નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદની રોનકમાં ચારચાંદ લગાવનાર રિવરફ્રન્ટના અટલ બ્રિજનું દેશના વડાપ્રધાનના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવતા કર્યા બાદ અમદાવાદીઓ માટે બે દિવસ માટે બ્રિજ પર કોઈ ટિકીટ રાખવામાં આવી ન હતી. જેના કારણે લાખોની સંખ્યામાં લોકોએ આ બ્રિજની મજામાણી હતી. ઉપરાંત બે દિવસ શનિ-રવિ હોવાના કારણે બ્રિજ પર કીડી મકોડા ઉભરાયા હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. જોકે હવે અમદાવાદીઓને આ બ્રિજની મજા માણવા માટે પૈસા ચુકવવા પડશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જેના અનુસાર 12 વર્ષથી ઉપરના લોકો માટે 30 રૂપિયા, જ્યારે બાળકો અને સિનિયર સિટીઝન માટે 15 રૂપિયા ટિકીટનો દર નક્કી કરવામાં આવ્યો છે. વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આ ટિકીટના દર આવતીકાલ બુધવારથી અમલ થશે.
અટલ ફૂટ ઓવર બ્રિજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત ટિકીટનું પણ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે 40 રૂપિયા, બાળકો અને સિનિયર સિટીઝન માટે 20 રૂપિયા ટિકીટનો દર નક્કી કરવામાં આવ્યો છે. આ બ્રિજ સવારે 9 થી રાત્રના 9 વાગ્યા સુઘી ખુલ્લો રહેશે. બ્રિજ પર મુલાકાતી 30 મિનિટ સુધી જ રોકાઈ શકશે. રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચીમના અપર પ્રોમીનાડથી એન્ટ્રી આપવામાં આવશે.
બ્રિજ પર જતી વખતે કોઈપણ પ્રકારના ગુટખા, પાન-મસાલા અને કેફીદ્રવ્ય લઈ જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત કોઈપણ પ્રકારનો ઘરેથી લાવેલો ખોરક પણ લઈ જવાની મંજુરી આપવામાં આવી નથી. મુલાકાતીઓને પાલતુ પ્રાણી સાથે પણ બ્રિજ પર જવા દેવામાં આવશે નહીં. રમત-ગમતના સાધનો પણ બ્રિજ પર લઈ જકાશે નહીં. ફેરિયાઓને બ્રિજ પર વેચાણ કરવા માટે પ્રવેશ નહીં અપાય. ઉપરાંત બ્રિજ પર ઉહાપોહ, મ્યુઝિક વગાડવા, ડાન્સ કરવા, રમતો રમવા જેવી વગેરે પ્રવૃતીઓ કરવાની મનાઈ ફરમાવામાં આવી છે. બ્રિજ પર કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી સાબરમતી રિવરફ્રન્ટના નિયમો મુજબ કરવાની રહેશે.








