પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે કાયમ તમામ કોઈ પણ સારી શરૂઆત સરકાર કરે તેવી અપેક્ષા રાખીએ છીએ, પણ 2008માં ઉત્તર પ્રદેશના પોલીસ ઈન્સપેકટર વિનોદ સરોહી અને દિલ્હીના રાજપાલ ડબ્બાસને વિચાર આવ્યો કે દેશમાં બનતા ગુનાઓ અને ગુનેગાર સુધી પહોંચવા માટે દેશભરના પોલીસ અધિકારીઓ સામુહીક પ્રયાસ કરે તો કેવુ? બસ આ વિચારને આધારે તેમણે સોશીયલ મિડીયામાં ટેલીગ્રામ ઉપર તમામ રાજ્યની પ્રાઈમ એજન્સીઓના અધિકારીઓ અને જવાનોનું એક ગ્રુપ બનાવ્યુ જેનું નામ આપ્યુ નેશનલ પોલીસ ગ્રુપ જેમાં આજે દેશ અને લશ્કરની ગુપ્તચર સેવાના અધિકારીઓ પણ સભ્ય છે. દેશભરના 18 હજાર કરતા વધુ સભ્યો ધરાવતુ આ નેશનલ પોલીસ ગ્રુપ વર્ષમાં એક વખત દેશના કોઈ એક શહેરમાં મળે અને પોતાની માહિતી અને કામગીરીની આપલે કરે છે. તા 9મી એપ્રિલના રોજ નેશનલ પોલીસ ગ્રુપના 270 પોલીસ અધિકારીઓ સેલવાસ ખાતે મળ્યા હતા, કારણ આ વખતની પોલીસ મીટનું યજમાનપદ ગુજરાત પાસે હતુ.
પોલીસને પોતાના કર્યક્ષેત્ર હોય છે, પરંતુ ગુનેગાર એક રાજયમાં ગુનો કરી બીજા રાજયમાં જતો રહે છે. ત્યારે સ્થાનિક પોલીસની સમસ્યા એવી હોય છે જયારે પરરાજ્યની ગેંગ હોય ત્યારે તેની માહિતી મેળવવી અને માહિતી મળ્યા પછી જે તે રાજયમાં જઈ સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને પકડવો મુશ્કેલ કામ બની જતુ હોય છે. આવી સમસ્યા દેશના તમામ રાજ્યોની પોલીસને નડતી હતી. 2008માં ઉત્તર પ્રદેશના પોલીસ ઈન્સપેકટર વિનોદ સીરોહી અને દિલ્હીના રાજપાલ ડબ્બાસને વિચાર આવ્યો કે દેશની તમામ ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી ટેરેસ્ટ સ્ક્વોર્ડ સહિતની પ્રાઈમ એજન્સીઓ છે તેના અધિકારીઓ સોશીયલ મિડીયાના પ્લેટફોર્મ ઉપર એક સાથે આવવા જોઈએ જેથી કરી કોઈ ગુનેગાર ગુનો કરી બીજા રાજ્યમાં જતો રહે ત્યારે તે અંગેની માહિતીની એકબીજા રાજ્યો આપલે કરી શકે આ ઉપરાંત જ્યારે બીજા રાજ્યમાં ઓપરેશન પાર પાડવુ હોય ત્યારે કયાં અધિકારીનો સંપર્ક કરવાથી તરત મદદ મળી શકે તેની જાણકારી આંગળીના વેઢે મળી રહે.
આ વિચારના આધારે નેશનલ પોલીસ ગ્રુપ ટેલીગ્રામ ઉપર શરૂ કરવામાં આવ્યુ. જેમા વિવિધ રાજ્યોના નાના મોટા પોલીસ અધિકારીઓ જોડાતા ગયા. આ ગ્રુપમાં આવતી માહિતી દરેક રાજ્યોને એટલી મહત્વપુર્ણ સાબીત થવા લાગી કે નાના મોટા ઓપરેશન સરળતાપુર્વક પાર પડવા લાગ્યા હતા. જેના કારણે આ ગ્રુપમાં પોલીસ અધિકારીઓની સંખ્યા વધવા લાગી હતી. કોઈ પણ પ્રકારની સરકારી સહાય વગર શરૂ થયેલી આ કામગીરી નોંધપાત્ર થવા લાગી ગુજરાત પોલીસના અધિકારી આર આઈ પટેલ આ ગ્રુપના પહેલા સભ્ય થયા હતા, ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત રાજ્યની અન્ય એજન્સીના અધિકારીઓ પણ જોડાયા જેના કારણે નેશનલ પોલીસ ગ્રુપમાં ગુજરાતના 240 અધિકારીઓ સભ્ય છે.
તા 9મી એપ્રીલના રોજ સેલવાસ ખાતે નેશનલ પોલીસ ગ્રુપની એક દિવસીય મીટ રાખવામાં આવી હતી. આ મીટમાં હિસ્સો લેવા ગુજરાતના 32 પોલીસ અધિકારીઓ રજા મુકી મીટમાં ગયા હતા. આ મીટનું યજમાન પદ ગુજરાત પોલીસ પાસે હોવાને કારણે ગુજરાતના પોલીસ અધિકારીઓએ વ્યકિતગત ખર્ચે આ મીટની જવાબદારી ઉપાડી હતી.
નેશનલ પોલીસ ગ્રુપમા તેમના રાજ્યોમાં બનેલા ગુનાઓ, ગુનેગારના ફોટો, તેમના વિડીયો અને ગુનેગારને પકડવા માટેની મદદની જરૂર છે તેવા કિસ્સા અવારનવાર બનતા હોય છે. સામાન્ય રીતે ફોન દ્વારા સંપર્કમાં રહેતા અધિકારીઓ વર્ષમાં એક વખત રૂબરૂમાં મળતા હોય છે. આ ઉપરાંત ઘણા રાજ્યો પોતાના રાજ્યની ઘટનાનું પ્રેઝેન્ટેશન કરતા હતા. આ એવા ઘુની પોલીસ અધિકારીઓનું ગ્રુપ છે જેઓ પોલીસને નોકરીને પોતાનું નોકરી કરતા કઈક વિશેષ સમજે છે. સેલવાસ ખાતે યોજવામાં આવેલી પોલીસ મીટમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ જે એન ચાવડા અને સુરતના પીઆઈ સુવેરા સહિત 32 ગુજરાતી પોલીસ અધિકારીઓ આ મીટનો હિસ્સો બન્યા હતા. જ્યારે મહેમાન તરીકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી પી ચુડાસમા અને વલસાડના એસપી ડૉ રાજદિપસિંહ ઝાલા હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે નેશનલ પોલીસ ગ્રુપ શરૂ કરનાર વિનોદ સીરોહી મેરઠના એસીપી તરીકે અને રાજ્પાલ ડબ્બાસ દિલ્હીમાં એસીપી તરીકે ફરજ બજાવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











