નવજીવન ન્યુઝ. અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં કોંગ્રેસે ઉમેદવારો (Congress Candidate)ના નામની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ અને રાજકોટ ગ્રામ્ય, ગારીયાધાર અને બોટાદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત છે કે બોટાદ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસે ફેરવી તોડયું અને જાહેર કરેલા ઉમેદવારને બદલી દેવાયા છે.
કોંગ્રેસે આજરોજ સાંજના સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરતા 5મી યાદી જાહેર કરી છે. જેમાં સૌથી મોટી વાત સામે આવી છે કે, કોંગ્રેસે બોટાદ બેઠક પરથી રમેશ મેરના નામની જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવાર બદલી મનહર પટેલના નામની જાહેરાત કરી છે.
આ યાદીમાં ધ્રાંગધ્રા બેઠક પરથી છત્રસિંહ ગુંજારીયા, મોરબીમાં જયંતીભાઈ જેરામભાઈ પટેલ, રાજકોટ પશ્ચિમમાં મનસુખ કાલરીયા, જામનગર ગ્રામ્યમાં જીવણ કુંભરવડીયા અને ગારીયાધાર બેઠક પરથી દિવ્યેશ મનુભાઈ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત છે કે આ નામ જાહેર થતાની સાથે જ જામનગર ગ્રામ્યમાં અંદરખાને કોંગ્રેસીઓ નારાજ થયા છે.








