નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે દરેક રાજકીય પક્ષોએ સામાન્ય માણસો સુધી પહોંચવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. સામાન્ય રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ મુખ્ય બે રાજકીય પક્ષો છે પણ આ વર્ષે ગુજરાતનાં રાજકીય મેદાનમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે અને રાજકીય વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે ગુજરાતમાં અઢી દાયકાથી પણ વધારે સમયથી સત્તાધારી ભાજપને આ વખતે કોંગ્રેસ કરવા વધુ ચિંતા આમ આદમી પાર્ટીની થાય છે. આપના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીનાં સંદર્ભમાં બે વાર ગુજરાત મુલાકાત કરી ચૂક્યા છે ત્યારે હવે ફરી એકવાર તે ગુજરાત આવવાના છે તેવું ગુજરાત આપના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યુ છે.
આજે ઈશુદાન ગઢવીએ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેમણે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને ફ્રીમાં વીજળી અપાવવા માટે જે આંદોલન શરૂ કર્યું છે તે અંગે વાત કરી હતી, આ ઉપરાંત આવતીકાલે 3 જુલાઇ અને 4 જુલાઇ 2 દિવસ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત કરવાના છે તે અંગે જાહેરાત કરી હતી. આ ઉપરાંત વીજળી આંદોલનને લઈને તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા.
ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, “આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે ગુજરાત આવી રહ્યા છે. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જારી કરવામાં આવ્યું હતું. આવતીકાલે બપોરે 2:00 કલાકે અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચશે. ત્યારબાદ નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ લેવડાવશે. આ કાર્યક્રમ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં કરવામાં આવશે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “આમ આદમી પાર્ટીનું છેલ્લા મહિનાથી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતની જનતા રોજેરોજ સરકારના જુદા જુદા ટેક્સ અને મોંઘવારીના મારનો સામનો કરી રહી છે. ભ્રષ્ટ ભાજપ સરકાર અલગ-અલગ આવશ્યક ચીજવસ્તુઓ પર છૂપી રીતે ટેક્સ વધારી દે છે, જેના કારણે જનતા ભારે પરેશાન થઈ ગઈ છે. સખત મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળવી જોઈએ, તેના કારણે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે.”
ઈશુદાન ગઢવીએ વીજળી આંદોલનના આગળના કાર્યક્રમ અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે, “આગામી 4 જુલાઈએ ટાઉન હોલમાં એક મોટો કાર્યક્રમ વીજળીના મુદ્દાને લઈને આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ બપોરે 2 વાગે સુધી હાજરી આપશે અને ત્યાર બાદ દિલ્હી જવા રવાના થશે. આ સાથે ગુજરાતને લગતી જે પણ મહત્વની સમસ્યા છે, પછી તે આદિવાસી સમાજની સમસ્યા હોય, ગરીબ અને વંચિત લોકોની સમસ્યા હોય કે ખેડૂતોની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓ પર અરવિંદ કેજરીવાલ સાથે મહત્વપૂર્ણ વાતચીત થશે.”
તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, “જ્યારે ભાજપના નેતાઓ કહે છે કે લોકોને મફત વીજળીની જરૂર નથી, તો હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે ભાજપના દરેક નેતાએ દિલ્હી અને પંજાબમાં મફત વીજળીનો લાભ ન લેવો જોઈએ. જો ભાજપના લોકો આ મફત વીજળીનો લાભ નહીં લે તો ગરીબ અને મધ્યમ વર્ગને હજી વધારે મફત વીજળીનો લાભ આપી શકીશું. આમ આદમી પાર્ટી ગરીબ, મજૂર, કામદારો અને મધ્યમ વર્ગની પાર્ટી છે અને હંમેશા તેમની સુવિધા માટે તેમના સુખાકારી માટે કામ કરે છે.”
તેમણે કહ્યું કે, “હું સી.આર. પાટીલને પણ વિનંતી કરું છું કે સૌ પ્રથમ તેઓ પોતે મફત વીજળી લેવાનું બંધ કરે અને મુખ્યમંત્રીએ પણ મફત વીજળી લેવાનું બંધ કરવું જોઈએ. જો તમને મફત વીજળીથી એટલી જ તકલીફ હોય, તો તમે પોતે વીજળી ખરીદો અને તેનો ઉપયોગ કરો અને ગુજરાત ભાજપના તમામ નેતાઓ જે મફત વીજળીના વિરોધમાં છે તેઓ પણ મફત વીજળી લેવાનું બંધ કરે અને પોતાના ઘરની બહાર બોર્ડ લગાવે કે અમને મફત વીજળી જોઈતી નથી તો ગરીબોને વીજળી આપી શકાય.”
તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી મફત વીજળી નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ચાલુ રહેશે. અત્યારે ભાજપની સરકાર છે, પરંતુ આવનારા સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે પણ આપણા માટે સૌથી મહત્વનો મુદ્દો હશે કે લોકોને મફત વીજળી આપવી જોઈએ. અમે હંમેશા લોકોના મુદ્દા ઉઠાવીએ છીએ કારણ કે અમે લોકો નું દુઃખ જોઈને રાજકારણમાં આવ્યા છીએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












