પ્રશાંત દયાળ (શતરંજ-61, નવજીવન ન્યૂઝ): સવારે વિનોદ પરમાર ઑફિસમાં આવતાં પટાવાળો કહી ગયો : “ડીઆઇજી સાહેબ બોલાવે છે.” પરમાર તરત અક્ષય જૈનને મળવા માટે પહોંચ્યા. જેવો તેમણે જૈન સાહેબની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો કે, તે પરમારને જોઈને ભડક્યા. “પરમાર, આખિર તુમ ચાહતે ક્યા હો? તુમ્હેં લગતા હૈ તુમ્હેં રોકનેવાલા, બોલનેવાલા કોઈ નહીં!’ પરમાર ડઘાઈ ગયા. તેમને તે પણ ખબર ન હતી કે જૈન સાહેબ કઈ વાતને લઈ આટલા નારાજ થયા છે. જ્યારે પરમારે કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો જૈન વધારે ગુસ્સે થયા, તેમણે કહ્યું, “પરમાર, તુમ રોજ એક બબાલ ખડા કરતે હો. ઔર જવાબ હમેં દેના પડતા હૈ. જબતક નિઝામ કેસ કા સવાલ થા, મૈંને તુમ્હેં કુછ કહા નહીં, લેકિન અબ તુમ દૂસરોં કે કેસ મેં ભી ટાંગ અડાને લગતે હો.” પરમાર સ્તબ્ધ હતા. તેઓ કંઈ બોલ્યા નહીં. થોડીક ક્ષણ તો અક્ષય જૈન પણ શાંત રહ્યા. પછી તેમણે પરમાર સામે જોતાં ધીમા પણ કડક અવાજે કહ્યું, “મુઝે માલૂમ હૈ નિઝામ કેસ મેં તુમ્હેં કામ કરના પડતા હૈ, હાલાંકિ મૈં અપને હી સાથી કો જેલ મેં ડાલને કે પક્ષ મેં નહીં હૂં. ઇન્વેસ્ટિગેશન મેં કઈ બાતેં ઐસી હૈં જિસસે મૈં સહેમત નહીં હૂં, ફિર ભી તુમ્હારા ઇન્વેસ્ટિગેશન હૈ, ઇસ લિયે મૈં કુછ નહીં બોલા.”
પછી તેમણે પોતાના ટેબલ ઉપર રહેલો પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને પાણી પીધું. ફરી પાછી તેમણે વાતની શરૂઆત કરતાં કહ્યું, “હોમ મિનિસ્ટર કૂત્તે કી તરહ કાટને આતે હૈં. ઉન્હોંને મુઝે કહા થા, કિ પરમાર કો મર્યાદા મેં રખો, ફિર ભી મૈંને તુમ્હેં કુછ નહીં કહા. લેકિન અબ તુમ યાકુબ મેમણ કેસ મેં ઇન્ટરફિયર કર રહે હો! ક્યા જરૂરત થી, વો વૉચમૅન ઓર ફાર્મ હાઉસ ઓનરને તુમ્હેં બતાયા વો રેકર્ડ પે લેને કી?” પરમારે પોતાનો બચાવ કરવા માટે ઇરાદા પૂર્વક ખોટું બોલતાં કહ્યું, “મુઝે લગા કિ સર, એસઆઇટી કો ઇન્વેસ્ટિગેશન મેં મદદ મિલેગી.” જૈને ટેબલ ઉપર પોતાનો હાથ પછાડીને રીતસર ત્રાડ પાડતાં કહ્યું, “પરમાર, મુઝે બેવકૂફ મત સમજો. તુમ કોઈ જુનિયર ઑફિસર નહીં હો, તુમને તો કોઈ જાનબૂઝકર ઔર સ્પેસિફિક ટાર્ગેટ કે સાથે કામ કિયા હૈ.” જૈનનું રૌદ્ર સ્વરૂપ જોઈ ક્ષણ માટે તો પરમાર પણ ધ્રૂજી ગયા, પણ તરત તેમણે પોતાની જાત ઉપર નિયંત્રણ મેળવતાં નક્કી કર્યું કે, તેમણે કંઈ ખોટું કર્યું નથી તો પછી તે ડીઆઇજી સામે આ રીતે બચાવાત્મક સ્થિતિમાં કેમ છે? પરમારે એક શ્વાસ ભર્યો અને તેનો જવાબ આપતાં કહ્યું, “સૉરી ટુ સે સર, મૈં જો કર રહા હૂં, સિર્ફ ઔર સિર્ફ પુલિસિંગ હૈ, મેરી ડ્યૂટી મુઝે જો કરને કો બોલતી હૈં, વહી કરતા હૂં.” જૈને પોતાની આંખો બંધ કરી લીધી અને તે ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તેમણે આંખો ખોલી અને પરમારને ઠપકો આપતા હોય તે રીતે પણ દબાયેલા અવાજમાં કહ્યું, “ક્યા પૂરે ગુજરાત મેં તુમ હી પુલિસવાલે હો? પાગલ હો ગયે હો? ગડે મુડદે ઉખાડ કે ક્યા ફાયદા હોગા? યાકુબ ક્યા તુમ્હારા ભાઈ થા? મર ગયા તો મર ગયા… સાલા આઈબી કા કૂત્તા થા, ઔર કૂત્તે કી મૌત મરા. હમેં માતમ મનાને કી ક્યા જરૂરત?” પરમારે જવાબ આપ્યો નહીં.
