેસના ગઠબંધિત એનસીપીએ ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા છે. આ બન્ને પક્ષો સહિત આમ આદમી પાર્ટીએ પણ જીલ્લાની સાતેય બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. એટલે જીલ્લાની આ તમામ બેઠકો માટે ત્રિપાંખ્યો જંગ હાલ જોાવ મળે છે. તદ્ઉપરાંત આ તમામ બેઠકો ઉપર ૪૧ જેટલા અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવતા ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જીતની ગણતરીમાં વ્યસ્ત થઈ ગયા છે. જોવાનું એ રહેશે કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ સુધીમાં કયા પક્ષના કયા ઉમેદવાર પોતાનું સમીકરણ જીત માટે સરળ બનાવી શકે છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, જીલ્લાની આણંદ બેઠક ઉપર સૌથી વધારે ૧૧ અપક્ષ ઉમેદવારો છે. જ્યારે સૌથી ઓછા ત્રણ અપક્ષ ઉમેદવાર પેટલાદ બેઠક ઉપર છે.

- Advertisement -

જીલ્લાની સાતેય બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સંપન્ન થયા બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર સંદર્ભે લાગી ગયા છે. બન્ને પક્ષના ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ, ટેકેદારો સહિત ગામે ગામ ફરી રહ્યા છે. હાલ તમામ ઉમેદવારો સવારથી સાંજ સુધી પ્રચાર અર્થે નીકળી પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમ-જેમ પ્રચારના દિવસો આગળ વધશે તેમ-તેમ કેટલીક બેઠકો ઉપર ભારે રસપ્રદ સમીકરણો બની રહેશે તેવુ મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે. જીલ્લાની ખંભાત, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા અને પેટલાદ બેઠક ઉપર બન્ને પક્ષો વચ્ચે ભારે રસાકસી રહેવાનું અનુમાન મતદારો લગાવી રહ્યા છે. આ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષો કેટલુ કાઠું કાઢે છે, તેના ઉપર સૌની મીટ અંતિમ દિવસ સુધી મંડાયેલી રહેશે. ખંભાત બેઠક ઉપર ભાજપની રીપીટ થીયરી થતા સ્થાનિક ભાજપના મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારનો ઠેરઠેર વિરોધ પણ થઈ રહ્યો છે.

આ પરિસ્થિતીનો લાભ કોંગ્રેસના ઉમેદવાર કેવો અને કેટલો લઈ શકે છે એ તો આવનાર સમય જ બતાવશે. બોરસદ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર થશે. અહિંયા ભાજપના કેટલાક અસંતુષ્ટો અપક્ષ ઉમેદવારી કરવાના હતા, પરંતુ અંતિમ સમયે ડેમેજ કંટ્રોલ થઈ જતા પરિસ્થિતી થાળે પડી હતી. આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર સરસાઈ ઘટાડવામાં સફળ થયા છે. એટલે આ વખતે આ બેઠક ઉપર ખરાખરીનો ખેલ થવાનો છે. આંકલાવ બેઠક ઉપરથી કોંગ્રેસના અમિત ચાવડા ગત ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત્યા હતા. પરંતુ આ વખતે ભાજપ દ્વારા નવા ચહેરાને ઉતારતા આંકલાવ બેઠકની ચૂંટણી પણ રસપ્રદ બને તો નવાઈ નહી. જીલ્લાની બોરસદ અને આંકલાવ બેઠક ઉપર આ વખતે ઠાકોર – ક્ષત્રિય ઉમેદવારો સામસામે હોવાથી પાટીદાર વોટ બેન્ક નિર્ણાયક બની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જીલ્લાની ઉમરેઠ બેઠક ઉપર આ વખતે એનસીપીના જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ ઉમેદવારી કરી છે પરંતુ આ વખતે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થતા અહિંયા કોંગ્રેસના ઉમેદવાર નહી હોવાથી એનસીપીને ફાયદો થઈ શકે છે.

બીજી તરફ અપક્ષ ઉમેદવારો કેવો અને કેટલો પ્રભાવ પાડી કયા ઉમેદવારોનો ખેલ બગાડે છે એ સમય જ બતાવશે. આણંદ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ બેઠક ઉપર બન્ને પક્ષે ગત ચૂંટણીના ઉમેદવારો રિપિટ કર્યા છે. પરંતુ અપક્ષ ઉમેદવારો વધુ હોવાથી મતોનું વિભાજન જો મોટા પાયે થાય તો પરિણામ ચોંકાવનારું આવી શકે છે ! જીલ્લાની સૌથી વધુ ખેંચતાણ વાળી બેઠક પેટલાદ છે. આ બેઠક ઉપર સતત છ ટર્મથી જીતતા કોંગ્રેસના નિરંજન પટેલનું પત્તુ કપાતા અને બન્ને પક્ષોએ નવા ચહેરાઓની પસંદગી કરતા ચૂંટણી રસપ્રદ બનવાની શક્યતા છે. આ બેઠક ઉપર મુસ્લિમ મતદારો સહિત અપક્ષ ઉમેદવારોની ભૂમિકા મહત્વની રહેશે.

- Advertisement -

ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર નિરંજન પટેલની આગળની રણનિતી ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી રહેશે. જીલ્લાની સોજીત્રા બેઠક ઉપર ભાજપના જીલ્લા પ્રમુખ વિપુલ પટેલે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાંથી રિપિટ ઉમેદવાર પૂનમભાઈ પરમાર છે. આ બેઠક ઉપર છેલ્લી બે ટર્મ દરમિયાન આ બન્ને ઉમેદવારો સામ-સામે હોય છે. પરંતુ બન્ને વખત આ બેઠક કોંગ્રેસને ફાળે રહી છે. છતાંય સરસાઈમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. હવે આ વખતે બન્ને પક્ષોએ ઉમેદવારોને ત્રીજી વખત રિપીટ કરતા હેટ્રીક નોંધાઈ છે, ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ જીતની હેટ્રીક નોંધાવે છે કે ભાજપ કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લઈ હારની હેટ્રિક અટકાવે છે !

૧૦૮ – ખંભાત (Khambhat)

  • ભાજપ – મહેશકુમાર કનૈયાલાલ રાવલ – ઉ.પ૭ – ધો.૧૦ પાસ, આઈટીઆઈ
  • કોંગ્રેસ – ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ – ઉ.૪૩ – ધો.૧૦ પાસ
  • આપ – અરૂણકુમાર કાભઈભાઈ ગોહિલ – ઉ.ર૭ – એડીવીએફએક્સ
  • આપ – શૈલેષકુમાર રમેશચંદ્ર પંડ્યા – ઉ.૪૧ – ધો.૧૦
  • અન્ય પાર્ટીના ઉમેદવારો – ૩
  • અપક્ષ ઉમેદવારો – ૬

૧૦૯ – બોરસદ (Borsad)

  • ભાજપ – રમણભાઈ ભીખાભાઈ સોલંકી – ઉ.પ૭ – કૃષિ ડિપ્લોમા
  • કોંગ્રેસ – રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર – ઉ.પ૪ – ધો.૧૧ પાસ
  • આપ – મનિષભાઈ રમણભાઈ પટેલ – ઉ.૪૬ – ધો.૧ર પાસ
  • આપ – જગદિશભાઈ ગોવિંદભાઈ સોલંકી – ઉ.પ૪ – બીએ
  • અન્ય પાર્ટીના ઉમેદવારો – ર
  • અપક્ષ ઉમેદવારો – ૪

૧૧૦ – આંકલાવ (Anklav)

  • ભાજપ – ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર – ઉ.પ૩ – બીએ
  • કોંગ્રેસ – અમિતભાઈ ચાવડા – ઉ.૪૬ – ડિપ્લોમા ઈન કેમિ.એન્જી
  • આપ – ગજેન્દ્રસિંહ હરીસિંહ રાજ – ઉ.પ૮ – ધો.૧ર
  • આપ – ગોવિંદકુવરબા ગજેન્દ્રસિંહ રાજ – ઉ.૪૭ – ધો.૪
  • અન્ય પાર્ટીના ઉમેદવારો – ર
  • અપક્ષ ઉમેદવારો – ૩

૧૧૧ – ઉમરેઠ (Umreth)

  • ભાજપ – ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર – ઉ.૬૯ – ધો.૭
  • એનસીપી – જયંતભાઈ રમણભાઈ પટેલ – – ઉ.૬ર – એસવાય નાપાસ
  • આપ – અમરિશભાઈ હેમેન્દ્રભાઈ પટેલ – ઉ.૬૦ – ધો.૧૦
  • આપ – બિન્દાલ મહેશકુમાર લખારા – ઉ.૩૧ – એમએસસી આઈટી
  • અન્ય પાર્ટીના ઉમેદવારો – ૧
  • અપક્ષ ઉમેદવારો – ૧૦

૧૧ર – આણંદ (Anand)

  • ભાજપ – યોગેશભાઈ રાવજીભાઈ પટેલ – ઉ.પ૭ – – ધો.૧૦
  • કોંગ્રેસ – કાંતિભાઈ મણીભાઈ સોઢાપરમાર – ઉ.૬૧ – એસવાયબીકોમ
  • આપ – ગીરીશભાઈ હિમંતલાલ સેદલીયા – ઉ.પ૦ – ધો.૧ર નાપાસ
  • આપ – મેહુલકુમાર વિનોદભાઈ વસાવા – ઉ.૩૭ – એલએલબી
  • અન્ય પાર્ટીના ઉમેદવારો – ૪
  • અપક્ષ ઉમેદવારો – ૧૧

૧૧૩ – પેટલાદ (Petlad)

  • ભાજપ – કમલેશભાઈ રમેશભાઈ પટેલ – ઉ.પર – એમએસસી બીએડ
  • કોંગ્રેસ – ડો.પ્રકાશભાઈ બુધાભાઈ પરમાર – ઉ.૩૯ – બીએચએમએસ
  • આપ – અર્જુનભાઈ સિંધાભાઈ ભરવાડ – ઉ.૩પ – ધો.૭
  • અન્ય પાર્ટીના ઉમેદવારો – ૩
  • અપક્ષ ઉમેદવારો – ૩

૧૧૪ – સોજીત્રા (Sojitra)

  • ભાજપ – વિપુલભાઈ વિનુભાઈ પટેલ – ઉ.પ૩ – ધો.૧ર
  • કોંગ્રેસ – પૂનમભાઈ માધાભાઈ પરમાર – ઉ.૬૦ – ધો.૧૧
  • આપ – મનુભાઈ રણછોડભાઈ ઠાકોર – ઉ.૪૦ – ડિપ્લોમા ઈન મિકે.એન્જી
  • આપ – જૈમિન અમૃતભાઈ પરમાર – ઉ.૩૯ – આઈટીઆઈ
  • અન્ય પાર્ટીના ઉમેદવારો – ર
  • અપક્ષ ઉમેદવારો – ૪

Read Khambhat Candidate List

બેઠકમુખ્ય પાર્ટીના ઉમેદવારોઅન્ય પાર્ટીના ઉમેદવારોઅપક્ષ ઉમેદવારો
૧૦૮ ખંભાત૦૩૦૩૦૬
૧૦૯ બોરસદ૦૩૦ર૦૪
૧૧૦ આંકલાવ૦૩૦ર૦૩
૧૧૧ ઉમરેઠ૦૩૦૧૧૦
૧૧ર આણંદ૦૩૦૪૧૧
૧૧૩ પેટલાદ૦૩૦૩૦૩
૧૧૪ સોજીત્રા૦૩૦ર૦૪
કુલર૧૧૭૪૧
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular