Friday, July 17, 2026
HomeGeneralથેંકયુ અમદાવાદ પોલીસ- લોકોની શ્રધ્ધા વચ્ચે તું અમારી સલામતીની ચિંતા સાથે દોડતો...

થેંકયુ અમદાવાદ પોલીસ- લોકોની શ્રધ્ધા વચ્ચે તું અમારી સલામતીની ચિંતા સાથે દોડતો રહ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ:
થેંકયુ અમદાવાદ પોલીસ

આમ તો તને થેંકયુ શબ્દ સાંભળવાની ટેવ નથી કારણ તારુ કામ થેંકલેસ છે. અમે રાતે અમારા ઘરમાં નિશ્ચિંત બની એટલા માટે સુઈ શકીએ છીએ કારણ અમને ખબર હોય છે કે તું રાતના અંધારામાં અમારી માટે જાગી રહ્યો છે. તું જ્યારે પોલીસ થયો ત્યારે તારા પરિવારમાં ખુશીનો પાર ન્હોતો, પણ હવે તને યાદ નથી કે તારા પરિવારની ખુશીના કેટલા પ્રસંગે તું ઘરે હાજર હતો, તારા માટે દિવાળી હોય કે હોળી, તાજીયા હોય કે ઈદ, તું તો રસ્તા ઉપર જ હોય છે. દિવાળીના દિવસે તું ઘરે આવીશ એટલે ‘અમે પપ્પા સાથે ફટાકડો ફોડીશું’ તેવી રાહ જોતા તારા બાળકો ક્યારે મોટા થઈ ગયા તેની તને ખબર જ રહી નહીં. કોરાનામાં જ્યારે બધા ઘરમાં કેદ હતા ત્યારે અમે બહાર નીકળી સંક્રમણનો ભોગ બનીએ નહીં તે માટે તું તારા પરિવારને મુકી અમારા ઘરની બહાર ઊભો રહ્યો હતો અમને ખબર છે, સંક્રમણને કારણે તે તારા અનેક સાથીઓ પણ ગુમાવ્યા છે, એ પીડા અમે સમજીએ છીએ કારણ અમે પણ ઘણું ગુમાવ્યું છે.



ઈશ્વર તો મનમાં હોય છે તેની અમને ખબર હોવા છતાં નગરચર્યાએ નીકળતા ભગવાન જગન્નાથને રૂબરૂ જોવા માટે અમારી આંખો તરસી રહી હતી, અમે જગતના નાથ જગન્નાથને મળ્યા ત્યારે જ તને યાત્રામાં આમથી તેમ દોડતા અને પરસેવે રેબઝેબ થતા જોયો હતો. અમે તો એક દિવસ યાત્રા જોવા આવ્યા પણ તું તો છેલ્લાં એક મહિનાથી યાત્રાના આયોજન માટે રાત દિવસ જાગતો અને દોડતો રહ્યો હતો, જગન્નાથની યાત્રા તારા માટે માત્ર એક નોકરી ન્હોતી, તારા ઘરનો પ્રસંગ હોય તેમ એક એક માણસની સંભાળ લેવાનો હ્રદયથી પ્રયત્ન કર્યો તેનો અમને અહેસાસ છે, તું તરસ્યો અને ભુખ્યો પણ હતો પણ તેની ફરિયાદ તારા ચહેરા ઉપર ન્હોતી. જય જગન્નાથના નારા વચ્ચે તારી ખાખી બધા કરતા અલગ પડતી હતી કારણ ખાખીને કોઈ ધર્મ નથી.




તારા માટે જય જગન્નાથ અને અલ્લાહ હો અકબરના નારો લગાવનાર બધા એક સરખા છે, કારણ તારી બંદગી એટલે અમારી સલામતી છે, પણ આ રથયાત્રામાં તે એક અદ્દભુત કામ કર્યું, યાત્રાની સલામતી માટે તે હિન્દુ સહિત મુસ્લિમ સ્વંય સેવકોને પણ સામેલ કર્યા. કદાચ એટલે મને યાત્રામાં મળેલા નાનકડા અલી, અયાન અને જેનલની જેવા સેંકડો મુસ્લિમ બાળકોને મેં યાત્રાને માણતા જોયા હતા, કદાચ સમાજ તેની નોંધ લેશે કે નહીં પણ મને ખબર છે તે નેક ઈરાદે કરેલા તમામ કામની મારો જગન્નાથ જરૂર નોંધ લેશે. તારા તકલીફોથી અમે વાકેફ છીએ, પણ તે તમામ તકલીફોનો પણ એક દિવસ જરૂર રસ્તો નીકળશે, ચાલ ફરી એકવાર તને થેંકસ કહી દઉ કારણ હવે તારે પણ તારી ડ્યૂટી ઉપર જવાની ઉતાવળ હશે, તારે કોઈ ગુનેગારને પકડવાનો હશે, કોઈ આરોપીને કોર્ટમાં રજુ કરવાનો હશે, ફરી તારો ઈદનો બંદોબસ્ત આવશે, ક્યાંય વીવીઆઈપી બંદોબસ્ત પણ કરીશ, તારુ કામ ક્યારેય પુરુ થવાનું નથી કારણ અમારા પ્રશ્નનો કોઈ અંત નથી, ક્યારેક તું ચુક કરે ત્યારે તારી ટીકા પણ થાય છે પણ નિરાશ થઈશ નહીં, ફરી કોઈ ચુક થાય નહીં તેની તકેદારી રાખજે.



તને આમ તો થેંક્યુ કહેવાની જરૂર નથી કારણ તું અમારો અને અમે તારા છીએ, છતાં પોતાનાને પણ ક્યારેક થેંકયુ કહેવુ જોઈએ તેવું મને લાગે છે કારણ થેંક્યુ કહ્યા પછી મને સારૂ લાગે છે, આપણે મળતા રહીશું ઈશ્વર તારી અને તારા પરિવારની રક્ષા કરે.

- Advertisement -

તારો
પ્રશાંત દયાળ



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular