નવજીવન ન્યૂઝ. ભાવનગર: ડમીકાંડ (Dummykand) અને તોડકાંડમાં ફરી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તોડકાંડના વધુ ચાર આરોપી ઝડપાતા આરોપીનો આંક કુલ 48 સુધી પહોંચ્યો છે. જ્યારે તોડકાંડ (Todkand)માં પૈસા નથી લીધાનું રટણ કરતા રજૂ થયેલા યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja)ના સાળા શિવુભા ઉર્ફે શિવભદ્રસિંહના લાખો રૂપિયા મળી આવ્યા છે.
ડમીકાંડમાં વધુ ચાર આરોપીની ધરપકડ
મળતી વિગતો અનુસાર, ભાવનગરના ડમીકાંડમાં પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી 21 વર્ષીય ચંદ્રદિપ ભરતભાઈ ચૌહાણ, 39 વર્ષીય મહાવિરસિંહ રઘુભા સરવૈયા, 29 વર્ષીય કિર્તીકુમાર મુકેશભાઈ પનોત અને 25 વર્ષીય સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આમ ધરપકડનો આંક 23 જ્યારે કુલ આરોપીઓની સંખ્યા 48 સુધી પહોંચી ગઈ છે. આજરોજ ઝડપાયેલા આરોપીઓ પર આરોપ છે કે તેઓ ગ્રામસેવક અને MPHWની ભરતી પરીક્ષાના અસલી ઉમેદવાર હતા જેમણે પોતાના સ્થાને નકલી ઉમેદવાર બેસાડી પરીક્ષા અપાવી હતી. સાથે જ તોડકાંડ મામલે પણ યુવરાજસિંહ જાડેજાના સાળા શિવુભા પાસેથી રૂપિયા 25 લાખ જેટલી માતબાર રકમ ઝડપાઈ છે.
યુવરાજસિંહના સાળાએ વેર્યા વટાણા
પોલીસે આપેલી માહિતી મુજબ તોડકાંડની તપાસ દરમિયાન શિવુભા પોલીસ સમક્ષ આજરોજ રજૂ થયા હતા. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી પુછપરછ કરતા તેમણે કબૂલાત આપી હતી કે તેમણે રૂપિયા 25.50 લાખ પોતાના મિત્રના ફ્લેટ પર રાખ્યા છે. આમ પોલીસે શિવુભા ઉર્ફે શિવભદ્રસિંહની કબૂલાતના આધારે ભાવનગરના ક્રિષ્ના રેસિડેન્સીના ફ્લેટ નંબર 101માં આવેલા સંજય જેઠવાના ફ્લેટમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન સંજય જેઠવાએ કબૂલાત આપી હતી કે, શિવુભા થોડા દિવસ પહેલા એક થેલી આપી ગયા હતા અને જણાવેલ કે તમે સાચવીને રાખજો હું કહુ ત્યારે પરત કરી દેજો.
હાર્ડડિસ્ક કરશે મોટા ખુલાસા?
પોલીસે થેલી ખોલી તપાસ કરતા તેમાંથી રૂપિયા 25.50 લાખ રોકડા મળી આવ્યા હતા. સાથે જ પોલીસને થેલીમાંથી એક હાર્ડડિસ્ક પણ મળી આવી હતી જે હાર્ડડિસ્ક યુવરાજસિંહના સાળાની પ્રાઈમ કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફિસનું હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે રોકડ રકમ અને હાર્ડ ડિસ્ક કબ્જે કરી વધુ તપાસ માટે હાર્ડડિસ્ક ફોરેન્સીક માટે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.








