Tuesday, May 5, 2026
HomeGujaratખંભાત બેઠક ભાજપ માટે આબરૂ બની ગઈ: જાતીગત સમિકરણ બન્યું ગળાનું હાડકું

ખંભાત બેઠક ભાજપ માટે આબરૂ બની ગઈ: જાતીગત સમિકરણ બન્યું ગળાનું હાડકું

- Advertisement -

દેવાંગી ઠાકર,નવજીવન ન્યુઝ.આણંદ : આણંદ જીલ્લાની ૧૦૮- ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક છેલ્લા ૩ર વર્ષથી ભાજપ પાસે છે. ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં વિધાનસભાની ૧૩ વખત ચૂંટણીઓ યોજાઈ છે. જે પૈકી ૭ વખત ભાજપને જીત મળી છે. આ બેઠક પર બ્રાહ્મણ જ્ઞાતીના ધારાસભ્યોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્યને રિપીટ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ ખંભાત શહેરમાં ઠેરઠેર વિરોધનો વંટોળ ફૂકાયો છે. આ વખતે ભાજપ માટે ખંભાતમાં અસ્તિત્વની લડાઈ સમાન ચૂંટણી બની રહે તો પણ નવાઈ નહી ! તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતની સ્થાપના બાદ સન ૧૯૬રમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમા ખંભાત બેઠક ઉપરથી સ્વતંત્ર પાર્ટીના રણજીતરાય ગંગાશંકર શાસ્ત્રીનો ૪૬૯૯ મતથી વિજ્ય થયો હતો. જેમા કોંગ્રેસના બાબુભાઈ જશભાઈ પટેલ હારી ગયા હતા. ત્યારબાદ સન ૧૯૬૭માં કોંગ્રેસ દ્વારા વણીક ઉમેદવાર એમ બી શાહને ઉતારતા તેઓને ૯૬૭૧ મતથી જીત મળી હતી. તે વખતે અગાઉ જીતેલ રણજીતરાય શાસ્ત્રીનો પરાજય થયો હતો. વર્ષ ૧૯૭રમાં કોંગ્રેસના એમ બી શાહને રીપીટ કરવામાં આવ્યા હતા. તેઓ પુનઃ ૧૧૭૯ મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. તેઓની સામે કોંગ્રેસ ઓર્ગે.ના પાટીદાર ઉમેદવાર વલ્લભભાઈ એ પટેલનો પરાજય થયો હતો. પરંતુ વર્ષ ૧૯૭પની ચૂંટણીમાં કોંગ્રેસ ઓર્ગે.ના વલ્લભભાઈ એ પટેલે કોંગ્રેસના એમ બી શાહને ૮૦૦૭ મતોથી હરાવી બદલો લઈ લીધો હતો.

- Advertisement -

સન ૧૯૮૦ની ચૂંટણી વખતે કોંગ્રેસને કોંગ્રેસ (આઈ) તરીકે ઉતારવામાં આવી હતી. તેજ સમયે જનતા પાર્ટીની પણ એન્ટ્રી થઈ હતી. કોંગ્રેસ (આઈ) તરફથી ક્ષત્રિય ઉમેદવાર વિજયસિંહ લાધુભા ચુડાસમાનો જનતા પાર્ટીના વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ સામે ૭૧૯૭ મતથી વિજય થયો હતો. ત્યારબાદ સન ૧૯૮પમાં કોંગ્રેસ (આઈ)નું વિલીનીકરણ થતા કોંગ્રેસ અસ્તિત્વમાં આવ્યું હતુ. જેથી કોંગ્રેસ દ્વારા ફરીથી વિજયસિંહ ચુડાસમાને ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ જ ચૂંટણીમાં જનતા પાર્ટી તરફથી ડાહ્યાભાઈ એફ પટેલ મેદાનમાં હતા. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ખંભાતના રાજકીય ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આગમન થયુ હતુ. ભાજપ દ્વારા જયેન્દ્ર ખત્રીને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે જંગી સરસાઈ ર૪૩૧૮ મતથી બેઠક જાળવી રાખી હતી. પરંતુ ત્યારથી આજદીન સુધી કોંગ્રેસ આ બેઠક જીતી નથી શક્યું.

વર્ષ ૧૯૯૦માં ભાજપ દ્વારા ફરીથી જયેન્દ્ર ખત્રીને અને કોંગ્રેસે જશવંતસિંહ ચાવડાને મેન્ડેટ આપ્યા હતા. આ સમયે જનતાદળ દ્વારા વલ્લભભાઈ એ પટેલને પણ ચૂંટણી મેદાનમાં ઉતારતા ત્રીપાંખ્યો જંગ થયો હતો. જેમા આ બેઠક ૧૮૭૯૧ મતથી પ્રથમ વખત ભાજપના ફાળે ગઈ હતી. ત્યારબાદ સન ૧૯૯પમાં ફરીથી ભાજપના જયેન્દ્ર ખત્રીએ ૧૩૮૯૧ મતથી કોંગ્રેસના પ્રભુદાસ એસ પટેલને પરાજીત કર્યા હતા. વર્ષ ૧૯૯૮માં ભાજપ દ્વારા જયેન્દ્ર ખત્રીને પડતા મુકી બ્રાહ્મણ ઉમેદવાર તરીકે શિરીષ શુકલને ચૂંટણીમાં ઉતાર્યા હતા. જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પ્રભુદાસ એસ પટેલે ઝંપલાવ્યું હતુ. એ વખતે ભાજપમાંથી પડતા મુકાયેલ જયેન્દ્ર ખત્રીએ ઓલ ઈન્ડિયા રાષ્ટ્રિય જનતા પાર્ટીમાથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો થતા ભારે રસાકસી બાદ માત્ર રર૬૮ મતથી ભાજપ જીત્યું હતુ. ત્યારબાદ વર્ષ ર૦૦રમાં ફરી એક વખત ભાજપે શિરીષ શુક્લને ટીકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા જયેન્દ્ર ખત્રીને મેન્ડેટ આપ્યો હતો. જેમા શિરીષ શુક્લનો ૧૦૪૦ર મતથી વિજ્ય થયો હતો.

સન ર૦૦૭ની ચૂંટણીમાં ફરીથી જયેન્દ્ર ખત્રીએ કોંગ્રેસનો હાથ છોડી અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતુ. આ ચૂંટણીમાં ભાજપના શિરીષ શુક્લ તથા કોંગ્રેસના સંદિપસિંહ ચૂડાસમા પણ ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં ભાજપનો ૧૦૦૭૭ મતની સરસાઈથી વિજય થયો હતો. સતત ત્રણ ટર્મથી જીતતા શિરીષ શુક્લની જગ્યાએ પાટીદાર ઉમેદવાર સંજયભાઈ પટેલને વર્ષ ર૦૧રની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ફરીથી સંદિપસિંહ ચુડાસમાને ઉતાર્યા હતા. પરંતુ આ બેઠક ૧પ૩૮૬ મતથી ભાજપના ફાળે ગઈ હતી. ગત ર૦૧૭ની ચૂંટણી વખતે ભાજપ દ્વારા પાટીદારના સ્થાને ફરીથી એકવાર બ્રાહ્મણ ઉમેદવાર તરીકે મહેશભાઈ (મયુરભાઈ) કે રાવલને મેન્ડેટ આપ્યો હતો. જેઓની સામે કોંગ્રેસના ખુશ્માનભાઈ એસ પટેલ ચૂંટણીમાં ઉતર્યા હતા. આ સમયે મહેશભાઈ(મયુરભાઈ) રાવલને ફક્ત ર૩૧૮ મતથી જીત મળી હતી.

- Advertisement -

હવે આગામી તા.પ ડિસેમ્બરના રોજ ૧૦૮ ખંભાત વિધાનસભા બેઠકનું મતદાન યોજાનાર છે. ત્યારે ભાજપ દ્વારા ફરી એક વખત મહેશભાઈ (મયુરભાઈ) રાવલને મેન્ડેટ આપવામાં આવ્યો છે. જેવુ આ નામ જાહેર થયુ કે તરત જ શહેરના કેટલાય વિસ્તારોમાં મયુરભાઈનો વિરોધ શરૂ થઈ ગયો છે. મેન્ડેટ મળવાની ખુુશીમા તેઓ શહેરમાં મતદારોને મળવા નિકળ્યા ત્યારે અલિંગ, ચુનારાવાસ સહિત અનેક વિસ્તારોમાં લોકોએ વિરોધ કર્યો હતો. ઉપરાંત મયુરભાઈનો વિરોધ દર્શાવતી અનેક પોસ્ટ સોશ્યલ મિડિયા ઉપર લોકોએ વાયરલ કરી છે. મયુરભાઈને રિપીટ કરતા ભાજપમાં આંતરકલહ પણ ચરમસિમાએ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. હજી કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ ૩ર વર્ષથી દબદબો ધરાવનાર આ બેઠક ભાજપ માટે આ વખતે અસ્તિત્વની લડાઈ સમાન બની રહે તો પણ નવાઈ નહી ! કારણ કે આણંદ જીલ્લામાં ખંભાત બેઠક ભાજપ માટે સૌથી સલામત અને ગઢ ગણવામાં આવે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular