Wednesday, July 8, 2026
HomeGujaratલમ્પી વાયરસના જોખમ વચ્ચે રાજકોટના માલિયાસણ ગામ પાસેથી મળ્યા 200 ગૌવંશના મૃતદેહ,...

લમ્પી વાયરસના જોખમ વચ્ચે રાજકોટના માલિયાસણ ગામ પાસેથી મળ્યા 200 ગૌવંશના મૃતદેહ, લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ વાયરસના કારણે મોટા સંખ્યામાં પશુઓનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટની સીમમાં આવેલા માલિયાસણ ગામની નજીક 200થી વધારે ગાય અને ગૌવંશના પશુઓના મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેના કારણે ગામના સ્થાનિકો તંત્ર સામે રોષે ભરાયા હતા અને જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

સ્થાનિકોના રોષને પગલે તંત્ર તાત્કાલિક ગઇકાલ રાત્રે એક્શનમાં આવ્યું હતું અને રાજકોટ કોર્પોરેશન દ્વારા ગઇકાલે રાતે માલિયાસણ વિસ્તારમાં જ્યાં પશુઓના મૃતદેહ મળી આવ્યા હતા તે જગ્યાએ JCB મોકલવામાં આવ્યું હતું અને JCBની મદદથી ઊંડા ખાડા ખોદીને આ પશુઓના મૃતદેહ દાટવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માલિયાસણની આ જગ્યા થોડા સમય અગાઉ કોર્પોરેશન દ્વારા જ પશુઓના મૃતદેહ દફનાવવા માટે ફાળવવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લમ્પી વાયરસના કારણે મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ થયા હોવાના કારણે લોકો મૃતદેહ દફનાવવાની જગ્યાએ અહિયાં મૃતદેહને ખુલ્લા મૂકીને જ જતાં રહે છે જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે અને ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના વધી ગઈ છે.

- Advertisement -

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લમ્પી વાયરસના કારણે મૃત્યુ પામેલા 200 પશુઓનાં મૃતદેહ માલિયાસણ લાવવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગે ગાયો અને ગૌવંશનાં મૃતદેહો છે. હાલ રાજકોટ કોર્પોરેશને જ આ જગ્યા પશુઓના મૃતદેહો માટે ફાળવી છે, પરંતુ કોર્પોરેશનની ટીમ અને અન્ય લોકો મૃતદેહોની દફનવિધિ કરવાને બદલે ખુલ્લા મૂકીને જતા રહે છે. જોકે ગ્રામજનોની રજુઆત બાદ મોડી સાંજે કોર્પોરેશનની ટીમ દોડી આવી હતી અને હાલ જેસીબીની મદદથી ઊંડા ખાડા કરી પશુઓનાં મૃતદેહો દફનાવવામાં આવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં પશુઓનાં મૃતદેહો ખુલ્લા મૂકી દેવાતા અમારા 3500ની વસ્તી ધરાવતા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે, ત્યારે જો આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular