નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે લગભગ 40 લોકો લાપતા છે. ગત વર્ષે પણ વાદળ ફાટવાની ઘટના બની હતી પરંતુ મહામારીના કારણે યાત્રા યોજાઇ ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી. અમરનાથ ગુફા તરફ જવાના બે રસ્તા કાચા અને સાંકડા છે ઘોડા પણ એક-એક કરીને મોકલવા પડે તેવી સ્થિતિ છે. ઉપરાંત ગુફાની આજુબાજુ ટેન્ટ લગાવવામ આવ્યા છે. વાદળ ફાટતાં ટેન્ટ પણ પાણીમાં વહી ગયા હતા.
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના શુક્રવારનાં સાંજે 5.30 વાગ્યે બની હતી. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના પ્રવક્તાએ કહ્યું, “સ્થિતિ નિયંત્રણમાં છે, વરસાદ હજુ પણ ચાલુ છે. ખતરાને જોતા અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જો હવામાન સામાન્ય રહેશે તો કાલે યાત્રા ફરી શરૂ કરી શકાય છે.” આ દુર્ઘટનામાં યાત્રા રૂટ પરના સામુદાયિક રસોડા અને ટેન્ટને નુકસાન થયું છે. ઘાયલોને એરલિફ્ટ કરીને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે.
NDRF, SDRF અને અન્ય એજન્સીઓની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ કાબુમાં છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “પવિત્ર ગુફા પાસે વાદળ ફાટવાને કારણે ભક્તોનું અકાળે મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન મૃતકોની આત્માઓને તેમના ચરણોમાં શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, તેમજ ઘાયલ અને ગુમ થયેલા લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના છે.”
અમરનાથ ગુફામાં દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શનિવારે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. જે પ્રવાસીઓ ગુફામાં અથવા રસ્તામાં હોય તેઓ નીચે ઉતરી શકે છે. પરંતુ પહલગામ અને બાલતાલ ઉપર ચઢાણ શનિવારે થશે નહીં. હજુ સુધી બાલટાલ બેઝ હોસ્પિટલમાં કોઈ ઘાયલ કે મૃત યાત્રીઓને લાવવામાં આવ્યા નથી. જોકે બેઝ હોસ્પિટલમાં તૈયારીઓ પૂર્ણ રાખવામાં આવી છે. અમરનાથના દર્શન માટે 43-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 30 જૂનના રોજ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48 km નુનવાન માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14 km બાલતાલ માર્ગ દ્વારા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ગુફામાં બરફથી બનેલા શિવલિંગના દર્શન કર્યા છે. રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.








