કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઉદ્યોગસાહસિકો આમ તો પોતાનું કામ શાંતિથી કોઈ અડચણ વિના થાય તે માટે સતત પ્રયાસ કરતા હોય છે. પોતાનું નામ વિવાદમાં ન આવે તે અંગે ઉદ્યોગસાહસિક સજાગ રહે છે અને ઘણાં કિસ્સામાં તેઓ વિવાદમાં ન સપડાય તે માટે ઘણાં બિઝનેસથી પણ વેગળા રહે છે. પરંતુ અદાણીના (Adani) કિસ્સામાં જાણે આ બિઝનેસ ફન્ડા લાગુ ન પડતો હોય તેમ છે. અદાણીના નામે અવારનવાર કોઈને કોઈ વિવાદ ઊભો થાય છે. અદાણી જ્યારથી જાયન્ટ બન્યા છે ત્યારથી તેમના નામ સમયાંતરે વિવાદ છેડાય અને પછી થોડા સમય સુધી અખબાર-ટીવી ચેનલોમાં તે અંગે ખૂબ સમાચારો પણ આવે. આ વખતે તેમના નામે જે વિવાદ છે તેની ચર્ચા ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ થઈ રહી છે. અમેરિકાનું મીડિયા અત્યારે અદાણી…અદાણી….કરી રહ્યું છે. મૂળ વાત ત્યારથી શરૂ થાય છે જ્યારથી અદાણી કંપનીએ (Adani Company) સોલર પાવર એનર્જીમાં મસમોટું રોકાણ કર્યું. સોલર પાવર એનર્જીથી વીજળી જનરેટ થવાની હતી અને આ વીજળી અદાણીની કંપની ભારત સરકારની જાહેર સાહસ કંપની ‘સોલર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા’[SECI]ને વેચવાની હતી. અદાણી સાથે ‘SECI’ને વીજળી વેચનારી કંપનીઓમાં એક અન્ય કંપની એજ્યોર પાવર છે. આ એજ્યોર પાવરનો બિઝનેસ પણ સોલર એનર્જી આધારીત છે. એજ્યોર કંપનીના મૂળીયા ભારતમાં છે, પણ આ કંપનીમાં કેનેડાની અન્ય એક કંપની જેનું નામ –સીડીપીક્યૂ- છે તેણે પોતાનો હિસ્સો રાખ્યો છે. એજ્યોરમાં આ હિસ્સો હાલમાં પચાસ ટકા ઉપર પહોંચ્યો છે. ટૂંકમાં અદાણી અને એજ્યોરની પાવર કંપનીઓએ ‘SECI’ને વીજળી વેચવાની હતી અને ‘SECI’ તે વીજળી દેશના જુદા જુદા રાજ્યના વીજળી વિભાગોને વેચાણમાં આપત. આ રીતે અદાણી-એજ્યોરનો ધંધો ચાલવાનો હતો. પણ પાંચેક વર્ષ પાછળ જઈએ તો ‘SECI’ પાસેથી અન્ય રાજ્યો કે રાજ્યોના વીજળી વિભાગો વીજળી ખરીદવા તૈયાર નહોતા. ‘SECI’નો ચાર્જ યુનિટ દીઠ વધુ હતો, તેથી રાજ્યો અન્ય વિકલ્પ પસંદ કર્યા હતા. આટલે સુધી જે થયું તેનાથી સ્વાભાવિક છે કે અદાણી-એજ્યોરને નુકસાન જવાનું હતું, કારણ કે જો અદાણી પાસે ‘SECI’ વીજળી ન ખરીદે તો જનરેટ થતી વીજળીમાં ખોટ જાય એમ હતી.
અદાણી-એજ્યોરને આ ખોટ ન જાય તે માટે આ બંને કંપનીએ સરકારી અધિકારીઓને લાંચ આપવા માટે મીટીંગો કરી. આ મીટીંગ કરવામાં ખુદ ગૌતમ અદાણી સુધ્ધા સામેલ હતા. એવું કહેવાય છે કે આ લાંચની રકમ 2236 કરોડ સુધી આપવાના વાયદા થયા હતા. આ બધું જ આયોજનબદ્ધ રીતે થયું અને 2020થી 2024 સુધી આ રીતે લાંચ આપવાના વાયદાના પરિણામે આંધ્ર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, તમિલનાડુ સરકાર દ્વારા ‘SECI’ની સાથે વીજળી લેવાના કરાર પણ થયા. આ ગોઠવણ થયા બાદ અદાણી-એજ્યોર કંપનીએ ‘SECI’ને વીજળી વેચવાનો કરાર પણ કર્યો હતો. હવે આ પૂરા કિસ્સામાં માત્ર અદાણી સાથે આઠેક અન્ય પણ આરોપી છે; તેમાંના એક ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી પણ છે. સાગર અદાણીના ફોનમાં ‘બ્રાઇબ નોટ્સ’ લખાઈ હતી અને તેમાં કયા અધિકારીને કેટલાં નાણાં ચૂકવવાના છે અને તેની જવાબદારી શું રહેશે તે પણ નોંધવામાં આવ્યું હતું. અદાણી-એજ્યોરના પ્લાનિંગ મુજબ બધું થયું એટલે સરકારી અધિકારીઓને લાંચની રકમ આપવાની વાત આવી. આમાં કેટલોક હિસ્સો એજ્યોરને પણ આપવાનો હતો. એજ્યોરમાં પચાસ ટકાથી વધુ રોકાણ કેનેડાની –સીડીપીક્યૂ-નું છે એટલે તે કંપનીના અધિકારીઓને પણ તેની જાણ કરવામાં આવી. હવે અહીંથી આખો મુદ્દો અમેરિકા સાથે જોડાયો. સીડીપીક્યૂ કંપની અમેરિકાની શેર બજારમાં લિસ્ટિંગ થયેલી કંપની છે અને જેમ આપણે ત્યાં ‘સેબી’ શેર બજાર પર નજર રાખે છે તેમ અમેરિકાના શેર બજાર પર ‘સિક્યોરિટી એક્ચેંજ કમિશન’ નજર રાખે છે. હવે અહીંયા આમ તો અમેરિકાના ‘સિક્યોરિટી એક્ચેંજ કમિશન’ દ્વારા માત્ર કેનેડાની મૂળ કંપની –સીડીપીક્યૂ- પર નજર રાખવાની હતી, જેનું લિસ્ટિંગ અમેરિકાના શેર બજારમાં થયેલું છે. પરંતુ સીડીપીક્યૂની તપાસનો રેલો છેક એજ્યોર કંપની સુધી પહોંચ્યો. એજ્યોરે અદાણી સાથે લાંચ આપવાની જે ડીલ કરી હતી તે વાત પણ આ સાથે પ્રકાશમાં આવી.
એજ્યોરના પદાધિકારીઓ આ પૂરી તપાસમાં એવું લાગવા માંડ્યું કે તેમના બિઝનેસ આમાં ડૂબી જશે, એટલે એજ્યોરે કંપનીમાં ઇન્ટરનલ તપાસ આદરી અને લાંચની બાબતનો બધો દોષનો ટોપલો અદાણી ગ્રૂપ પર નાંખી દીધો. આ ઇન્ટરનલ તપાસમાં એજ્યોરે પોતાના તરફથી લાંચ પ્રકરણમાં સામેલગીરી હોવાના બધા જ પુરાવા નષ્ટ કરી દીધા. જેમ કે, ઇ-મેઇલ અથવા ફોનની ડિટેઇલ્સ. આ રીતે અજ્યોર કંપની તો અમેરિકામાં ટારગેટ પર આવી, તે સાથે અદાણી કંપનીમાં પણ અમેરિકાના અનેક નાગરિકોના નાણાં લાગેલા છે. એ રાહે અદાણી પર પણ અમેરિકામાં પોતાના રોકાણકારોને છેતરવાનો આરોપ લાગ્યો. અત્યારે આ મામલો આરોપ-પ્રત્યારોપ પર આવીને ઊભો છે. હવે તેમાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું. પરંતુ હજુ અનેક કાયદા નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા આ રીતે અદાણીને નોટિસ આપી ન શકે. જોકે આ પૂરા કિસ્સામાં અદાણી કંપની પર રોકાણકારોને અવિશ્વાસ વધ્યો છે અને કંપનીના શેર પણ તૂટ્યા હતા.
અદાણીના લાંચ પ્રકરણની આ વાત દુનિયાભરમાં પ્રસરી અને તે કારણે બાંગ્લાદેશ અને કેન્યાની સરકારે અદાણી સાથેના તમામ પ્રોજેક્ટને તત્પૂરતા અટકાવી દીધા છે. એ રીતે અદાણી કંપનીને પ્રતિષ્ઠાની રીતે મસમોટું નુકસાન ગયું છે. આ અગાઉ પણ ઑસ્ટ્રેલિયામાં કોળસાની ખાણ ખરીદવાને લઈને અદાણી જૂથ પર માછલા ધોવાઈ ચૂક્યા છે. 2014માં ઑસ્ટ્રેલિયન સરકારે અદાણી ગ્રૂપને ક્વિન્સલેન્ડ નામની જગ્યા પર કોલસાનું ખનન કરવાની પરવાનગી મળી હતી. આ પરવાનગીને અમલમાં મૂકતા મૂકતા 2021નું વર્ષ આવી ગયું, તેનું કારણ એટલું જ કે આ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રૂપને કોઈ પણ બેન્ક લોન આપવા તૈયાર નહોતી. ક્વિન્સલેન્ડમાં કોલસા ખનન પ્રવૃત્તિથી પર્યાવરણને વ્યાપક નુકસાનની ભીતિ હતી અને તે કારણે ઑસ્ટ્રેલિયામાં અદાણી ગ્રૂપનો જોરશોરથી વિરોધ થયો. આખરે ઑસ્ટ્રેલિયામાં અદાણી ગ્રૂપની સબસિડરી કંપની બ્રેવસ માઇનિંગ એન્ડ રિસોર્સિસ નામે લોન્ચ થઈ અને તે નામ હેઠળ કામ શરૂ કર્યું. આજે આ કંપની હેઠળ મહદંશે ઑસ્ટ્રેલિયન નાગરિક અદાણી માટે કામ કરી રહ્યા છે. આ કંપનીની વેબસાઇટ પર જઈને જોઈએ તો એવું લાગે કે અદાણી ગ્રૂપ ક્વિન્સલેન્ડમાંથી કોલસો કાઢીને ઑસ્ટ્રેલિયાના નાગરિકોની સુખાકારી વધારી રહી છે.
2007માં અદાણી કંપનીના જે રીતે શેર બજારમાં ખરીદ-વેચાણની પ્રવૃત્તિ કરતી હતી તેના પર ‘સેબી’ દ્વારા બે વર્ષ રોક લગાવવામાં આવી હતી. આ કૌભાંડમાં કેતન પારેખ પણ સામેલ હતા. આખરે અદાણી ગ્રૂપે દોઢ લાખ ડોલરનો દંડ ભર્યો તે પછી તેઓને ફરી પાછી શેર બજારમાં ખરીદ-વેચાણ અંગે મુક્તિ આપવામાં આવી. વિવાદનું આ ચક્ર 2010માં અદાણી એન્ટરપ્રાઇઝના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી પર વિંટળાયું હતું. રાજેશ અદાણી પર આરોપ હતો કે તેમણે કસ્ટમ ડ્યૂટીના એંસી લાખ ચૂકવ્યા નથી. આ અંગે રાજેશ અદાણી પર સીબીઆઈની તપાસ પણ થઈ હતી. અદાણી ગ્રૂપના નામે એ રીતે સ્વીસ બેન્કમાં અકાઉન્ટની વિગત આવી હતી. આ ખાતામાં રહેલાં કાળા નાણાંની તપસા થયા પછી તે તમામ ખાતાને સિલ કરવામાં આવ્યા હતા.
મોટી મોટી કંપનીઓ નીચે આવા તો અનેક રહસ્ય દબાયેલા હોય છે; જે કારણે તેનો ગ્રોથ રોકેટગતિએ થયો હોય. અદાણી ગ્રૂપને હજુ તો સાડા ત્રણ દાયકા થયા છે અને આજે આ કંપની દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડી રહી છે. પરંતુ તેની પૃષ્ઠભૂમિમાં વિવાદ જોઈએ તો ખ્યાલ આવે કે અદાણી ગ્રૂપની સરકાર સાથેના સારાસારી સિવાય આ શક્ય નથી. 2018માં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ઇઝરાયેલની મુખ્ય શસ્ત્ર નિર્માણ કંપની એબિટ સિસ્ટમ્સ તરફથી 900 મિલિટરી ડ્રોન સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે 2024માં સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના શસ્ત્ર પ્રતિબંધ પર મત આપવાનો થયો ત્યારે ભારત સરકારના પ્રતિનિધિ ગેરહાજર રહ્યા હતા. મિલિટરી ડ્રોન સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ સંદર્ભે ભારત સરકારના પ્રતિનિધિ ઉપસ્થિત ન રહ્યા તેવી વાતો પછી મીડિયામાં પ્રસરી હતી. એનડીટીવી ખરીદવા અંગે પણ અદાણી ગ્રૂપ વિવાદમાં સપડાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ગૌતમ અદાણીની દોસ્તીનો પણ ઉલ્લેખ અવારનવાર મીડિયામાં થાય છે. આમ અદાણી ગ્રૂપનો ગ્રાફ જેમ જેમ ઉપર જઈ રહ્યો છે આ કંપનીના વિવાદનું વર્તુળ પણ વધી રહ્યું છે. ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપનો પ્રોફાઇલ જોઈએ તો ખ્યાલ આવે કે સરકાર અને કંપનીઓની મિલિભગતથી સામાન્ય લોકો કેટલાં અજાણ હોય છે અને કંપનીના નફા માટે દેશની કુદરતી સંપત્તિની કેવી રીતે ઘોર ખોદાય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796