હમણાં જ વડોદરામાં એક ઘટના ઘટી, વડોદારમાં કામ કરતી અને પીજીમાં રહેતી એક યુવતીને તેના બે મિત્રતો ઉપર ભરોસો હતો, જેના કારણે યુવતી સહિત ત્રણે દારૂ પીધો, ત્યાર બાદ યુવતીના બંન્ને મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ, જયારે યુવતી ભાનમાં આવી ત્યારે તેને ભાન થયુ કે તેની સાથે તેની ઈચ્છા વિરૂધ્ધ થયુ છે, આપણે ત્યાં ખાસ કરી સમાજનો મોટો વર્ગ માને છે કે જે યુવતીઓ દારૂ પીવે અથવા સીગરેટ પીવે તેનું ચારિત્ર બરાબર હતુ નથી. આમ પણ કોઈને પણ ચારિત્રનું પ્રમાણપત્ર આપવનો અધિકાર માત્ર પુરૂષો પાસે છે, એટલે યુવતીએ પોતાના મિત્રો સાથે દારૂ પીધો એટલે તેનું કોઈ ચારિત્ર નથી તેવુ જ તેના મિત્રોએ માની લીધુ હશે અને સમાચાર વાંચનારો પણ એક મોટો વર્ગ એવા સંકુચીત ખ્યાલ રાખતો હશે કે છોકરી દારૂ પીવે આવુ જ થાય. અહિયા છોકરીએ દારૂ પીવો જોઈએ કે નહીં તેની ચર્ચા નથી કારણ યુવતી સાથે તેના બે મિત્રોએ દારૂ પીધો તેનું આપણને માઠુ લાગતુ નથી, પણ છોકરી થઈ દારૂ પીવાય તેવો સહજ પ્રશ્ન આપણા મનમાં જન્મે છે, પણ તેમાં આપણો વાંક પણ નથી કારણ આપણો વૈચારિક ઉછેર તેવી રીતે થયો છે.
પરંતુ જો આપણે વૈચારિક જાળામાંથી બહાર આવુ તો થોડુ વિચારવાની જરૂર છે કે એક યુવતીએ દારૂ પીધો તે તેનો વ્યકિતગત અધિકાર છે. દારૂ સારો કે નરસો તેની ચર્ચા આપણે કરતા નથી, જેમ છોકરો દારૂ પીવે ત્યારે આપણને માઠુ લાગતુ નથી તેવી જ મનોદશા આપણી છોકરી દારૂ પીવે ત્યારે હોવી જોઈએ વડોદરાની યુવતીએ દારૂ સ્વૈચ્છાએ પીધો હતો, પણ દારૂ પીધા પછી તેના બે મિત્રોએ તેની સાથે જે કર્યુ તેમાં તેની સ્વૈચ્છા ન્હોતી, સવારે છોકરીને જયારે પોતાની સાથે શુ થયુ તેની ખબર પડી ત્યારે તે ભાંગી પડી, પણ તેણે હિમંત કરી આખી ઘટના પોતાના પિતાને કહી, કોઈ પણ પિતા માટે આ સમાચાર આધાતજનક છે, દિકરીની વાત સાંભળી પિતા ધ્રુજી ગયા, આમ તો એક પિતાને દિકરી સાથે જાનવરો જેવો વ્યવહાર કરનાર સામે ગુસ્સો આવવો જોઈએ, કદાચ આવ્યો પણ હશે, પણ તે સમસમી ગયા , તેમણે દિકરીને કહ્યુ આ વાત કોઈને કહીશ નહીં કારણ તારી આબરૂનો સવાલ છે,. અરે આપણી માનસીક દુર્દશા કેવી છે, એક દિકરી ઉપર બળાત્કાર થાય ખરેખર તો બળાત્કારીઓની આબરૂનું ધોવાણ થવુ જોઈએ પણ ભોગ બનનારના પરિવાર પોતાની દિકરીની આબરૂ ગઈ તેવુ માની લે છે,
આપણે આબરૂનો ઠેકો માત્ર છોકરીઓના ખભા ઉપર મુકી દીધો છે, છોકરીઓએ આખી જીંદગી પોતાની આબરૂની ચીંતા કરવાની, છોકરાએ બેઆબરૂ થઈ ફરે તો તેનો આપણને વાંધો નથી, વડોદરામાં ભોગ બનનાર યુવતીના પિતાએ જો યુવતીને કહ્યુ હોત કે બેટા અમે તારી સાથે છીએ, પેલા નરાધમોને પાઠ ભણાવીશુ ચાલ આપણને પોલીસ ફરિયાદ કરીએ તો કદાચ દિકરીની હિંમત જળવાઈ હોત, પરંતુ ભોગ બનનાર યુવતીને પોતાની અને પોતાના પરિવારની આબરૂ ગઈ છે તેવુ કહેવામાં આવ્યુ ત્યારે તેને માઠુ લાગ્યુ તે કદાચ પિતાની આંખમાં આંસુ અને દિકરીના પિતા તરીકેની લાચારી જોઈ શકી નહીં, પોતાની સાથે જે ખરાબ થયુ તેની કરતા વધારે તેના પિતાને આબરૂના નામે લાગેલો આધાત તેની માટે અસ્હય હતો અને આપણી કમનસીબી અને સુસંસ્કૃત હોવાનો દાવો કરતા સમાજની દિકરીએ આબરૂના નામે આત્મહત્યા કરી લીધી, યુવતીની આત્મહત્યા બાદ પોલીસ ફરિયાદ તો નોંધાઈ અને યુવતીના બે મિત્રો પકડાઈ ગયા, પણ જો દિકરી અને તેના પિતાને આબરૂનો વિચાર આવ્યો ના હોત યુવતી આજે પણ જીવતી હોત.
આપણે ત્યાં પાકિસ્તાન સાથે યુધ્ધ કરો તેવો દેકારો તેવો જ વર્ગ કરે છે, જેમના ઘરમાંથી કોઈ સેનામાં ફરજ બજાવતા નથી, પરંતુ હું પોતે પણ એક દિકરીનો પિતા છુ, એટલે સજાગતા પુર્વક લખુ છુ અને માનુ છુ કે આબરૂના માને આપણે છોકરીઓ ઉપર પાબંધીઓ લાદીએ અને નાહકની ચીંતા કરીએ છીએ તે યોગ્ય નથી, દિકરી માટે કયારેક સમાજ સામે લડવુ પડે તો લડી લેવાનું, દિકરીને બહાદુર બનાવવાની અને આપણે પણ બહાદુરપુર્વક તેની સાથે ઉભા રહેવાનું છે. મારી દિકરીને કોઈ યુવક પસંદ હોય અને મહિના અને વર્ષો સુધી તેમની વચ્ચે મિત્રતા હોય અને કોઈ કારણસર તેઓ છુટા પડે તો મારી દિકરીની આબરૂ જતી નથી , કારણ આ ક્મ ઉલ્ટો હોય અને મારા દિકરીને કોઈ યુવતી સાથે પ્રેમ હોય અને તેઓ છુટા પડે તો આપણે મારા દિકરાની આબરૂ ગઈ તેવો વિચાર કરતા નથી, તો છોકરી માટે માપદંડ કેમ અલગ રાખવો જોઈએ
મને વારસામાં વૈચારિક મુકતા મળી જેના કારણે મેં મારા મગજમાં રોપાયેલા અને બાવળીયાએ કાપ્યા, આજે જેવુ વિચારુ છે અને જેવો છુ તેવો પહેલા ન્હોતો., એટલે મેં મારા સંતાનોને પણ પોતાની રીતે જીવનનું મુલ્યાંકન કરવાનો અધિકાર આપ્યો છે.
બે પણ મારા સંતાનોને મને વારસામાં જે મુકતા મળી તેવી જ મુકતતા આપવાનો પ્રયત્ન કર્યો છે છતાં મારી અને મારી દિકરી વચ્ચે અનેક વખત સ્ત્રી સ્વંતત્રતાને લઈ વિવાદ થાય છે., હું તેને સમજાવુ છુ કે સ્વતંત્રતા અને સ્વંચ્છદતામાં અંતર છે. મે મારી યુવાનીમાં મને મળેલી સ્વંચ્છતાને સ્વંત્રતતા માની લેવાની ભુલ કરી હતી, જેમાં હું અને મને પ્રેમ કરનાર દુખી કર્યા હતા. છોકરીમાં પણ છોકરાઓની જેમ મોડી રાતે ઘરે આવે તો વાંધો નથી,. પણ તેની સામે કોઈ આંખ ઉંચી કરે તો તેનું માથુ તોડી નાખવાની શારિરીક અને માનસીક ક્ષમતા કેળવવી પડે, હું દિકરીને સમજાવુ છે કે આપણે જયાં સુધી આપણી મર્યાદાઓ સમજી તેનો સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી આપણે લડાઈ જીતી શકતા નથી, વડોદરાની ઘટના અંગે મેં અને મારી દિકરીએ ચર્ચા કરી ત્યારે મેં તેને વિશ્વાસ આપ્યો કે આપણે સારા માણસ થવાનો સતત પ્રયત્ન કરવાનો છે, આમ છતાં તારાથી કોઈ ભુલ થાય તો તેનાથી તારી અને અમારી આબરૂ જતી નથી અને જવાની નથી, તો પછી સમાજ અને લોકો શુ કહેશે તેની ચીંતા આપણે કરવાની નથી.








