પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રથયાત્રા હોય કે તાજિયા, મન તો સર્જનહારની પ્રાર્થના અને ઇબાદત કરે છે. ૧૪૫મી રથયાત્રા સલામત રીતે પસાર થાય તેના માટે અમદાવાદ પોલીસ અને રાજ્ય સરકાર માનસિક દબાણમાં હતી. કોરોનાના બે વર્ષ પછી પરંપરાગત નીકળી રહેલી રથયાત્રામાં પ્રતિવર્ષ કરતાં વધુ લોકો આવશે તેવો અંદાજ હતો. બીજી તરફ નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી અને તેના કારણે દેશના માહોલમાં ઊભી થયેલી કડવાશને લઈ પોલીસ અધિકારીઓ ચિંતામાં હતા.
અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં દરિયાપુર અને શાહપુરનો સમાવેશ થાય છે. યાત્રાના માર્ગ પર પોલીસ અને અર્ધલશ્કરી દળોના ૨૫૦૦૦ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા. આકાશમાં હેલિકોપ્ટર દ્વારા હવાઈનિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું હતું. સલામતી એ ભલે રાજ્યનો વિષય હોય પરંતુ સલામતીનો અહેસાસ થવો અગત્યનો હોય છે. રથયાત્રાના રિપોર્ટિંગ દરમિયાન દરિયાપુર લીમડાચોક પાસે પોલીસે બાંધેલી રેલિંગ ઉપર બેસી રથયાત્રા નિહાળી રહેલાં એક બાળક તરફ મારું ધ્યાન ગયું. હું તેની પાસે ગયો, મેં તેને પૂછ્યું, ક્યા નામ હે બેટા? તેની આંખોએ એક આછું સ્મિત આપ્યું અને તેણે પોતાનું નામ કહ્યું ‘અલી’.

મેં તેને પૂછ્યું ‘દરિયાપુર મેં રહેતા હે?’ તેણે કહ્યું નહીં, મિર્ઝાપુર રહેતા હું. મેં પુછ્યું… અકેલે આયા હે? અલીએ જવાબ આપ્યો… અમ્મી કે સાથ આયા હું. એણે પોતાનો નાનકડો હાથ ઊંચો કરી એક ઘર તરફ ઈશારો કરતાં કહ્યું કે, વહાં મેરી નાની કા ઘર હે. નાનકડા અલીની આંખોમાં રથયાત્રાનું એક કૌતુક હતું. તે પહેલી વખત શણગારેલી ટ્રકો, કસરત કરતાં અખાડાઓ, અને ભજન મંડળીને જોઈ રહ્યો હતો. તેની આંખો જાણે ઇબાદત કરી રહી હોય તેવો ભાવ હતો. તેને મક્કા અને અયોધ્યા ક્યાં આવ્યું છે તેની ખબર ભલે ન હોય પણ કદાચ અલીની આંખોની નિર્દોષતા જ આ શહેરને સલામત રાખી રહી હતી.

સરકાર શાસન કરી શકે પણ કોઈનું મન બદલી શકે નહીં. માણસ ઈશ્વર પર ભરોસો કરે એ તો સહેલું કામ છે, પણ માણસ માણસ પર ભરોસો કરે એ થોડુક અઘરું છે. લીમડા ચોકની એક રેલિંગ ઉપર અયાન અને તેની નાની બહેન જુવેના પણ ટિંગાઈને રથયાત્રા જોઈ રહ્યાં હતાં. તેની સામેની રેલિંગ ઉપર ટોપી પહેરેલાં મુસ્લિમ બાળકો પણ રથયાત્રા માણી રહ્યાં હતાં. મુસ્લિમ પરિવારો ઘરનાં ધાબેથી અને બન્ને કી મસ્જિદના ધાબેથી બિરાદરો રથયાત્રાને નિહાળી રહ્યાં હતાં. અહીં સવાલ એટલો છે કે આપણી નજર શું જોવા માગે છે? જો મન સાફ હશે તો વિશ્વ વિવિધ રંગનું દેખાશે. કોઈ ધારે તો પણ આ નિર્દોષ આંખોમાં નફરતનો રંગ નહીં ભરી શકે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











