નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં સત્તા મેળવવા તમામ રાજકીય પાર્ટી એડી ચોટીનું જોર લગાવીને જનસંપર્ક કરી રહી છે. તેમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી બની રહી ગઈ છે. રાહુલ ગાંધીના આગમન પહેલા યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાધેલાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. 7 પેજના રાજીનામાં પર પક્ષની નેતાગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યો છે.
આવતીકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધીના આગમનના એક દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના યુવા નેતાનું રાજીનામું પડતા અનેક અટકળો તેજ થઈ છે. વિશ્વનાથસિંહ વાધેલાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસમાં જોડાઈને જવાનીના 18 વર્ષ વેડફી નાખ્યા છે, આજે મારી જાતને મન કર્મ વચનથી કોંગ્રેસ મુક્ત કરું છું, સંઘર્ષ કરીને યોગ્ય જગ્યા પર પહોંચ્યો તો આંતરિક જુથવાદને કારણે પક્ષમાં દુશ્મનો પેદા થાય છે.
વધુમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈને નીકળવાનું છે, કોંગ્રેસે ભારતને જોડવાનું કામ કર્યું છે?, દેશની જનતાએ સુકાન સંભાળવા ખુબ તક આપી પણ કોંગ્રેસ નિષ્ફળ રહી. પક્ષને કરોડો રૂપિયા આપ્યા ત્યારે બધા પદો વેચાતા આપ્યા છે. યુવાનો માટે સારૂ કામ કરવા જઈ ત્યારે પક્ષના આગેવાનો કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરે છે. વિશ્વનાથસિંહ વાધેલાના રાજીનામા બાદ તે ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે. જોકે તેમના તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.








