Sunday, June 7, 2026
HomeGujaratઆણંદની પેટલાદ બેઠક પર ભાજપ-કોંગ્રેસનું સસ્પેન્સ, જાણો શું છે કારણ

આણંદની પેટલાદ બેઠક પર ભાજપ-કોંગ્રેસનું સસ્પેન્સ, જાણો શું છે કારણ

- Advertisement -

દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. આણંદ): વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ ફૂકાયા બાદ આજરોજ બીજા તબક્કા માટે જાહેરનામુ પ્રસિંદ્ધ થયું છે. જેના ઉમેદવારી પત્રો ભરાવવાની શરૂઆત આજથી થઈ છે. જે માટેનું મતદાન આગામી તા.પ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેથી છેલ્લા ઘણા દિવસોથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહી હતી. જે મુજબ આણંદ જીલ્લાની સાત બેઠકો માટે પણ ભાજપ અને કોંગ્રેસમાં સંભવિતો પોતાના નેતાઓ દ્વારા લોબિંગ કરી રહ્યા હ

આજરોજ અચાનક ભારતીય જનતા પાર્ટીએ ૧૮ર પૈકી ૧૬૦ ઉમેદવારોની યાદી એક સાથે જાહેર કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે. જેની સાથે આણંદ જીલ્લાની સાત પૈકી છ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ છ પૈકી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે આંકલાવ બેઠક ઉપર નવા ઉમેદવારને ઉતાર્યા છે. જે પાંચ બેઠકોના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે જેને લઈને ભાજપના સંભવિત ઉમેદવારોમાં ભારે આશ્ચર્ય સાથે નારાજગી હોવાની વાતો ચર્ચાસ્પદ બનવા પામી છે. જીલ્લાની પેટલાદ બેઠક ઉપર કોંગ્રેસના બે કદ્દાવર નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ હોવા ઉપરાંત ભાજપમાં પણ સંભવિતો દ્વારા જોરદાર લોબિંગ ચાલતુ હોવાને કારણે કોકડુ ગુંચવાતા ભાજપ દ્વારા આ બેઠક હાલ પેન્ડિંગ રાખવામાં આવતા ઉત્તેજના વધી છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લાની ૧૦૮ ખંભાત વિધાનસભા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ (મયુરભાઈ) રાવલને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ ગત ર૦૧૭ની ચૂંટણીમાં માત્ર ર૩૧૮ મતથી જીત્યા હતા. ખંભાત બેઠક છેલ્લા ૩ર વર્ષથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમાય ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીની ૧૩ ચૂંટણીઓમાં ૭ વખત ભાજપને જીત મળી છે. આ ૭ પૈકી ૪ વખત બ્રાહ્મણ ઉમેદવાર વિજયી થયા છે. જ્યારે એક વખત પટેલ અને બે વખત ઈતર જ્ઞાતીના ઉમેદવારને જીત મળી છે. હવે આ વખતે ત્રિપાંખિયા જંગમાં ભાજપ પોતાની જીત જાળવી રાખે છે કે આ બેઠક ઉપર પરિવર્તન થાય છે ? તે આવનાર સમય જ બતાવી શકશે. જીલ્લાની ૧૦૯ બોરસદ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર અત્યાર સુધી ભાજપ ક્યારેય જીતનો સ્વાદ ચાખી શક્યું નથી. બોરસદ વિધાનસભા બેઠક ઉપર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર જીતતા આવ્યા છે. જેઓની સામે વર્ષ ર૦૧રમાં ભાજપના નયનાબેન રમણભાઈ સોલંકી લગભગ ર૧૦૩૪ મતથી પરાજીત થયા હતા. જ્યારે વર્ષ ર૦૧૭ની ચૂંટણીમાં ભાજપના રમણભાઈ સોલંકી ૮૪૬૮ મતથી હાર્યા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ફરીથી રમણભાઈ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

જીલ્લામાં વર્ષ ર૦૧રથી ભાદરણ વિધાનસભા બેઠકના સ્થાને ૧૧૦ આંકલાવ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. જેની ઉપર બે ટર્મથી કોંગ્રેસના અમિતભાઈ ચાવડા કબ્જો ધરાવે છે. આ બેઠક ઉપર વર્ષ ર૦૧રમાં ભાજપ દ્વારા જશવંતસિંહ સોલંકીને ચૂંટણી મેદાનમાં ઉતારતા તેઓનો ૩૦૩૧૯ જેટલા જંગી મતોથી પરાજય થયો હતો. જેથી આ બેઠક ઉપર ભાજપ દ્વારા ગત ર૦૧૭ની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર હંસાકુવરબા રાજને મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેઓનો પણ ૩૩૬ર૯ મતોથી કારમો પરાજય થયો હતો. જેથી આ વખતે આંકલાવ બેઠક ઉપર ભાજપ દ્વારા ગુલાબસિંહ પઢિયારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આંકલાવ વિધાનસભા બેઠક ઉપર પઢિયાર સમાજના મતદારો નિર્ણાયક સાબિત થાય તો પણ નવાઈ નહી. આણંદ જીલ્લાની ૧૧૧ ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ફરીથી ગોવિંદભાઈ પરમાર રિપીટ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક ઉપર છેલ્લી ત્રણેક ટર્મના સરસાઈની આંકડાકીય માહિતી જોઈએ તો વર્ષ ર૦૦૭માં કોંગ્રેસ તરફથી લાલસિંહ વડોદિયા ૪૧૧પ, વર્ષ ર૦૧રમાં એનસીપીના જયંતભાઈ પટેલ ૧૩૯૪ મત અને વર્ષ ર૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર ૧૮૮૩ મતથી જીત્યા હતા. આમ આ બેઠક ઉપર છેલ્લી ત્રણ ટર્મથી અલગ અલગ પાર્ટીના ઉમેદવારો ધારાસભ્યો બન્યા છે. ઉપરાંત આ બેઠક ખુબ જ પાતળી સરસાઈથી જે તે ઉમેદવાર જીતે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ દ્વારા ગોવિંદભાઈ પરમારને રિપીટ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે તેઓ બેઠક જાળવી રાખે છે કે ગુમાવવી પડે છે ? જો કે આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી.

આણંદ જીલ્લાના વડા મથક એવા ૧૧ર આણંદ વિધાનસભા બેઠક ઉપર ગત વખતે ચૂંટણીમાં ઉભા રહેલા યોગેશભાઈ પટેલને ભાજપે રિપીટ કર્યા છે. આણંદ બેઠકમાં શહેર અને ત્રણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. જીલ્લાની સૌથી મોટી આ બેઠકનું રાજકીય સરવૈયુ જોઈએ તો સન ૧૯૯પથી આણંદ વિધાનસભા ભાજપ પાસે હતી. પરંતુ ગત ર૦૧૭ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. અત્યાર સુધી આ બેઠક ઉપર ભાજપના દિલીપભાઈ મણીભાઈ પટેલ ચાર વખત ધારાસભ્ય બન્યા છે. જ્યારે એક વખત જ્યોત્સનાબેન રાજુભાઈ પટેલ જીત્યા હતા. ગત ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર ભાજપના યોગેશભાઈ પટેલ સામે કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમાર પર૮૬ મતથી જીત્યા હતા. આ વખતની ચૂંટણી માટે આ બેઠક ઉપર સંભવિત ઉમેદવારોની સંખ્યા ખુબ વધારે હતી. પરંતુ ભાજપ દ્વારા ફરી એક વખત યોગેશભાઈ પટેલ ઉપર પસંદગી ઉતારી છે.

- Advertisement -

વિધાનસભા ચૂંટણી ર૦રર માટે આણંદ જીલ્લાની ૧૧૩ પેટલાદ બેઠક ઉપર ભારે ઉત્તેજના જોવા મળે છે. આ બેઠક ઉપર કોંગ્રેસના નિરંજન પટેલ છ વખત ધારાસભ્ય બન્યા છે. છતા તેઓના સ્થાને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીનુ નામ જાહેર તેવી શક્યતા હોવાથી અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. આ બેઠક ઉપર ભાજપે પણ હજી સુધી પોતાના ઉમેદવાર માટે પત્તા ખોલ્યા નથી. હાલ કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે. જેને કારણે પેટલાદ બેઠક ઉપર હજી સુધી ભાજપ કે કોંગ્રેસ પોતાના ફાઈનલ ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર કરી શક્યા નથી. જો જીલ્લાનું રાજકીય સમીકરણ જોઈએ તો ભાજપ દ્વારા દરેક જીલ્લામાં એક મહિલા ઉમેદવારને ઉતારવાનો અભિગમ રાખે છે. અત્યાર સુધી ભાજપ દ્વારા જે છ ઉમેદવાર જાહેર કર્યા છે તે તમામ પુરૂષ ઉમેદવાર છે. જેથી પેટલાદ બેઠક ઉપર ભાજપ મહિલા ઉમેદવાર ઉતારે તો નવાઈ નહી !

જીલ્લાની ૧૧૪ સોજીત્રા વિધાનસભા બેઠક સૌથી મોટી ગણવામાં આવે છે. આ બેઠક ઉપર ભાજપના જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલને રિપીટ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ બેઠક ઉપર અત્યાર સુધી ક્ષત્રિયોનું પ્રભુત્વ જોવા મળે છે. સોજીત્રા બેઠક સન ૧૯૬૭માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીની ૧ર ચૂંટણીઓ પૈકી ૮ વખત કોંગ્રેસ જીત્યું છે. આ આ બેઠક ઉપર વર્ષ ર૦૧રમાં કોંગ્રેસના પૂનમભાઈ પરમાર સામે ભાજપના વિપુલભાઈ પટેલનો માત્ર ૧૬ર મતથી પરાજય થયો હતો. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે ભાજપનો ખેલ પાડી દેતા બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ ગત ર૦૧૭ની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પૂનમભાઈ પરમાર અને ભાજપના વિપુલભાઈ પટેલ વચ્ચે રાજકીય ટક્કર થઈ હતી. જેમા ફરીથી કોંગ્રેસના પૂનમભાઈ પરમાર ર૩૮૦ મતથી જીત્યા હતા. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉતારવામા હેટ્રિક નોંધાવી છે. તો જોવાનું એ રહેશે કે પૂનમભાઈ પરમાર જીતની હેટ્રિક નોંધાવે છે કે વિપુલભાઈ પટેલ હારની હેટ્રિક નોંધાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલભાઈ પટેલ જીલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી સંભાળતા હોવાથી તેઓ અન્ય છ બેઠકો ઉપર ધ્યાન આપી શકે છે કે પછી તેઓ પોતાની બેઠક ઉપર વિજય નોંધાવવા એડીચોટીનું જોર લગાવે છે !

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular