દેશના ડિપ્લોમેટ જગતમાં શિવશંકર મેનનનું નામ જાણીતું છે. તેઓ ‘નેશનલ સિક્યૂરિટી એડવાઇઝર’ રહી ચૂક્યા છે. હાલમાં આ પદે અજિત દોવલ છે અને તેમણે આ પદે રહીને ખૂબ નામના મેળવી છે, જ્યારે શિવશંકર મેનન શાંતિથી કામ કરવા માટે જાણીતા છે. વડા પ્રધાન મનમોહનસિંઘના કાર્યકાળમાં તેમની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. અગાઉ તેઓ વિદેશ મંત્રાલયમાં ફોરેન સેક્રેટરી રહી ચૂક્યા છે. ચીન, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇઝરાયલમાં તેઓએ રાજદૂત તરીકે પણ સેવા આપી છે. હવે દેશ-વિશ્વની અલગ અલગ યુનિવર્સિટીમાં તેઓ વિઝિટિંગ પ્રોફેસર છે. આ સાથે મેનન લેખન કાર્ય પણ કરી રહ્યા છે. હાલમાં તેમનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકનું નામ છે : “ઇન્ડિયા એન્ડ એશિયન જિઓપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેસેન્ટ, 2021” આ અગાઉ પણ મેનન વિખ્યાત થયેલું “ચોઈસીસ : ઇનસાઇડ ધ મેકિંગ ઑફ ફોરેન પોલિસી” નામનું પુસ્તક લખી ચૂક્યા છે. દેશની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રિય સંબંધો અંગે તેમના જ્ઞાન-અનુભવ અદ્વિતિય છે. મેનન જે લખે-બોલે છે તેની નોંધ રાજકીય આગેવાનોથી માંડિને સ્કોલરો સુધ્ધા લે છે. 2010માં ‘ફોરેન પોલિસી’ મેગેઝિન દ્વારા વિશ્વના ‘100 ગ્લોબલ થિન્કર્સ’માં તેમની ગણના કરવામાં આવી હતી. હાલમાં પ્રકાશિત થયેલાં તેમના પુસ્તક વિશે તેમણે અલગ-અલગ જગ્યાએ ઇન્ટર્વ્યૂ આપ્યા છે. તેમાંથી કેટલીક ખૂબ અગત્યની બાબતો તારવીને અહીં મૂકી છે.
શિવશંકર મેનનનો એશિયા વિશેનો અભ્યાસ વિશેષ રહ્યો છે. એશિયાને તેઓ કેવી રીતે જુએ છે. ઐતિહાસિક અને વર્તમાન સંદર્ભે એશિયાનું જે બહુવિધ સ્વરૂપ છે તેનું ચિત્ર તેઓ કેવી રીતે આલેખે છે. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું : “તમે ઐતિહાસિક રીતે એશિયાને એક જ ક્ષેત્ર તરીકે જુઓ ત્યારે તેમાં હંમેશા રાજકીય અને સુરક્ષાની દૃષ્ટિએ બે કે ત્રણ દુનિયા સમાયેલી છે તેવું જોઈ શકશો. જોકે એશિયામાં જ સમાયેલી આ બે-ત્રણ દુનિયા હંમેશા અરસપરસ વેપાર, સંવાદ અને વિચારની આપ-લે કરતાં રહ્યાં છે. વિચારોની આપ-લે ધાર્મિક, વિજ્ઞાન અને ટેક્નોલોજી સંબંધે થતી રહી છે. અને આ દેશોના લોકોનો અરસપરસ પ્રવાસ પણ થતો રહ્યો છે. પૂર્વીય એશિયા તરફ જઈએ તો તેનું કેન્દ્ર ચીન રહ્યું છે, જે તેના વિવિધતાભર્યા સંસ્કૃતિને આભારી છે. બીજી દુનિયા ભારતીય મહાસાગરની આસપાસની છે, જેનું કેન્દ્ર ભારત છે. જ્યાંથી જ બૌદ્ધ ધર્મ સર્વત્ર પ્રસર્યો અને ઇસ્લામ પણ ભારતથી જ થઈને દક્ષિણ પૂર્વીય એશિયા સુધી પહોંચ્યો. તે પછીનું કેન્દ્ર આવે છે પશ્ચિમ એશિયા, જ્યાં પર્શીયન(વર્તમાન ઇરાન) લાંબા સમય સુધી સર્વ સત્તાધારી રહ્યું છે. તેમાં સમયાંતરે ઇજિપ્ત, તુર્કી પણ સત્તાનું કેન્દ્ર રહ્યા. હવે પશ્ચિમ એશિયાનું પાવર સેન્ટર ઇઝરાયલ છે. આ તમામ ક્ષેત્ર એકબીજા સાથે સકારાત્મક રીતે આદાનપ્રદાન કરતા રહ્યા. બસ માત્ર મોંગલ આ ક્ષેત્રમાં વેગળા રહ્યા છે, જેઓ પેસિફિક માર્ગે હંગેરીના મેદાન સુધી પહોંચ્યા. ગ્લોબલાઇઝેશનની આ પ્રથમ વેવ હતી તેવું કહી શકાય.”
“પ્રથમ વિશ્વયુદ્ધના થોડાક વખત અગાઉ જ ગ્લોબલાઈઝેશનનો બીજો ફેઝ આવ્યો હતો. આ ફેઝમાં અંગ્રેજો વિશ્વભરમાંથી વેપાર કરવા નીકળ્યા. ઇ.સ. 1750 અગાઉ એશિયાનો જીડીપી વિશ્વભરમાં ત્રીજા ભાગની હતી. પરંતુ પછીથી 18 અને 19મી સદીમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને એશિયા યુરોપીય શાસકોનો એક હિસ્સો બન્યું. સ્વાભાવિક છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી એશિયાને જંગી નુકસાન ભોગવવું પડ્યું.
“પછીથી મોટું પરિવર્તન બીજા વિશ્વયુદ્ધ બાદ આવ્યું. જ્યારે મોટા ભાગના દેશોએ ફરી આઝાદી મેળવી અને તેમના હાથમાં શાસન આવ્યું. આ રીતે ભારત, ચીન સહિત એશિયા-આફ્રિકામાં ડિકોનલાઇઝેનની પ્રક્રિયા થઈ. ડિકોનાઇલેઝન મતલબ કે અંગ્રેજોનો તપતો સૂરજ ઢળવા માંડ્યો. અંતે વીસમી સદીમાં આપણે એક એવા વિશ્વમાં આવી પહોંચ્યા જ્યાં મહદંશે દેશ પોતાની રીતે સાર્વભૌમ બન્યા. તેમાં તમામ દેશો સમાન બન્યા, જોકે વ્યવહારુ રીતે જોઈએ તો આર્થિક અને સુરક્ષાના મામલે સમાનતા આવી નથી.
“એશિયાને આજે તમે સૌથી મોંઘા ક્ષેત્ર તરીકે ગણાવી શકો, જોકે પૂર્વીય એશિયા, પશ્ચિમ એશિયા અને હિંદ મહાસાગરનો હિસ્સામાં સ્થાનિક શક્તિ કેન્દ્રિત થઈ છે. આજે એશિયાને વ્યાખ્યાયિત કરવા તેને મિશ્ર અને રસપ્રદ રીતે જોઈએ છીએ. મને યાદ છે કે 1960માં અમેરિકામાં હું જ્યારે એશિયા વિશે વાત કરતો ત્યારે મહદંશે લોકો તેને લોકો વિયેતનામ જ સમજતા. મારું પુસ્તક આ ખ્યાલ કેવી રીતે પરિવર્તિત થયો તે દર્શાવે છે.
એશિયા અંગેની આ દૃષ્ટિ શિવશંકર મેનને મૂકી આપી છે. આ બધી જ વાતો છૂટીછવાઈ આપણી સમક્ષ આવી છે, પણ મેનન તેને ટૂંકમાં મૂકી આપી છે. આગળ આઝાદી પછી ભારત કેવી રીતે વિશ્વ ફલક પર આવ્યું અને જવાહરલાલ નેહરુની નીતિ, પછીથી દેશની ‘રણનીતિ ઘડવાની સ્વાયતત્તા’ વિશે મેનનને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે : “હું એવું માનું છું કે રણનીતિ ઘડવાની આજે જે સ્વાયત્તતા મળી છે તે 21મી સદીની બિનજોડાણવાદી નીતિ જ છે. દેશ તરીકે રણનીતિ ઘડવાની જે આઝાદી છે તેમાં કોઈ અન્ય તમારા માટે નિર્ણય લેતા નથી. આવું આપણે કરી શક્યા તે આપણી ભૂ-રાજકીય સ્થિતિને આભારી છે. ઘણા એવું માને છે કે ભારતની આ સ્થિતિ અપવાદ છે, બીજું કશું નથી. પણ મારા પુસ્તક મુજબ આ પડકાર કે શરત નથી. વિશ્વની પરવા કર્યા વિના જ આપણે એકલા આગળ વધીએ તેમ શક્ય નહોતું. આજે આપણે વિશ્વના એક અભિન્ન હિસ્સો બન્યા છીએ. અને આ જ કારણે આપણી સમૃદ્ધી અને સુરક્ષા પર તેની ખૂબ મોટી અસર થઈ છે. ખરેખર તો હવે આપણે વિશ્વ પર વધુને વધુ આધારીત બન્યા છીએ.”
મેનન મુજબ : “દેશ તરીકે નસીબદાર પણ રહ્યા છીએ કે આપણને સારાં સહયોગી મળ્યા છે. છેલ્લા 30 વર્ષમાં આપણા સંબંધો અમેરિકા સાથે સુમેળભર્યા થયા છે. અમેરિકા સાથે સંબંધના પરિણામે ભારતમાં આવેલા લાંબા ગાળાના પરિવર્તનો જોઈ શકાય છે, જેની શરૂઆત 1960-70ના દાયકામાં હરિત ક્રાંતિથી થઈ. અમેરિકાના ટેક્નોલોજીના કારણે જ ભારત પોતાના બીજ અને ખાતરમાં સુધાર લાવી શક્યું જે કારણે આજે આપણા લોકો માટે બે ટંકનું અનાજ પકવી શકીએ છીએ. અને તે કારણે ભારત અમેરિકા વધુ નજીક આવ્યા છે.”
“એ જ પ્રમાણે રશિયા પણ આપણું સહયોગી રહ્યું છે. એ રીતે ઇરાન સાથે પણ આપણે સારી રીતે કામ પાર પાડ્યું. આ બધું જ બિનજોડાણવાદી નીતિ અથવા તો “રણનીતિ ઘડવાની સ્વાયત્તતા”ને આભારી છે. મારા દૃષ્ટિકોણ મુજબ તો આ રીતની બહુઆયામી નીતિગત વલણથી આપણે જુદા જુદા સહયોગી સાથે સારી રીતે સંબંધ રાખ્યા છે. આ વિકલ્પ હંમેશા સરળ નહોતો. હવે સ્થિતિ વધુ પડકારભરી બની રહી છે. જોકે હજુ પણ આપણી ભૌગોલિક સ્થિતિ, ઇતિહાસ અને હાલના વિકાસના કારણે તેનાથી સ્થિતિ સારી બની છે.”
દેશના ભાગલા સંદર્ભે મેનનનું કહેવું છે કે : “ભાગલા પછી તુરંત બે પરિણામ આવ્યા. એક તો પાકિસ્તાનના જન્મના કારણે ભારતનો મધ્ય અને પશ્ચિમ એશિયા સાથેનો સંપર્ક તૂટી ગયો. સાથે સાથે હિંદ મહાસાગરમાંથી બ્રિટિશ નૌકાદળ પાછું હટ્યું તો તેનાથી પશ્ચિમી દરિયાઈ માર્ગ અસુરક્ષિત થઈ ગયો. આજ કારણે ભારતની ભૂ-રાજકીય સ્થિતિ પાયાથી બદલાઈ ગઈ.”
પશ્ચિમ એશિયા અને ખાસ કરીને ઇરાન સાથેના સંબંધ અંગે મેનનનું કહેવું છે : “પશ્ચિમ એશિયા સાથેનો આપણો સંબંધ સારો રાખવો જરૂરી છે, કારણ કે ભારતની ઇંધણની 60 ટકાની આપૂર્તિ ત્યાંથી જ થાય છે. અને જ્યારે જ્યારે ત્યાં પશ્ચિમ એશિયામાં અરાજકતા વ્યાપી છે ત્યારે તેની અસર ભારતમાં ભયંકર જોવા મળી છે. એટલે પશ્ચિમ એશિયા જેટલું સ્થિર અને શાંત રહે તે ભારતના હિતમાં છે. આ ઉપરાંત સિત્તેર લાખ જેટલાં ભારતીયો પશ્ચિમ એશિયામાં કામ કરી રહ્યા છે તે કારણે પણ ત્યાંની શાંતિ-સ્થિરતા જરૂરી છે. ઇવન, આપણે અફઘાનિસ્તાનનો દ્વાર પણ ઇરાનમાંથી જ પસાર થાય છે.”
શિવશંકર મેનને “ઇન્ડિયા એન્ડ એશિયન જિઓપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેસેન્ટ, 2021” પુસ્તકમાં આ સિવાયની પણ અનેક આવી રસપ્રદ વાતો કરી છે, જેનાથી ભારતનો પાડોશી દેશોના સંબંધ સમજી શકાય.