પ્રશાંત દયાળ.નવજીવન: સામાન્ય રીતે છોકરો અથવા છોકરી સત્તર અઢારના થાય એટલે માતા પિતા અને શિક્ષક તેમને દુનિયાભરની સલાહ આપે છે, કારણ આપણે માનીએ છીએ કોઈક ભુલ કરવાની અને ભટકી જવાની આ ટીનએજ છે, આ ઉમંરમાં ભુલ થવાની પુરી સંભાવના છે, કારણ સ્કુલ છોડી એક નવી જ દુનિયામાં જનાર ટીનએજરમાં માનસીક અને શારિરીક ફેરફાર થવાની પણ ત્યારે જ શરૂઆત થાય છે, આ ઉમંરે મારા સહિત અનેક લોકોએ ભુલ કરી હતી, પણ મારી ઉમંરને ધ્યાનમાં રાખી મારા પાલકો અને શિક્ષકોએ મને માફ કર્યો, આ ઉમંર માણસને શીખવાડે પણ પણ ઘણુ છે, એક વખત યોગ્ય રસ્તો પકડાઈ જાય પછી જીંદગીની ગાડી પાટા ઉપર સડસડાટ દોડે છે, પછી લગ્ન થાય છે, સંસાર મંડાય છે અને બાળકો થાય છે, આપણે માનીએ છીએ ભટકી જવાનો સમય હતો તે આપણે પાર કરી ગયા, પણ મારો અનુભવ અને અભ્યાસ કહે છે ખરેખર તો ખાસ કરી પુરૂષને ભટકી જવાનો સમય તો તેના ઉત્તરાર્ધમાં એટલે પચાસી પાર કરવાનો સમય આવે છે ત્યારે પુરૂષની મનોદશા ખુબ નાજુક હોય છે, પુરૂષ માટે આ એવો સમયકાળ છે જયારે તે ચુક કરે તેવી પુરી સંભાવના છે.
દરેક માણસની ભુલ અલગ અલગ હોય છે, પહેલા આપણે જીવનભર પ્રમાણિકપણે કામ કરનાર પુરૂષની વાત કરીએ, મેં એવા અસંખ્ય અધિકારીઓ જોયા છે કે જેઓ સરકારી નોકરીમાં દાખલ થયા ત્યારથી તેઓ પોતાના કામ સાથે પ્રમાણિક રહ્યા તેની સાથે પગાર ઉપરાંત પણ બીજો કોઈ નાણાકીય લાભ થાય તેવો પ્રયાસ તો દુર પણ તેવી અપેક્ષા પણ રાખી ન્હોતી, તેમની પ્રમાણિકતાની બીજા અધિકારીઓ દુહાઈ આપતા હતા., આ અધિકારીઓ પાસે વિશાળ સત્તાઓ હોવા છતાં મફતનું કોઈનું પાણી પણ પીધુ ન્હોતુ, કોઈ માણસ પ્રમાણિક હોય તેનું શ્રેય માત્ર પ્રમાણિક માણસને નહીં તેના પરિવારને પણ આપવુ પડે, કારણ એક માણસ તો જ પ્રમાણિક રહી શકે જયારે તેનો પરિવાર તેને પ્રમાણિક રહેવામાં મદદ કરે, જો પ્રમાણિક અધિકારીની પત્ની અથવા તેના સંતાનો ઘરમાં પડતી નાણાકીય તંગી અને ઓછી સુખ સુવિધાની ફરિયાદ કરે તો પ્રમાણિક માણસને પ્રમાણિક રહેવામાં નાકે દમ આવી જાય, પણ જીંદગીના બાવીસ-પચ્ચીસ વર્ષ પ્રમાણિક રહ્યા પછી આ અધિકારી અચાનક યુ ટર્ન લે છે.
આવા અસંખ્ય ઉદાહરણ છે કે જીવનનો મોટો તબ્બકો પ્રમાણિક રહ્યા પછી અધિકારી પૈસા કમાવવા પાવડો તો નાનો પડે પણ બુલડોઝર લઈ પૈસા ઉલેચવા લાગે છે,. તો આવુ કેમ બન્યુ તેનું મારૂ તારણ એવુ છે કે માણસ જયારે યુવાન હોય છે, ત્યારે તેની લડી લેવાની તૈયારી હોય છે પણ જયારે તે પચાસી વટાવે છે ત્યારે તેમના મનમાં એક પ્રકારની અસલામતીની લાગણી તીવ્ર બનતી જાય છે, નિવૃત્તી સામે મ્હો ફાડી ઉભી હોય છે, હજી સંતાનની નોકરી અને લગ્ન બાકી હોય છે, પ્રમાણિક રહેવાને કારણે ખાસ કહી શકાય તેવી બચત પણ હોતી નથી., આખી જીંદગી સ્વમાનભેર જીવ્યા પછી હવે શુ થશે તેવો પ્રશ્ન જયારે ઉભો થાય ત્યારે તેનામાંથી જન્મ લેતી અસલામતી વિહવળ બનાવે છે, આ તબ્બકે વિચાર આવે છે કે મેં કઈ જ કર્યુ નથી, આ નાજુક તબ્બકમાં જો કોઈ લાલચ સામે આવી ઉભી રહે તો તેનો ઈન્કાર કરવો અઘરો હોય છે અને ત્યારર પચાસી વટાવી ગયેલો પુરૂષ ફટાઈ જાય છે, એટલુ જ નહીં પછી તે હવે પોતાની પાસે સમય ઓછો છે તેવુ માની કોણ શુ કહેશે તેનો વિચાર કર્યા વગર રાત દિવસ કમાઈ લેવા માટે જે કઈ કરવુ પડે તે સાચા ખોટા તમામ રસ્તાઓનો ઉપયોગ કરે છે.
આવુ જ કઈક સંબંધોની બાબતોમાં છે, તુ મોટો માણસ થા તેવી પરિવારની અપેક્ષામાં પુરૂષ હજી .યુવાન થાય તે પહેલા મોટો થવાની મથામણમાં પોતાની યુવાનીને હોમી દે છે, પોતાના ગમા-અણગમાની પરવા કર્યા વગર બસ કામ કર્યા કરે છે,પછી સંસાર મંડાય છે, અને પત્નીની પસંદ ના પસંદને પ્રાધ્યાન આપે છે, પછી સંતાન થાય અને સંતાનોને ખુશ કરવા માટે જીવનભર મહેનત કરે જીવનનો એક તબ્બકો એવો આવે છે કે પરિવાર માટે જીવના પુરૂષને લાગે છે કે તે પહેલા માતા પિતા, પછી પત્ની માટે તેમજ બાળકો માટે જીવ્યો તે પોતાની માટે જીવ્યો જ નથી, હવે પોતાની પાસે પૈસા છે, પણ જીવવાનું ખાસ કારણ નથી, તેને લાગે છે જો હવે તે પોતાની માટે જીવશે નહીં તો તેની પાસે પોતાની પાસે જીવવાનો સમય રહેશે નહીં, જેના કારણે તે હવે એક ગમતા સંગાથની શોધ કરે છે પુરૂષનો આ એવો સમયકાળ હોય છે જયારે તેની પત્ની હવે પોતાના સંતાનો અને સંતાનોના લગ્ન થઈ ગયા હોય તો પૌત્ર-પૌત્રીમાં વ્યસ્ત થઈ જાય છે, પુરૂષ બોલતો નથી પણ કયાંક તે એકલો થઈ ગયો તેવો અહેસાસ થાય છે.
પુરૂષ ગમતો સંગાથ શોધે છે તેમાં દરેક વખતે શારિરીક જરૂરીયાત કારણ હોતુ નથી, અનેક કિસ્સામાં મેં જોયુ છે સંગાથ કોઈ પણ કારણ વગર થાય છે, એવુ પણ નથી કે તમામ સંગાથમાં માત્ર મિત્રતા હોય છે શારિરીક જરૂરીયાત પણ એક કારણ હોય છે, છેલ્લાં ઘણા વર્ષોથી આપણે ત્યાં હની ટ્રેપની જે ઘટનાઓ ઘટી રહી છે તેનો અભ્યાસ કરો ખ્યાલ આવશે કે હની ટ્રેપનો શિકાર થનાર 95 ટકા પુરૂષો પચાસ વટાવી ચુકેલા હોય છે, હની ટ્રેપ કરનાર સ્ત્રીઓને ખબર હોય છે કોઈ યુવાનને શીકાર બનાવવા કરતા પચાસી વટાવી ચુકેલી વ્યકિત ઝટ જાસામાં આવી જાય છે કારણ તે સંગાથની શોધમાં હોય ત્યારે જો સ્ત્રી સામે ચાલી તેને આમંત્રણ આપે તો પુરૂષ પોતાને સાચવી શકતો નથી, ઉદાહરણ રૂપે જોઈએ તો હમણાં વડોદરા દુષ્કર્મ કેસ છે તેમા આરોપી રાજુ ભટ્ટ અને કૈલાશ જૈન સાઈઠી વટાવી ચુકેલા છે આમ પચાસે પહોંચેલા પુરૂષ અને ટીનએજર યુવાનની માનસીકતા સરખી હોય છે કારણ તેઓ બંન્ને પોતાની જીંદગી જીવી લેવા માગતા હોય છે ટીનએજરને તો રોકનાર પણ હોય છે, પણ દાદા બનેલા અથવા દાદા થવાની નજીક પહોચેલાને અટકાવો મુશ્કેલ હોય છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









