નવજીવન ન્યૂઝ. ગીરગઢડા: ગુજરાતના બોટાદ જિલ્લામાં ગત સોમવારે લઠ્ઠાકાંડ થયો હોવાની ઘટના સામે આવી હતી, જોકે ગુજરાત સરકાર દ્વારા લઠ્ઠાકાંડ થયો હોવાની વાતને નકારીને આ આખી ઘટનાને ‘કેમિકલ કાંડ’ ગણાવવામાં આવી રહી છે. તેમ છતાં જમણે જીવ ગુમાવ્યો તેમના પરિવારને તો યાતના ભોગવવી જ પડી રહી છે. ગીરગઢડા તાલુકાનાં ઉના ગામમાં આવેલા સુપ્રસિદ્ધ ગુપ્ત પ્રયાગ ધામ ખાતે આજે આ કથિત લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓ માટે એક શાંતિ સભા અને શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાગરિકોને નશીલા પદાર્થોથી દૂર રહેવા માટે જાગૃતિ કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગીરગઢડાના કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા અને તેમણે આ ઘટનામાં મૃત્યુ પામનારા વ્યક્તિઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને 2 મિનિટનું મૌન પાળ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પુંજા વંશ, ગુણવંત તળાવીયા, રામ ડાભી, કમલેશ બાંભણીયા સહીતના ગામના સરપંચો, આગેવાનો અને કોંગ્રેસ કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. MLA પુંજા વંશે આ પ્રસંગે જણાવ્યુ હતું કે ‘આ લઠ્ઠાકાંડ નથી, હત્યાકાંડ છે.’
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ, ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સની સેવન કરતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતનાં યુવાનોમાં જાગૃતિ આવે અને યુવાનો આ નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે હેતુથી ગીરગઢડાના ગુપ્ત પ્રયાગ ધામમાં આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવી હતી.








