નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતના પાટનગરમાં લાંચીયા બાબુઓના શ્વાસ અધ્ધર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરમાં કલેક્ટર ઓફિસની પાછળ આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં એસીબીના અધિકારીઓ સરપ્રાઈસ ચેકિંગ હાથ ધરતા ઓફિસમાં ફફળાટ મચી ગયો હતો. જેમાં ત્રણ અધિકારીઓના ખાનામાંથી બિનહિસાબી રોકડ રકમ મળી આવી હતી. આ રકમ અંગે અધિકારી ખુલાસો ન કરી શકતા એસીબીએ જાણવાજોગ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરમાં આવેલી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજના નામે લોકો જોડે મોટાપાયે તોડપાણી થતાં હોવાની માહિતી એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) વિભાગને મળી હતી. ઉપરાંત નાગરિકોને દસ્તાવેજોની નોંધણી કરવા સબ રજીસ્ટ્રારના ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ દસ્તાવેજની નોંધણી કરવા માટેના પૂરતા કાગળો હોવા છતાં, દસ્તાવેજી કાગળો અધૂરા અને સહી સિક્કા બરાબર નહીં હોવાના બહાના કાઢીને સરકાર દ્વારા નોંધણી કરવા માટે નિયત કરેલી ફી સિવાય ગેરકાયદેસર વધારાના નાણાંની માંગણી કરતા હોય છે. આવા વધારાના નાણાં આપવામાં ન આવે તો હેરાનગતી કરી દસ્તાવેજ ન કરી આપી, નાગરિકને ધક્કા ખવડાવતા હોવાની ઉપરાંત મોડા સુધી ઓફિસ ચાલુ રાખી ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરતા હોવાની માહિતી મળી હતી.
માહિતીના આધારે એસીબી દ્વારા ગઈકાલ શનિવારે બે સરકારી પંચો સાથે રાખીને માહિતીની ખરાઈ કરવા સરપ્રાઈઝ સર્ચનું આયોજન કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ઓફિસમાં હાજર સ્ટાફની જડતી કરતા સબ રજીસ્ટ્રાર વિસ્મય દિલીપભાઈ પટેલ પાસેથી 73,100ની રોકડ રકમ અને સબ રજીસ્ટ્રાર ઘનશ્યામસિંહ ભીખુસિંહ ચાવડા પાસેથી રોકડ રકમ 14,500ની રોકડ રકમ ઉપરાંત અન્ય એક સબ રજીસ્ટ્રારની ચેમ્બરના ટેબલના ખાનામાંથી 20,000ની રોકડ બિનવારસી મળી આવી હતી. આમ એસીબીના સર્ચ ઓપરેશન દરમિયાન રોકડ રકમ કુલ 1,07,600 મળી આવી હતી. આ નાણા અંગે અધિકારીઓને પૂછતાં તેઓ દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હતા. જેથી એસીબી દ્વારા હાલ જાણવા જોગ દાખલ કરી કાર્યવાહી હાથ કરવામાં આવી છે.








