વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી બાજુ ભરૂચ જીલ્લાના ચંદેરિયા ખાતે BTPએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દિધો છે. 1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે AAP અને BTPનું મહાસંમેલન યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે. BTPના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા, બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, બહાદુર વસાવા, ચૈતર વસાવા, રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત મોટી સંખ્યામાં BTPના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, “ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી, એસટી, ઓબીસી, માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી. ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે. ભાજપે ગુજરાતમાં એસ.સી, એસટી, ઓબીસી અને માયનોરીટી સાથે જે ખરાબ કૃત્ય કર્યું એ કોઈ દિવસ ભુલાશે નહિ. ભાજપે રામ નવમીના દિવસે હિંદુ-મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવી એક તરફી વોટ લેવા કાવતરું રચ્યું છે. ભાજપે હાલ 811 કરોડના જનતાના રૂપિયે લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે, અગાઉ પણ મફત અનાજના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા. ભાજપ અધિકારીઓ, પોલીસ અને લશ્કરને ચઢાવી લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે. આઝાદી પછી અંગ્રેજો ભલે ગયા પણ હજુ પણ દેશ પર 3 ટકા લોકો જ રાજ કરી રહ્યાં છે, અત્યારે દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણ સિવાય કોઈ જ નથી. ભાજપ અનામત, સંવિધાનની વિરોધી છે, ખાનગીકરણથી ગરીબો અને મૂળ જાતિના લોકો મરી રહ્યાં છે. અમને આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ-આરોગ્ય-પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે. દેશમાં ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી ગરમ થઈ ગઈ છે એને ઠંડી પાડવા આપ-બિટીપીનું ગઠબંધન કરી 1 મે ના રોજ મોટું સંમેલન કરવાના છે.”
બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, “આપ પાર્ટી અમારા વિવિધ 14 મુદ્દાઓ સાથે સહમત થઈ છે, જેમાં મફત શિક્ષણ, આરોગ્ય અને પાણી મુખ્ય છે એટલે અમે આપ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. અમારી વિચારધારા આપ પાર્ટી સાથે મળે છે. 1 મે ના રોજ બિટીપી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત કરી મહાસંમેલન યોજીશું, એ મહાસંમેલનમાં અમે નયા ગુજરાતનો સંકલ્પ લઈશું. અમે આપ પાર્ટી સાથે ગઠબંધન મુદ્દે અને અમારા મુદ્દાઓ અંગે ચર્ચા કરી છે, સીટોની વહેચણી આગામી સમયમાં નક્કી થશે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











