Sunday, April 19, 2026
HomeGujaratગુજરાતમાં ‘એક્ટ ઓફ ગોડ’નું વધુ એક ઉદાહરણ, રમગઢને રાજપીપળા સાથે જોડતા પુલ...

ગુજરાતમાં ‘એક્ટ ઓફ ગોડ’નું વધુ એક ઉદાહરણ, રમગઢને રાજપીપળા સાથે જોડતા પુલ ઉપર 20 ફૂટનું ગાબડું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજપીપળા: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં વિકાસ મોડલની વાત કરવામાં આવે છે, પણ અવાર નવાર ગુજરાતનાં વિકાસની પોલ ખૂલે તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં રાજપીપળા અને રામગઢને જોડતા એક બ્રિજ ઉપર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલ ઉપર છેલ્લા 2 વર્ષમાં બે વાર આવા ગાબડાં પડી ચૂક્યા છે.

2 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને લોકાર્પણ વગર જ જાહેર જનતાએ આ બ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. ગયા વર્ષે વરસાદના કારણે આ પુલ વચ્ચેથી બેસી ગયો હતો અને રોડ બંધ કરવા માટે તંત્ર વિવશ બન્યું હતું. તે સમયે જ પુલ બનાવનારા કોન્ટ્રાકટર ઉપર સવાલો ઊભા થયા હતા, ત્યારે હવે ફરીથી આ વર્ષે બ્રિજ ઉપર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે.

- Advertisement -

તાજેતરમાં ભારે વરસાદના પગલે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે પુલનું ધોવાણ થયું હતું. પુલનું ધોવાણ થવાના કારણે બ્રિજ ઉપર 20 ફૂટનું ગાબડું પડ્યું છે. આ ગાબડાની યોગ્ય તપાસ કરતા આ પુલ ઉપર માત્ર માટીથી જ પુરાણ કરેલું દેખાય છે. જેને કારણે જ આ રસ્તો તૂટી પડ્યો છે. પુલમાં સિમેન્ટ, રેતી કે કપચીનું કોન્ક્રિટ બાંધકામ દેખાતું જ નથી. માત્ર માટી પુરાણ કરેલું દેખાય છે. આ માટીનું પુરાણ ભારે વારસાદથી ધોવાઈ જતા મોટુ ગાબડું પડી ગયું છે. એ જોતા કરોડોના ખર્ચે બનેલા આ પુલ તકલાદી અને ગુણવત્તા વિહોનો નબળા પુલનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે.

ઉલ્લેખનીય છે કે આ એક પુલ આવો નથી જે વરસાદના કારણે તૂટી ગયો છે. ગુજરાતમાં ઠેર ઠેર આવા કિસ્સાઓ સામે આવ્યા છે. ગુજરાતનાં એક મંત્રી પુર્ણેશ મોદી કહે છે કે વરસાદના કારણે રસ્તા તૂટવા એતો ‘એક્ટ ઓફ ગોડ’ છે, પણ શું આ મંત્રીઓ અને નેતાઓએ દરવર્ષે તૂટતાં રસ્તાઓ પરથી શીખ લઈને પ્રજાને હાલાકી ન ભોગવવી પડે તેવું કામ કરવું જોઈએ કે પછી દોષનો ટોપલો ભગવાનના માથે નાખી દેવો જોઈએ?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular