નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: છેલ્લા એક સપ્તાહમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે આજે એટલે કે બુધવાર, 6 જુલાઈ, 2022ના રોજ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજે, ઓઈલ કંપનીઓએ સ્થાનિક LPGના ભાવમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામનું સબસિડી વગરનું સિલિન્ડર 1,053 રૂપિયામાં વેચવામાં આવશે. આજે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા 1 જુલાઈ 2022ના રોજ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજ સવારથી અમલમાં આવેલા નવા ભાવો હેઠળ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 2,012 રૂપિયામાં વેચાશે.
છેલ્લા એક વર્ષમાં રાંધણ ગેસના ભાવમાં અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ અનુસાર 22 માર્ચ 2022ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી 7 મેના રોજ ફરી એકવાર સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. 19 મેના રોજ 3.50 રૂપિયાનો થોડો વધારો થયો હતો. આ પછી હવે 6 જુલાઈએ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
જો બરાબર એક વર્ષ પહેલાની સરખામણી કરીએ તો, 1 જુલાઈ, 2021 ના રોજ, 14.2 કિલો નોન-સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી, જે આજે 1058 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં સિલિન્ડરની કિંમતમાં 218.50 રૂપિયા એટલે કે કુલ 26.18%નો વધારો થયો છે.
દેશના મોટા ભાગના શહેરોમાં હવે સરકાર દ્વારા ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવી રહી નથી, તેથી ખરીદદારોને સબસિડી વગર સિલિન્ડર ખરીદવા પડે છે. સરકાર માત્ર એવા લાભાર્થીઓને જ LPG સબસિડી આપી રહી છે જેઓ ઉજ્જવલા યોજના હેઠળ મફત LPG કનેક્શન મેળવે છે.








