પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.ગાંધીનગર): હું અઢી વર્ષની હતી અને મારા પિતાનું અવસાન થયું, અમારું આખુ ગામ બ્રાહ્મણ હતું, વાવ તાલુકાના સુઈ ગામ પાસે આવેલી રાબડી પાદર ગામમાં સરકારી નોકરી મેળવનાર હું પહેલી છોકરી છું. ગાંધીનગર ખાતે સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ રમિલા જોશી કહે છે કે, મારી જીંદગીના દિવસો બહુ જ કષ્ટમાં પસાર થયા. પિતાની છત્રછાયા ગુમાવી હોવાને કારણે શિક્ષણથી લઈ નોકરી સુધી ઘણા સંઘર્ષ કરવા પડ્યા હતા.
ધોરણ 12 પાસ કર્યા પછી થરાદમાં ત્રણ વર્ષ નર્સ તરીકે નોકરી કરી, લગ્ન થયા અને પાલનપુરમાં સાડીઓની દુકાન શરૂ કરી, થોડા વર્ષો પહેલા ગાંધીનગર આવી અને ગાંધીનગરમાં મેં ટીફિન સર્વિસ શરૂ કરી. 2020માં પોલીસ ભરતી આવી જેમાં હું અને મારા પતિ બિપિન જોશી પોલીસમાં ભરતી થયા. મારા પતિ બિપિન જોશી સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે.
સરકારી નોકરી મળવા છતાં મારા સસરાએ ગાંધીનગરમાં પીજી અને ટીફિન સર્વિસ ચાલુ રાખી, કારણ મૂળ વ્યવસાયે તે કેટરિંગનું કામ કરે છે. મેં અને મારા પતિએ પોલીસની નોકરી મેળવવા માટે કરેલો સંઘર્ષ મને યાદ છે. દુરના ગામડામાંથી આવતા માણસ પાસે પરીક્ષા આપવા આવે ત્યારે એટલા પણ પૈસા હોતા નથી કે તે અહીં રહેવાની અને જમવાની વ્યવસ્થા પોતે કરી શકે.
અમને વિચાર આવ્યો કે ગાંધીનગરમાં દરેક જ્ઞાતિની વાડીઓ અને હોસ્ટેલ્સ છે. ત્યાં તેમની વ્યવસ્થા થઈ જાય તેમ છે પરંતુ ગાંધીનગરમાં બ્રાહ્મણો માટે કોઈ જ વ્યવસ્થા નથી. અમારી પાસે ખાસ સગવડ અને નાણાંનો સ્ત્રોત નથી પણ મારા સસરાના પીજીમાં અમે ત્રીસ બ્રાહ્મણ યુવતીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી શકીએ તેવું આયોજન કર્યું છે. અહીંયા માત્ર બ્રાહ્મણ દીકરીઓને જ રાખવી તેવો કોઈ ભાવ નથી કારણ કે અન્ય જ્ઞાતિઓ માટે વ્યવસ્થા છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતી દુરના ગામડાની દીકરી ગાંધીનગરમાં પરીક્ષા આપવા ક્યાં રોકાશે અને શું જમશે તેની જે સમસ્યા છે તેને મદદરૂપ થવાનો આ અમારો નાનકડો પ્રયાસ છે.
તા. 10 એપ્રીલના રોજ પોલીસની લેખિત પરીક્ષામાં આવનારી બ્રાહ્મણ દીકરીઓ માટે જોશી દંપત્તિએ કરેલી વ્યવસ્થા કોઈ દીકરીને જોઈતી હોય તો તેઓ 9978498217 પર તેમનો સંપર્ક કરી શકે છે.
(નવજીવન ન્યૂઝ તમામ હકારાત્મક અને સારી બાબતોની પ્રસંશા કરે છે, પરંતુ જ્ઞાતિ આધારિત વિભાજનનું તે ક્યારેય સમર્થન કરતું નથી)
![]() |
![]() |
![]() |











