Monday, July 6, 2026
HomeGeneralબુલિયન બજારમાં તેજી-મંદિવાળા વચ્ચે રસ્સાકસ્સી ભર્યો જંગ

બુલિયન બજારમાં તેજી-મંદિવાળા વચ્ચે રસ્સાકસ્સી ભર્યો જંગ

- Advertisement -

સોનું બીજી વખત ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવશે તો ભાવનું નવું રેસિસ્ટંટ લક્ષ્યાંક ૨૧૦૦ ડોલર હશે
રિટેલ અને માર્જિન ટ્રેડરો ૧૯૩૨ ડોલરના કરેક્શન માટે સક્રિય થઈ ગયા છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બે સપ્તાહ અગાઉ એવું લાગતું હતું કે મંદિવાળા બુલિયન બજાર પરનો અંકુશ છોડશે નહીં, પણ તમે જુઓ તેજીવાળાઓએ તેમની તમામ ધારણાઓ ખોટી પાડી બજારમાં પાછા ફર્યા હતા. પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૯૦૦ ડોલર નીચે સોનાના ભાવ જાળવવામાં નબળા મનના મંદિવાળા નિષ્ફળ જતાં, તેજીવાળાએ ખેલ પાડી દીધો. વોલ સ્ટ્રીટ બેંક ગોલ્ડમેન સાસનું આકલન કહે છે કે અમેરિકમાં બે વર્ષમાં મંદી પાછી ફરવાની શક્યતાઓ અત્યારે ૩૫ ટકા જેટલી છે.



રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના એક પખવાડિયામાં બજારમાં જોખમ લેવાવાળાની સંખ્યા વધી જતાં ભાવને ૨૦૦૦ ડોલર પારની ઊંચાઇ ૧૧ માર્ચ પછી પ્રથમ વખત પ્રાપ્ત થઈ હતી. સોમવારે ન્યુયોર્ક કોમેક્સ પર જૂન વાયદો સોમવારે ૨૦૦૦.૫૫ ડોલરની ઊંચાઈએ પહોંચ્યો હતો. પરંતુ તેજીવાળાએ આ તબક્કે વધુ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે ચાર્ટના સંકેત કહે છે કે જો ભાવ સોમવારની બોટમ ૧૯૭૧ ડોલર તૂટી જશે તો, મંદિવાળા બજાર પર કબજો જમાવવાનો ફરી પ્રયાસ કરશે. આ સ્થિતિમાં જો તેઓ ૧૯૫૮ ડોલરનું તળિયું ટ્રિગર કરવામાં સફળ થઈ જશે તો રિટેલ અને માર્જિન ટ્રેડરો ૧૯૩૨ ડોલરના કરેક્શન માટે સક્રિય થઈ જશે.

- Advertisement -


બધો આધાર ડોલરની મજબૂતી પર છે, પણ અત્યારે તે ડગુમગુ છે. અમેરિકન બોન્ડ યીલ્ડ અને ફુગાવાની શક્યતાઓ ડોલરને વધુ દિશાનિર્દેશન આપશે. બુધવારે કોમેક્સ સોનું ઇન્ટ્રાડેમાં અગાઉના સત્રમાં મેળવેલી મહત્તમ હૂંફ ગુમાવી દેતા ભાવ ૧૯૫૩.૪૦ ડોલરના તળિયે પહોંચી ગયા હતા. હવે ભાવ ઓગસ્ટ ૨૦૨૦ની ૨૧૨૧.૭૦ ડોલરની સર્વાધિક ઊંચાઈથી ૬૮ ડોલર દૂર છે. ૧૦ વર્ષના અમેરિકન બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ ૨.૮૮ ટકાની ઊંચાઈએ પહોંચી ગયા, તેમ છતાં સોનાના તેજીવાળા સામેપૂરે તરીને ભાવને ઊંચે લઈ ગયા હતા. અલબત્ત, યીલ્ડ ડિસેમ્બર ૨૦૧૮ના ૩.૦૫ ટકાથી ઘણું દૂર છે. પણ જો યુદ્ધ અગાઉ આવા યીલ્ડ વધ્યા હોત તો તે સોના માટે નકારાત્મક ઘટના બાબત બની રહે તે. પણ ૨૦૨૨માં યીલ્ડ સામે સોનાએ વધુ પડતું સ્વાસ્થ્ય કેળવી લીધું છે, અલબત્ત ફુગાવા અને મંદીના સમયમાં બંને મજબૂત થયા છે.

- Advertisement -

અહી રસપ્રદ વાત તો એ છે કે કોરોના મહામારી અગાઉ અન્ય દેશોની કારન્સીઓ સામે છ કરન્સી બાસ્કેટનો અમેરિકન ડોલર ઇંડેક્સ ભેરવાઈ પડ્યો હતો, તે હવે ૧૦૦ પોઈન્ટની ઊંચાઈ વટાવી ગયો સાથે જ સોનાએ પણ તેજીની દોડ લગાવી હતી. બોન્ડની જેમજ ડોલર ઇંડેક્સ સાથે સોનાના સંબંધ હંમેશા નકારાત્મક રહ્યા છે. જો કે હજુ પણ એવી કોઈ ખાતરી આપી ન શકાય કે ક્યારે આ સંબંધ પાછા ઊંધાંયચત્તા થઈ જશે. આગામી દિવસોમાં આવું બની શકે છે. હજુ પણ સોનું/ડોલરના સંબંધો કડવા થઈ શકે છે.



સોનાના તેજીવાળાએ ૨૦૦૦ ડોલરની તાર્કિક સપાટી પુન: એક વખત ચકાસી લેતા ચાર્ટ પર એસેનડિંગ ટ્રાયેંગલ બનાવવાની ફરજ પાડી છે. જો બીજી વખત ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવશે તો ભાવનું નવું રેસિસ્ટંટ લક્ષ્યાંક ૨૧૦૦ ડોલર હશે, આથી તેજીવાળાઓએ આ આંકડા પર નજર રાખવાની રહેશે. આ માટે તેજીવાળાઓએ તેની તમામ તાકાત પણ કામે લગાડવી પડશે.

- Advertisement -

તાજા આંકડા કહે છે કે અમેરિકાનો વાર્ષિક ફુગાવા દર માર્ચમાં ૮.૫ ટકા થયો છે, ડિસેમ્બર ૧૯૮૧ પછી આ સૌથી ઝડપી વધેલો ફુગાવો છે. ૧૪ એપ્રિલ સુધીમાં વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઇટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં રોકાણકારોનું જમા પડેલું સોનું ૧૦૯૯ ટને પહોંચ્યું હતું, જે ૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ ૧૦૯૦ ટન હતું.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular