એકજ સપ્તાહમાં બાલ્ટિક ઇન્ડેક્સમાં ૧૨.૫ ટકાનું ગાબડું કેપસાઈઝ ૨૨.૫ ટકા ઊંધેકાંધ
જાગતિક જીડીપી આગાહી ગતવર્ષની ૫.૮ ટકાથી ઘટાડીને ૩.૩૩ ટકા કરવામાં આવી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વિશ્વના તમામ બલ્ક માલવાહક જહાજી બંદરો પર નૂર દરો, રોજિંદા ધોરણે નીચે જઈ રહ્યા છે. બલ્ક સી ફ્રેટનો, બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ શુક્રવારે સતત ૧૨માં ટ્રેડિંગ સત્રમાં ઘટીને છ સપ્તાહના તળિયે બેસી ગયો. સુપરામેક્સ અને પનામેક્સ શ્રેણીના જહાજી નૂર શુક્રવારે પણ ઘટયા હતા. જ્યારે કેપસાઇઝ જહાજના નૂર નજીવા વધ્યા હતા. અલબત્ત, બલ્ક કાચી કોમોડિટી માર્કેટ ક્ષેત્રે, બુલિશ મોમેન્ટમ નોંધાઈ રહ્યા છે અને હકારાત્મક તેજીના ટોન સાથે બીજા ત્રિમાસિકમાં પ્રવેશ કર્યો હતો. જાગતિક બજારમાં કોમોડિટીના ભાવમાં આ જ પ્રકારની ઉથલપાથલ જળવાઈ રહેશે તો, જહાજી નૂરની માંગ વધુ વેગથી ઘટવાની સંભાવના પણ વધી ગઈ છે.
ત્રણે પ્રકારના જહાજી નૂરના દરના સર્વાંગી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ શુક્રવારે ૬ પોઈન્ટ ઘટી ૨૮ ફેબ્રુઆરીના તળિયે ૨૦૫૫ પોઈન્ટ નોંધાયો હતો. ગત એકજ સપ્તાહમાં ઇન્ડેક્સમાં ૧૨.૫ ટકાનું ગાબડું પડ્યું હતું. કેપસાઇઝ ઇંડેક્સ ૨૭ પોઇન્ટના વધારા સાથે ૧૪૪૪ પોઈન્ટ રહ્યો હતો, પણ સાપ્તાહિક ધોરણે તે ૨૨.૫ ટકા ગબડ્યો હતો. ૧.૫ લાખ ટન માલ વહન કરતાં આ જહાજનું દૈનિક સરેરાશ નૂર શુક્રવારે પ્રતિ ટન ૨૨૬ ડોલર વધીને ૧૧,૯૭૯ ડોલર નોંધાયું હતું.
પનામેક્સ ઇંડેક્સ ૧ પોઈન્ટ ઘટીને ૨,૭૭૭ પોઈન્ટ રહ્યો હતો પણ સાપ્તાહિક ધોરણે તે ૧૦ ટકા ઘટ્યો હતો. ૬૦,૦૦૦ ટન કોમોડિટીનું વાહન કરતાં આ જહાજનું સરેરાશ દૈનિક નૂર, ટન દીઠ ૬ ડોલર ઘાટીને ૨૪,૯૯૭ ડોલર મુકાયું હતું. હેન્ડી સાઇઝ જહાજથી સહેજ મોટી, ૫૦,૦૦૦ ટન માલનું વાહન કરતી સુપ્રામેક્સ જહાજનો ઇંડેક્સ ૪૫ પોઈન્ટ ઘટીને ૨૫૦૨ પોઈન્ટ રહ્યો હતો. ચીનમાં કોવિદ મહામારીની નવી લહેર શરૂ થતાં ચીનના સ્ટીલ રિબાર અને હોટ રોલ્ડ કોઈલ કારખાનામાં ઉત્પાદન ઘટવા સાથે કાચામાલના વાયદા પણ વેગથી ઘટવા લાગ્યા હતા, સાથે જ આયર્ન ઓરના ભાવમાં ઘટાડાએ પણ માલવાહક જહાજી નૂરને ફટકો માર્યો હતો.
આ તરફ યુરોપિયન યુનિયન દેશોએ રાશિયાથી કોલસાની આયાત પર પ્રતિબંધ લાદતા ભાવ ભડકે બળવા લાગ્યા હતા. વધુમાં બાલ્ટિક એક્સચેન્જે કહ્યું હતું કે રશિયા સાથે જોડાયેલા જહાજી બ્રોકર, જહાજ ચાર્ટર કરનાર કે જહાજનું વેચાણ કરનાર સાથે સોદા કરવા પર બ્રિટિશ વ્યક્તિ પર લાદવામાં આવ્યો છે. આને લીધે યુકેથી દરિયાઈ માર્ગે કોઈ પણ કોમોડિટીનું વાહન કરવું અઘરું થઈ પડ્યું છે. પરંપરાગત રીતે રશિયાથી તમામ પ્રકારના કોમોડિટી કાચા માલ વહન કરવા બાબતે શીપબ્રોકિંગ ક્ષેત્રે લંડનને વ્યાપક હબ ગણવામાં આવે છે.
પોર્ટ પર મોટા માલવાહક જહાજોની ગિરદી વધી પડવાને લીધે, ગતવર્ષે સર્જાઇ હતી, તેવીજ તુલનાત્મક સ્થિતિ અત્યારે નાના જથ્થાના કેપસાઇઝ જહાજોના વેપારોમાં જોવાતા નૂરમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. સિંગાપુરમાં મળેલી બાલ્ટિક ફ્રેટ એન્ડ કોમોડિટી ફોરમના મેરીટાઇમ સપ્તાહમાં બોલતા એસએન્ડપી ગ્લોબલના મેરીટાઇમ એનાલિસ્ટ રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે ૨૦૨૨ માટે જાગતિક જીડીપી આગાહી, ગતવર્ષની ૫.૮ ટકાથી ઘટાડીને ૩.૩૩ ટકા કરવામાં આવી છે, પણ ૨૦૨૩માં તેમાં નજીવો સુધારો અનુમાનિત છે.
તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે આગામી વર્ષોમાં યુક્રેન અને રશિયા બંને દેશ વિશ્વ અર્થતંત્રથી વિખૂટા પડી જવાનો ભય સર્જાયો છે, આને લીધે વૈશ્વિક વેપાર બે ફાડિયામાં વહેચાઈ જવા સંકેત પણ તેમણે આપ્યા હતા. ૨૦૦૮માં બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ ૧૧,૭૯૩ પોઈન્ટની સર્વાધિક ઊંચાઈએ પહોંચ્યો હતો. પણ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧૬માં આ ઇંડેક્સ ૨૯૦ પોઇન્ટના તળિયે નોંધાયો હતો.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








