તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ.રાજકોટ): રાજ્યમાં ઓનલાઈન જુગારની બદ્દી જાણે ઘર કરી ગઈ હોવા છતાં સરકાર કે પોલીસ વિભાગ ગંભીર હોય તેમ જણાતું નથી. ઓનલાઈન જુગાર રમાડતા બુકીઓ યેનકેન પ્રકારે ગુજરાતમાં જુગારના કાળા કારોબાર થકી યુવાનોને પાયમાલ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એક આરોપી BETBHAI.COM નામની વેબસાઈટ પર ઓનલાઈન જુગાર રમતો ઝડપાયો છે. જેમાં તેને આઈડી આપનાર તરીકે રેડી અન્નાનું નામ ખોલવામાં આવ્યું છે.
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે. જી. રાણાએ એક ઓનલાઈન જુગાર રમતા આરોપી ભાર્ગવ ઘનશ્યામભાઈ કુંદડાને ઝડપી પાડ્યો છે. આરોપી BETBHAI9.COM નામની વેબસાઈટ પર તીનપત્તિનો જુગાર રમતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આરોપીને ઓનલાઈન આઈડી આપનાર રેડી અન્ના કોણે છે, શું છે, તેની પોલીસને ખબર જ નથી. રાજકોટ શહેરમાં થતા ઓનલાઈન જુગારના મોટાભાગના કેસમાં પોલીસ ઓનલાઈનનો હાઉ ઊભો કરી મુખ્ય આરોપી સુધી પહોંચતી નથી તેમ લોકમુખે ચર્ચાય છે.
આ કેસના તપાસ અધિકારી પી.એસ.આઈ. જે. જી. રાણા સાથે ટેલિફોનિક વાત કરતા જાણકારી મળી છે તે નીચે મુજબ છે.
આરોપીએ આઈ.ડી. ઓનલાઈન લીધું હતું પરંતુ, ક્યાંથી કેવી રીતે એ ખબર નથી. આરોપીએ આઈડી આપનાર તરીકે રેડી અન્નાનું નામ અને નંબર જણાવ્યા છે પણ તે માણસ છે કે કેમ તે ખબર નથી. પૈસાની લેવડ-દેવડ કેમ કરતો હતો આરોપી તે પણ ખબર નથી પણ એ ખબર છે કાંઈક ઓનલાઈન કરતો હતો. આરોપીએ આઈડી કયા ઓનલાઈન ‘એચએસટીટીટીપીપી’માંથી લીધી તે પુછપરછ કરતા જણાવે છે યાદ નથી.
પી.એસ.આઈ. સાથે વાત કરતા ખ્યાલ આવે છે કે તેઓ ખુદ આ પ્રકારની તપાસ કેમ થાય તે મામલે અજાણ છે. બસ તેમને એટલી ખબર છે કે, આરોપીએ નંબર આપ્યો છે અને અમે બધું સાયબર ક્રાઈમને મોકલશું. ત્યારે મોટો સવાલ એ પેદા થાય છે કે આવી રીતે ગુજરાત પોલીસ ઓનલાઈન જુગાર સામે લડી શકે ? વળી ઓનલાઈન જુગાર માટે કોઈ ચોક્કસ અલાયદો કાયદો તો છે નહીં જેની મજા બુકીઓ માણી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, નવજીવન ન્યૂઝની ટીમ સતત બે મહિના કરતા વધારે સમયથી ઓનલાઈન જુગાર મામલે ઈન્વેસ્ટીગેટીવ અહેવાલો પ્રસિધ્ધ કરી રહી છે. આ બાજુ પોલીસ દ્વારા કે રાજ્ય સરકાર દ્વાર ગંભીરતા પૂર્વક કોઈ પગલા લેવામાં નહીં આવતા ગુજરાતના યુવાધનને ખતમ કરવા માટે અખબારોમાં પણ બુકીઓ જાહેરાત આપતા ખચકાતા નથી અને અખબાર જાહેરાત લેવામાં ખચકાતા નથી. ગુજરાતનું યુવાધન ડ્રગ્સની સાથે ઓનલાઈન જુગારના રવાડે પણ ચઢી રહ્યું છે. પરંતુ આ કાળા કામને અટકાવવામાં શંકાસ્પદ રીતે રસ સરકાર કે ગુજરાત પોલીસને હોય તેમ જણાતું નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











