પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની બહાર લગાવવામાં આવેલુ્ં ટુંકા કપડા પહેરી આવવું નહીં તેવું બોર્ડ હવે ઉતરી ગયું છે. જોકે ગુજરાતના ઘમા પોલીસ મથકો બહાર ભલે આવી નોટિસ ન હોય પણ આવા નિયમને કડકાઈથી મનાવવાના પ્રયત્નો થાય છે. પોલીસ સ્ટેશન તો ઠીક ઘણા મંદિરો બહાર પણ આ પ્રકારની સૂચના જોવા મળે છે. જ્યાં સુધી મંદિરની વાત છે ત્યાં સુધી આસ્થાન નામના શબ્દને જો આગળ ધરી દેવામાં આવે તો ચર્ચાનો કોઈ અવકાશ રહેતો નથી, પરંતુ જ્યાં સુધી પોલીસ સ્ટેશનનો સવાલ છે, ત્યાં આ પ્રકારની સૂચના અપેક્ષીત નથી, ગુજરાત પોલીસનો ઈતિહાસ જોઈએ તો 1976 સુધી ગુજરાત પોલીસના યુનિફોર્મમાં કોન્સટેબલ અને હેડ કોન્સટેબલને ખાખી ચડ્ડી પહેરવી પડતી હતી.
1960માં મહારાષ્ટ્રનું વિભાજન કરી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી એટલે અલગ ગુજરાત પોલીસની જરૂરિયાત પણ ઊભી થઈ અને ગુજરાત પોલીસની સ્થાપના કરવામાં આવી હતી, ગુજરાત પોલીસનો યુનિફોર્મ કેવો હશે તેના માટે ગુજરાત પોલીસના જે સિનિયર અધિકારીઓ હતા તેમાં ડેબુ નામના પણ અધિકારી હતા જેમને ડેબુસર તરીકે પોલીસ અધિકારીઓ સંબોધતા હતા. અનેક ચર્ચા પછી નક્કી થયું કે ગુજરાત પોલીસના કોન્સટેબલ અને હેડ કોન્સટેબલ મહારાષ્ટ્ર પોલીસની જેમ ચડ્ડી પહેરશે. જો કે મહારાષ્ટ્રમાં યુનિફોર્મનનો રંગ વાદળી હતો જ્યારે ગુજરાત પોલીસે ખાખી રંગ પસંદ કર્યો હતો.

પોલીસ કોન્સટેબલ અને હેડ કોન્સટેબલ જે ખાખી ચડ્ડી પહેરતા હતા તેને પોલીસવાળા ડેબુ ચડ્ડી તરીકે જ ઓળખતા હતા. જ્યારે ગામડાના લોકો જે પ્રકારની ટોપી પહેરે છે તેવી ટોપી માથા ઉપર હોવાને કારણે તેને નાવડી ટોપી પોલીસ કહેતી હતી. પગમાં બુટમાં મોજાને બદલે એક જાડુ કપડુ પગ ઉપર વિટવામાં આવતુ હતું જેને બંદીશ કહેતા હતા. જે પોલીસવાળા આ ચડ્ડી પહેરતા હતા તેમને પણ ચડ્ડી પહેરવાનો સંકોચ થતો હતો કારણ ખુબ ખુલ્લી ચડ્ડી હતી. પોલીસની યુનિફોર્મમાંથી ચડ્ડી હટાવી પેન્ટ કરવામાં આવે તેવી માગણી સમયાંતરે થતી રહી હતી પણ છેક 1976માં પોપટલાલ વ્યાસ ગૃહમંત્રી હતા તેમણે આ માગણી સ્વીકારી અને કોન્સટેબલ-હેડ કોન્સટેબલને ચડ્ડીને બદલે ફુલ પેન્ટ આપવામાં આવી હતી.
સવાલ જ્યા સુધી મંદિરમાં ટુંકા કપડા પહેરવાનો છે ત્યાં સુધી મહંદ અંશે આ નિયમ સ્ત્રીઓને જ લાગુ પડે છે. મોટા ભાગના મંદિરોમાં તો જે પુરૂષો પુજા કરે છે તેમના શરિરનો ઉપરનો ભાગ સંપુર્ણ ખુલ્લો અને નીચે પીતાંબર પહેરેલુ હોય છે. પણ આ બાબત અંગે મંદિરમાં આવનાર સ્ત્રીઓએ ક્યારેય ફરિયાદ કરી નથી, પણ મંદિરમાં ચડ્ડી પહેરીને કોઈ યુવતી આવે તો જ આખો મુદ્દો ઉપસ્થિત થાય છે કારણ આ બાબત મંદિરમાં રહેલા ભગવાન કરતા ત્યાં દર્શન કરવા આવતા પુરૂષને પ્રભાવિત કરે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