જૈન હવે શાંત થયા હતા. તેમણે પરમારને સામે બેસવાનો ઇશારો કરતાં કહ્યું, “દેખો પરમાર મૈં ચાહતા હૂં. સરકાર ભી ચાહતી હૈ, ઔર મંત્રીજી ચાહતે હૈં, કિ નિઝામ કેસ મેં સ્લો હો જાવ. મૈં તુમ્હેં બતાઉંગા કિ અબ હમેં ક્યા કરના હૈ.” પરમાર શાંત હતા. પરમારના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફાર જૈન ઑબ્ઝર્વ કરી રહ્યા હતા. તેમણે ટેબલ ઉપર થોડાક આગળ આવીને કહ્યું, “સચ બતાઉં? યે મંત્રી, ફિર જાડેજા ઔર વછરાજાની કો ચરબી ચઢી થી, ઉન્હેં ઉતાર દી, બસ અબ બહુત હુવા; ઉનકી ફટ ગઈ હૈ, ઉનકે સાથ સૌદા કરના હૈ, તો મુઝે બતાયેં, મૈં બાત કરૂંગા, યે લોગ ભી કોઈ સંતફકીર નહીં હૈ. બહુત કમાયે, ઉનકા લેને મેં કોઈ પાપ ભી નહીં લગેગા. આજ મુઝે યે સભી હાથપૈર પકડતે હૈં, ઉનકો માલૂમ હૈ અગર ઉનકો કોઈ બચા સકતા હૈ, તો વો જૈન હૈ. ઇસી લિયે તો મુઝે લાના પડા.”
ચેમ્બરમાં તેમના બે સિવાય કોઈ ન હતું અને આવવાનું પણ ન હતું, છતાં જૈને ચારે તરફ નજર ફેરવી લીધા પછી કહ્યું, “પરમાર, કિતને સાલ કી નૌકરી બાકી રહી હોગી? ચાર-પાંચ સાલ કી? તો એનકૅશ કર લો. બારબાર ઐસે મૌકે નહીં આતે.” પરમારે કોઈ જવાબ આપ્યો નહીં, એટલે જૈને કહ્યું, “અરે પરમાર, કુછ તો બતાઓ.” પરમારે પોતાના બંને હાથની હથેળીઓ એકબીજા સાથે ઘસી અને હથેળીઓ ખુલ્લી કરી જોઈ. જાણે હસ્તરેખાઓ જોઈ રહ્યા હોય તેમ. અને જૈનની સામે જોતાં કહ્યું, “સર, યે સબ બાતેં મૈં સોચ ચુકા હૂં…, મુઝે ભી પૈસા કમાના અચ્છા લગતા હૈ, લેકિન ઇસ કેસ મેં મેરા ઝમીર મુઝે ના કહ રહા હૈ.” જૈનને લાગ્યું કે માછલી જાળમાં આવી રહી છે, પણ છેલ્લું વાક્ય સાંભળતાં તેમના ચહેરા ઉપરનો ભાવ કહેતો હતો કે, માછલી છટકી ગઈ. તેમણે ફરી તેમને સમજાવતાં કહ્યું, “દેખો… દેખો પરમાર, તુમ મુઝે સમજને કી કોશિશ કરો. તુમ્હેં પૈસા નહીં લેના હૈ, મત લો. કોઈ અચ્છા પોસ્ટિંગ કા તય કરવા દેતા હૂં.” હવે કૅશની જગ્યાએ કાઇન્ડની ઑફર આવી હતી અને છતાં પરમાર ના પાડે તો છેલ્લું વાક્ય કંઈક આવું હતું : “આપકો ઔર હમેં તો પૂરી જિંદગી, રિટાયરમેન્ટ કે બાદ ભી ગુજરાત મેં રહના હૈ. યે પૉલિટિશિયન કા કોઈ ભરોસા નહીં, રિટાયર હોને કે આખરી દિન કોઈ ઇન્ક્વાયરી બિઠા દે.”
પરમારે જૈનની આંખોમાં જોતાં પૂછ્યું, “સર, મુઝે ડરા રહે હો?” જૈને વાત વાળી લેતાં કહ્યું, “તુમ્હેં કૌન ડરા સકતા હૈ? તુમ ડરતે હોતે તો યહાં તક આગે બઢતે? મૈં તો આપકે સિનિયર હોને કે નાતે સમજા રહા હૂં.” પરમાર કંઈ બોલ્યા નહીં. જૈનને લાગ્યું કે પરમાર તેમની કોઈ વાત સાથે સંમત થાય તેમ નથી, એટલે તેમણે સરકારી વાત ઉપર આવતાં કહ્યું : “પરમાર, નિઝામ કેસ કે બારે મેં મુઝે ડેઇલી રિપોર્ટિંગ ચાહિયે.” પછી રોકાઈને કહ્યું, “ટીવીવાલોં સે પહેલે, ઔર નિઝામ કે સિવા કેસ કી કોઈ જાનકારી મિલતી હૈ, તો રેકર્ડ પે લેને સે પહલે મુઝે પૂછ લિયા કરો. ઔર કોઈ ભી એજન્સી સે મુઝે પૂછે બીના કૉરસ્પૉન્ડન્ટ નહીં કરેંગે, યે મેરા ઑર્ડર હૈ.” પરમારે ખુરશીમાંથી ઊભા થતાં ‘જી સર’ કહી, સલામ કરી અને ચેમ્બરની બહાર નીકળ્યા.
જે ડીઆઇજી અક્ષય જૈન નારાજ થયા હતા, તે જોતાં યાકુબ મેમણ અને તેની પ્રેમિકા સુલતાનાના ઍન્કાઉન્ટરની તપાસ કરી રહેલા એસઆઇટીના વડા આઇજીપી કેશવ દત્તને તેમણે પાઠવેલો પત્ર મળી ગયો હતો. હવે તે પત્ર તેમને માટે જીવતા સાપ જેવો હતો. તેમાં જે વિગતો હતી, તેની ઉપર આગળ વધવા સિવાય દત્ત પાસે કોઈ બીજો રસ્તો જ ન હતો. વિનોદ પરમારને ખરાબ પણ લાગ્યું હતું. બીજી તરફ તેમની કામગીરી કેટલા લોકોને ડિસ્ટર્બ કરી રહી હતી, તેનો આનંદ પણ હતો. હજી પોતાની ચેમ્બરમાં દાખલ થાય તે પહેલાં તેમના મોબાઇલ ફોનની રિંગ વાગી. તેમણે ફોન જોયો તો નિઝામના ભાઈ નૂરુનો હતો. તેમણે ફોન ઉપાડતાં નૂરુ બોલ્યો : “નમસ્તે પરમાર સા’બ, મૈં રાજસ્થાન સે નૂરુ બોલ રહા હૂં, નિઝામ કા ભાઈ.” પરમારે કહ્યું, “અરે નૂરુ, મૈંને આપકા નંબર સેવ કિયા હૈ. બોલો ક્યા બાત હૈ?” નૂરુએ કહ્યું : “સર, મૈં રૂપા કે ઘર ગયા થા. આપને વો ડીએનએ ટેસ્ટ કે બારે મેં બોલા થા, લેકિન સા’બ ઉસકે મા-બાપ તો મુઝે દેખતે હી ભડક ગયે. બહોત ગાલિયાં બોલે. ઉનકો મૈંને સમજાયા લેકિન વો તો બોલે રૂપા ઉનકે લિયે બરસોં પહલે મર ગઈ. હમેં ઉસસે કોઈ નાતા નહીં. વો જિંદા થી તબ ભી ઔર મરને કે બાદ ભી.”
પરમાર એકદમ નિરાશ થઈ ગયા. કારણ કે ખાલી હાડપિંજરના આધારે તે રૂપા છે તેવું સાબિત થાય તેમ ન હતું. તેના માટે રૂપાના કોઈ લોહીના સંબંધીનું લોહી અને જે હાડપિંજર મળ્યું છે તેના ટેસ્ટના આધારે નક્કી થઈ શકે તેમ હતું કે, મરનાર રૂપા હતી કે નહીં. પણ નૂરુએ આગળ વાત કરતાં કહ્યું : “સર, લેકિન ઉસકે બાદ રૂપા કા ભાઈ મુઝે મિલને આયા થા. વો અપને બ્લડ ટેસ્ટ કરવાને કો તૈયાર હૈ, લેકિન અપને મા-બાપ સે ડરતા હૈ. કહીં ઉન્હેં માલૂમ ન હો જાય. તો યહ બાત કિસી કો પતા ન ચલે. સર, રૂપા કા ભાઈ ચલેગા?” અંધારામાંથી એકદમ અજવાળું થયું હોય તેવું લાગ્યું. પરમારે કહ્યું, “અરે દૌડેગા નૂરુ.” તરત નૂરુ બોલ્યો, “તો કલ સુબહ કો હમ અહમદાબાદ હોગે સર.”
પરમાર ઑફિસમાં બેસી પોતાના ઇ-મેલ ચેક કરી રહ્યા હતા. તેમાં આદેશનો પણ મેઈલ હતો. તેના અખબારની રાજસ્થાનની એડિશનમાં રામે અલગ અલગ કોર્ટને લખેલા પત્રોની વાત છપાઈ હતી. પરમાર તે સમાચાર બે-ત્રણ વખત વાંચી ગયા, કંઈ સમજાયું નહીં. રામને શા માટે ડર હતો કે, ગુજરાત અને રાજસ્થાન પોલીસ તેનું ઍન્કાઉન્ટર કરશે?! પરમારે રામને મળવા રાજસ્થાન જવાનો નિર્ણય કર્યો.
(ક્રમશ:)








