નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના માંજલપુર વિસ્તારના એક ભાજપ કોર્પોરેટરને કોર્ટે સખ્ત સજા ફટકારી છે. ભાજપના આ કોર્પોરેટરને કોર્ટે 1 વર્ષની સજા અને રૂપિયા 25 લાખનો દંડ ફટકાર્યો હતો. શિસ્તવાળી પાર્ટી ગણાતી ભાજપના આ નેતા સામે ચેક બાઉન્સ મામલે કેસ ચાલતો હતો જે સંદર્ભે કોર્ટે નેતાને દંડ અને સજા ફટકારી છે. તે ઘટના અંગે પણ આવો જાણીએ…
વડોદરાના માંજલપુર વિસ્તારના ભયુજી મંદિર પાસે આવેલી પુરુષોત્તમ સોસાયટી પાસેના હરિદર્શનમાં રહેતા કલ્પેશ પટેલ માંજલપુર વિસ્તારના ભાજપના કોર્પોરેટર છે. આ ઘટનાના ફરિયાદી ઉપેન્દ્ર શાહે નોંધાવેલી ફરિયાદ આધારે કલ્પેશ પટેલે ઉપેન્દ્ર શાહ પાસેથી ધંધાઅર્થે રૂપિયા પચ્ચીસ લાખ ટુકડે ટુકડે રોકથી લીધા હતા. આ ઉધારીની સામે રકમ પાછી આપવા માટે ઉપેન્દ્ર શાહને કલ્પેશ પટેલે રૂપિયા 25 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક જ્યારે ઉપેન્દ્ર પટેલે વટાવ્યો ત્યારે તે બાઉન્સ થઈ ગયો હતો.
આ ખરે ચેક બાઉન્સનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે આ મામલામાં કલ્પેશ પટેલ સામે ચુકાદો આપતા કલ્પેશ પટેલને એક વર્ષની સજા ફટકારી છે. ઉપેન્દ્ર જવાહરભાઈ શાહ પણ વડોદરાના જ રહેવાસી છે. તેઓ સમા સાવલી રોડ પર આવેલા અમિતનગરની બાજુમાં ભાવના પાર્ક સોસાયટીમાં રહે છે અને તેઓ તેમના સંબંધી નટવરલાલ છોટાલાલ મારફતે કલ્પેશ પટેલના સંપર્કમાં આવ્યા હતા. કલ્પેશ પટેલ રાજકારણ ઉપરાંત બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો પણ ધંધો કરે છે. કલ્પેશ પટેલને આ દરમિયાનમાં રૂપિયાની જરૂર પડે છે જે વાત છે જાન્યુઆરી 2016ની.
તે વખતે નટવરલાલ મારફતે સંપર્કમાં આવેલા ઉપેન્દ્ર શાહ મારફતે રૂપિયા 25 લાખ લીધા હતા. જેતે સમયે કલ્પેશ પટેલે એવું કહ્યું હતું કે, તેમનો નવો પ્રોજેક્ટ ચાલુ છે જે પુરો થતાં જ રકમની ચુકવણી કરી દેવાશે. એટલું જ નહીં નફો થશે તો નફો પણ આપશે તેવું પણ કહ્યું હતું. જોકે સપ્ટેમ્બર 2016 સુધી ઉપેન્દ્ર શાહે કલ્પેશ પટેલને આપેલા ટુકડે ટુકડે રોકડા રૂપિયા 25 લાખ સામે તેમને 25.2.18ની તારીખનો ચેક આપ્યો હતો. ચેક પર સહી કરી ચેક પાછળ ચેકની રોકડ રકમ મળી છે તેમ લખી નીચે પણ સહી કરી હતી. જોકે જ્યારે ચેકનો સમય આવ્યો ત્યારે ભુપેન્દ્ર શાહે ચેક વટાવતા તે બાઉન્સ ગયો હતો. આ મામલે તેમણે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત ફરિયાદ કરી હતી. કોર્ટે આ મામલામાં કલ્પેશ પટેલને 1 વર્ષની સજા અને 25 લાખ રૂપિયા દંડ 60 દિવસમાં ભરવાનો આદેશ કર્યો છે.








