બેલ્જિયમના એન્ટવર્પ પોર્ટ પર સ્પેશ્યલ હાઇ-ગ્રેડ ઝીંકનું પ્રીમિયમ ૪૫૦ ડોલર
વીજળી ખર્ચાથી પરેશાન કેટલીક ઝીંક સ્મેલટરો સંપૂર્ણ બંધ થવાને આરે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): યુક્રેન પરના રશિયન હુમલાએ ઝીંક (જસત) સહિતની તમામ ધાતુમાં તેજીની આગ લગાડી દીધી છે. શુક્રવારે લંડન મેટલ એક્સ્ચેન્જ પર ઝીંક વાયદો પ્રતિ ટન ૪,૩૪૩ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયો. આ વર્ષના આરંભથી ઝીંક વાયદો ૧૪ ટકા અને ગત મહિને ૭.૫ ટકા ઉછળ્યો હતો. રિસર્ચ એજન્સી ફિચ સોલ્યુશન કહે છે કે આ વર્ષે ઝીંક ભાવની વર્તમાન સરેરાશ ૩,૬૮૮ ડોલર છે, આ સ્તરને જોતાં ઝીંકના ભાવ ઓકટોબર ૨૦૦૬ની ઓલ-ટાઈમ હાઇ ૪,૪૪૨ ડોલર વટાવી જવાની નજીક પહોંચી ગયો છે.
ફિચે વધુમાં કહ્યું છે કે ૫૦0 ડોલરની વધઘટ સાથે અમે ૨૦૨૨ના વર્ષ માટે વાર્ષિક ભાવ સરેરાશ, અગાઉની ધારણા ૨,૯૦૦ ડોલરથી વધારીને હવે ૩,૫૦૦ ડોલર કરી છે, જે ૨૦૦૬ની વિક્રમ વાર્ષિક સરેરાશની નજીક હશે. ફિચ તો ત્યાં સુધી કહે છે કે યૂરોપમાં અત્યારે જે ઓઇલ અને નેચરલ ગેસની કટોકટી સર્જાઇ છે તે હવે પછી, આના કરતાં પણ વધુ ખરાબ થવાની ચિંતા છે. વાસ્તવમાં યુરોપિયન સમેલ્ટર (ભઠ્ઠી) માટેના ઊર્જા ખર્ચાઓ આસમાને પહોંચ્યા છે. વીજળી ખર્ચાથી પરેશાન કેટલીક સ્મેલટરો તો સંપૂર્ણ બંધ થવાને આરે આવીને ઊભી છે.
મેટલ બજારમાં જે કઈ ઘટના બની રહી છે. તે ઊર્જા બજારની તેજીનો પડઘો છે. અલબત્ત, રશિયા બહુ બધી ઝીંક યુરોપને સપ્લાય નથી કરતું તેમ છતાં યુક્રેન વોરએ, તેની સીધી અસર ઊર્જાના ભાવ પર વ્યાપક બનાવી છે. આ જોતાં જ્યાં સુધી યુદ્ધનો ઉકેલ ના આવે ત્યાં સુધી નોર્થ અમેરિકા અને યૂરોપમાં વીજળી ખર્ચા બહુ શાંત પાડવાની સ્થિતિ નહીં સર્જાય.
યૂરોપમાં વધી રહેલા ઊર્જા ખર્ચાથી કંટાળીને મોટા ઝીંક ઉત્પાદકો નાયસ્ટાર અને ગ્લેનકોરએ ઉત્પાદન કાપ મૂકવાની જાહેરાત કરી દીધી છે. તેથી જાગતિક બજારમાં ફરતા માલની અછતમાં વધુ સમસ્યા સર્જાવાનો પણ ભય છે. તાજેતરમાં ખાસ કરીને માર્ચ મહિનામાં નાયસ્ટારની ફ્રાંસ સ્થિત એયુબી ઝીંક સમેલ્ટર હવે સરકારની સહાયતા પર વધુ નિર્ભર થઈ છે, પણ ખુબજ ઊંચા ઊર્જા ખર્ચને લીધે તે પૂર્ણ ક્ષમતાએ હજુ પણ ઉત્પાદન કરતી નથી થઈ શકી. અલબત્ત મેક્સીકોની ઝીંક ખાણોમાં જાન્યુઆરી ઉત્પાદન ૯.૮ ટકા વધીને ૩૦૧૫૬ ટન નોંધાયું હતું.
ઝીંકને સામાન્ય રીતે એલ્યુમિનિયમની ભગિની ધાતુ ગણવામાં નથી આવતી. પણ જો ઉત્પાદન ખર્ચની બાબતે જોઈએ તો બંને ધાતુના ખર્ચા એક સમાન છે. આથી કહી શકાય કે યૂરોપમાં સર્જાનારી કોઈ પણ ઘટના આ બંને ધાતુના ભાવ પર અસર ઊભી કરશે. સૌથી મોટું કારણ છે, એક્સ્ચેન્જ અને વેપારી બંને પાસેના ધાતુના સ્ટોકમાં જબ્બર અને નાટ્યાત્મક ખુટાવડો સર્જાયો છે. જો બાકી રહેલી કેન્સલેશન ફિઝિકલ લોડઆઉટ (માલ ઉપાડવાની) સ્લીપને ધ્યાનમાં લઈએ તો એલએમઇના યુરોપિયન ગોડાઉનો લગભગ ખાલી થઈ ગયા છે.
અમેરિકામાં પડેલા એલએમઇ રજિસ્ટર્ડ ઝીંક સ્ટોક ઘટીને હવે માત્ર ૨૫,૯૨૫ ટનના તળિયે ગયો છે, તેમાંથી ઉપલ્બ્ધ ટનેજ તો ૧૯,૮૨૫ ટન જ છે. અમેરિકાના નયુઓર્લિયયન્સ સ્થિત ગતવર્ષના સમાનગાળાના ઝીંક સ્ટોકને જોઈએ તો તે ૧ લાખ ટન જેટલો હતો. બીજી રસપ્રદ વાત એ છે કે ફિઝિકલ ડિલિવરી માટેના પ્રીમિયમ જ કહે છે કે, ગોદામોમાં નો-સ્ટોકના પાટિયા લટકી રહ્યા છે.
બેલ્જિયમના એન્ટવર્પ પોર્ટ પર સ્પેશ્યલ હાઇ-ગ્રેડ ઝીંકનું પ્રીમિયમ ઓક્ટોબરમાં શિયાળાની કટોકટી હતી ત્યારે ૧૭૦ ડોલર હતું, હવે તે ૪૫૦ ડોલર થઈ ગયું છે. ઇટાલિયન પ્રીમિયમ સમાન સમયગાળામાં ૨૧૫ ડોલરથી વધીને ૪૬૨.૫ ડોલર થયું હતું. ફાસ્ટમાર્કેટના અનુમાન મુજબ અમેરિકન મિડવેસ્ટમાં ફિઝિકલ પ્રીમિયમ પ્રતિ પાઉન્ડ વધીને ૨૪થી ૩૦ ટકા એટલે કે ૫૭૩થી ૬૬૧ ડોલર પ્રતિ ટન થવાની શક્યતા છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











