Saturday, May 2, 2026
HomeGujaratઉનાના ખાપટ ગામે પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર ખાતાધારકોને લાખોનો ચુનો લગાવી...

ઉનાના ખાપટ ગામે પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર ખાતાધારકોને લાખોનો ચુનો લગાવી ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ ગીરસોમનાથના ઉનામાં ખાપટ ગામમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તરે ખાતાધારકોના લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન કરી લોકોને ચુનો લગાવ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ખાપટ ગામના ૧૨૦૦થી વધુ ખાતા ધારકો છે. ખાપટ ગામની પોસ્ટ ઓફિસમાં શ્રમિક, વિધવા સહાય, સુકન્યા યોજના, જીવન વીમા, બચત ખાતા સહિતની રકમો પોસ્ટ માસ્તરે પોતાના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. બ્રાન્ચ પોસ્ટ માસ્તર ખાતા ધારકોની સહી કર્યા વગર લાખો રૂપિયાની રકમ લઈ ગુમ થઇ જતા પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવા દોડી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, ઉનાની ખાપટ પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર દિવ્યેશ થોભલભાઈ બારડ (રહે.ડોળાસા) છેલ્લા બે વર્ષથી વધુ સમયથી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે. દિવ્યેશે ગામના ખાતાધારકોને વિશ્વાસમાં લઈને શ્રમિકો, વિધવા સહાય, સુકન્યા યોજના, જીવન વીમા, બચત ખાતા સહિતની રકમો જમા કરાવી પાસબુકમાં પોતાની સહી કરી દેતો હતો અને પૈસા જમા કર્યાની રકમની પહોંચ આપતો ન હતો. અનેક ખાતાધારકો બ્રાન્ચ ખાતે પૈસા ઉપાડવા ગયા ન હોય છતાં પણ તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હતા.

- Advertisement -

ખાતામાંથી બારોબાર પૈસા ઉપડી જતાં ખાતા ધારકો ગીર ગઢડા પોસ્ટ ઓફિસે પહોંત્યા હતા. જ્યાં હાજર અધિકારી નાનજીભાઈ સોલંકી દ્વારા ઉડાઉ જવાબ આપી અરજદારોને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. લોકોના જમા કરાવેલા નાણા ઉપડી જતા તમામ લોકો ખાપટ ગામે એકઠા થઈ જતાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તમામ અરજદારોને સાંભળી પાસબુકની તપાસ કરી ખાપટ ગામના ખાતાધારકોના લાખો રૂપિયાનું કૌભાંડ કરનાર દિવ્યેશ થોભલભાઈ બારડ (રહે. ડોળાસા) વિરૂદ્ધ તપાસ હાથ ધરી ખાતા ધારકોને વહેલી તકે નાણા પરત આપવાનું જણાવાયું હતું. અરજદારો દ્વારા માગણી કરવામાં આવી છે કે, આ નાણાની રકમો ચાંઉ કરનાર અધિકારી સાથે કોણ કોણ સંકળાયેલા છે તેની પણ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.

“મને નાનજીભાઈ સોલંકીનો ફોન આવેલો અને પાસબુક આપવા જણાવ્યું હતું, જેથી મેં મારા ખાતામાં ૧ લાખ ૧૭ હજાર જેટલી રકમ હતી, જે બેલેન્સ ચેક કરતા માત્ર ૯૯૬ રૂપિયા છે અને બીજા ખાતાનું ચેક કરાવતા પોસ્ટ માસ્તર દ્વારા જણાવાયું હતું કે અમે કંઈ કહી શકીએ નહીં”- ભીમા ભાઈ રામભાઈ સાંખટ

“પોસ્ટ ઓફિસના અધિકારી દિવ્યેશભાઈએ મારા ખાતામાં રહેલા બે લાખ રૂપિયા જેટલી રકમ મારી કોઈપણ પ્રકારની સહી વગર ઉપાડી લીધા છે અમે પોસ્ટ ઓફિસે તપાસ કરાવતા જણાવ્યું હતું કે અમને કંઈ પણ પ્રકારની જાણ નથી”- દેવા ભાઈ ટાબા ભાઈ રાઠોડ

- Advertisement -

“ખાપટ ગામના ખાતાધારકો ગીર ગઢડા આવતા ખાતામાં ખોટા ટ્રાન્જેક્શનની અમને શંકા જણાતા લોકોને અમે સાવચેત કર્યા હતા અને આ અંગેની જાણકારી ઉચ્ચ અધિકારીને કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ તપાસ કરી વેરીફીકેશન કરી આગળની કાર્યવાહી માટે ખાતાધારકોને સાવચેત કરશે, લોકોના આટલા ટ્રાન્જેક્શન થયા હોવા છતાં ગામના કોઈપણ વ્યક્તિ દ્વારા અમને જાણ કરવામાં આવી ન હતી”- નાનજીભાઈ સોલંકી ઇન્ચાર્જ પોસ્ટ માસ્તર ગીર ગઢડા બ્રાન્ચ

(અહેવાલ, તસ્વીરો – આભારસઃ ધર્મેશ જેઠવા ઉના)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular