કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં સ્પોર્ટસ (Sports) બજાર બની ચૂક્યું છે અને હવે તે બજારમાં ખેલાડીઓ નિવૃત્તિ પછી તુરંત પ્રવેશી રહ્યા છે. હાલમાં થોડા સમય અગાઉ બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ (P V Sindhu) દક્ષિણ ભારતના શહેર વિશાખાપટ્ટનમ ખાતે પોતાની બેડમેન્ટનની એકેડેમી શરૂ કરી છે. એકેડમી શરૂ કરવી, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચાડવું અને તેમાંથી નિયમિત રીતે વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ તૈયાર કરવા તે તમામ પડકારને ઝીલવા માટે પી. વી. સિંધુએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પણ સહાય મેળવી છે. આ પૂરો મુદ્દો રાજકીય થયો અને તે કારણે પી. વી. સિંધુના એકેડેમીનો વિરોધ પણ થયો. સ્થાનિકોની માંગણી હતી કે પી. વી. સિંધુની એકેડેમી નિર્માણ પામી રહી છે ત્યાં શાળા અને કૉલેજ બનવી જોઈએ. જોકે હવે પી. વી. સિંધુની એકેડેમીનું નિર્માણ કાર્ય આરંભાઈ ચૂક્યું છે અને તેના પર પ્રારંભિક સ્તરે દસ કરોડ રૂપિયા ખર્ચાવાના છે. અત્યાર સુધી બેન્ડમિન્ટનના ક્ષેત્રમાં જાણીતી એકેડેમીમાં ‘પુલેલા ગોપીચંદ બેન્ડમિન્ટન ફાઉન્ડેશન’નું પણ નામ દેવાય છે. હૈદરાબાદમાં આવેલી આ એકેડેમીની સ્થાપના 2008માં થઈ હતી. એકેડેમીના કર્તાહર્તા પુલેલા ગોપીચંદ (Pullela Gopichand) છે અને તેમની ઇન્ટરનેશનલ કારકિર્દી ટૂંકી રહી હતી. કારકિર્દીમાં અનેક ઇજાઓથી ગ્રસ્ત રહેલા પુલેલાએ માત્ર 34 વર્ષે આ એકેડેમીના સ્થાપના કરી દીધી હતી. આ એકેડેમીમાંથી સાઇના નેહવાલ, પી. વી. સિંધુ, શ્રીકાંથ કિદાંબી, પરુપલ્લી કશ્યપ, સાઇ પ્રણીથ અને સમીર વર્મા જેવાં આંતરરાષ્ટ્રિય કક્ષાના ખેલાડીઓ આવ્યાં છે. પુલેલા ગોપીચંદ એકેડેમીમાં આઠ કોર્ટ છે, સ્વિમિંગ પુલ છે, ટ્રેનિંગ રૂમ છે અને કાફેટેરીયા પણ છે. આ એકેડેમીમાંથી તૈયાર થયેલાં ખેલાડીઓએ ત્રણ ઓલિમ્પિક મેડલ જીત્યાં છે. ચાર વર્લ્ડ ચેમ્પિયશીપમાં જીત મેળવી છે અને અન્ય 15 જેટલી ટુર્નામેન્ટમાં અહીંના ખેલાડીઓ ટાઇટલ્સ મેળવ્યા છે.

બેડમિન્ટનમાં આ ઉપરાંત જાણીતી એકેડેમીમાં ‘પ્રકાશ પાદુકેણે બેડમિન્ટન એકેડેમી’[પીપીબીએ] છે. દેશની સૌથી પહેલીવહેલી એકેડેમીમાં તેનું સ્થાન છે. 1994માં તેની સ્થાપના થઈ હતી અને તેને કેન્દ્ર સરકારના રમતમતગ મંત્રાલય દ્વારા માન્યતા આપવામાં આવી છે. ‘પીપીબીએ’ ખેલાડીઓને નિવાસી ટ્રેનિંગ આપે છે અને તેનો ઉદ્દેશ લાંબા સમય સુધી ટ્રેનિંગ આપીને આંતરાષ્ટ્રિય ખેલાડીઓ તૈયાર કરવાનો છે. ‘પીપીબીએ’ના પાર્ટનરમાં ‘ઇન્ફોસિસ’, ‘સનરાઇઝ’ અને ‘યોનેક્સ’ જેવી જગવિખ્યાત કંપનીઓ છે. પ્રકાશ પાદુકોણેના નામથી ચાલતી આ એકેડેમીએ તેની કોચિંગની શાખ છેલ્લા ત્રીસ વર્ષથી ટકાવી રાખી છે. દેશ-દુનિયામાં આ ટ્રેનિંગ સેન્ટરનું નામ છે. પ્રકાશ પાદુકોણે એંસીના દાયકામાં દુનિયાના નંબર વન બેટમિન્ટન પ્લેયર રહી ચૂકયા છે. તદ્ઉપરાંત ભારતમાં ઓલિમ્પિક પ્રત્યે જાગ્રતતા લાવવામાં પણ તેમની ભૂમિકા અગત્યની છે. પ્રકાશ પાદુકોણે એકેડેમીનો દુનિયાભરના દેશો સાથે એક્ચેંજ કાર્યક્રમ ચાલે છે અને તેથી કેનેડા, મલેશિયા, સ્કોટલેન્ડ, ડેન્માર્ક અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાંથી અહીંયા ખેલાડીઓ આવે છે. હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ સિવાય ‘ગાંગુલી પ્રસાદ બેડમિન્ટન એકેડેમી’ પણ છે. ગાંગુલી દ્રોણાચાર્ય સન્માન મેળવનારા કોચ રહ્યા છે. તેમણે પુલેલા ગોપિચંદ, અપર્ણા પોપટ, નિખીલ કાનેટકર અને સનાવે થોમસ જેવાં ખેલાડીઓને તૈયાર કર્યા છે. બેડમિન્ટનની અન્ય આવી એકેડેમી હૈદરાબાદ અને બેંગ્લોરમાં છે.

દેશમાં અત્યારે અનેક સ્પોર્ટ્સમાં અવસર ખુલી રહ્યા છે. મહિલા બોક્સિંગમાં જેમણે દેશની છોકરીઓને પ્રેરણા પૂરી પાડી તે મણિપુરનાં મેરી કોમ છે. મેરી કોમ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં છ વાર ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યાં છે. એશિયન્સ ગેમ્સમાં બે વાર વિજેતા રહી અને એશિયન ચેમ્પિયનશીપમાં પાંચ વાર ગોલ્ડ મેડલ જીત્યાં છે. 42 વર્ષીય મેરી કોમ અનેક પડકારો ઝીલીને આંતરરાષ્ટ્રિય સ્તરે પહોંચ્યાં અને દેશનું નામ રોશન કર્યું. હવે તેણે પોતાની એકેડેમી શરૂ કરી છે. ઇમ્ફાલમાં આવેલી તેમનું એકેડેમીનું નામ ‘મેરી કોમ એકેડેમી’ છે. તેની વેબસાઇટ અત્યારે ખુલતી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ એકેડેમીમાં પ્રતિશાળી યુવાનોને ટ્રેનિંગ આપવાનો ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે. મણિપુર જેવાં રાજ્યમાંથી આવીને આંતરરાષ્ટ્રિય સ્તરે રમવું તે પડકારભર્યું છે. અહીંયા સ્થિતિ વધુ વિષમ છે અને અવસર ઝડપથી પ્રાપ્ત થતા નથી. પરંતુ મેરી કોમ એકેડેમીએ અહીંના બાળકો માટે બોક્સિંગની દુનિયા ખોલી આપી છે. બેશક, મેરી કોમની એકેડેમી પ્રોફીટ બેઝ્ડ નથી, પરંતુ અન્ય એકેડેમીમાં તેવાં દાવા થઈ શકતા નથી.

કેન્દ્ર સરકારનો કાર્યક્રમ ‘ખેલો ઇન્ડિયા’ અંતર્ગત દેશમાં અત્યારે 300 જેટલી એકેડેમી નોંધાયેલી છે. આ એકેડેમીને કેન્દ્ર સરકારે માન્યતા આપી છે. તેમાં ઉપર દર્શાવેલી તમામ એકેડેમી આવે છે. ઉપરાંત તીરંદાજી, એથ્લેટીક, બાસ્કેટબોલ, બોક્સિંગ, સાઇકલિંગ, ફૂટબોલ, હોકી, જુડો, કબ્બડી, શૂટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વેઇટ લિફ્ટિંગ અને કુસ્તી છે. રાજ્યવાર આ એકેડમીનો રેશિયો જોઈએ તો તેમાં હૈદરાબાદ, બેંગ્લોર અને પંજાબના શહેરો સૌથી ઉપર આવે છે. મહદંશે એકેડેમી દક્ષિણના રાજ્યો પાસે છે અને તે સિવાયની કેટલીક પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં છે. એકેડેમીની આ યાદી જોઈએ તો ખ્યાલ આવે કે ગુજરાતમાં હજુય સ્પોર્ટ્સને પ્રાધાન્ય અપાતું નથી. હજુ પણ જે રમતમાં વધુ પૈસા દેખાય છે તેવાં રમતની બોલબાલા આપણા રાજ્યમાં વધુ છે. જેમ કે ગુજરાતમાં ક્રિકેટની એકેડેમી અનેક જોવા મળે છે. ક્રિકેટમાં સૌથી રાજ્યની સૌથી નામી એકેડેમીમાં અત્યારે સ્થાન પામે છે તે ‘ક્રિકેટ એકેડેમી ઓફ પઠાણ્સ’ છે. આ એકેડેમી શરૂ કરનારા ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ છે. બંને ભાઈઓ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રિકેટનો અનુભવ લઈ ચૂક્યા છે અને હવે તો તેમણે દેશના અલગ-અલગ હિસ્સામાં એકેડેમીની શાખા ખોલી છે. ક્રિકેટનો અત્યારે ક્રેઝ જોતા પઠાણબંધુઓએ અત્યાર સુધી 15થી વધુ રાજ્યોમાં એકેડેમીની સ્થાપના કરી છે. દસ હજારથી વધુ ક્રિકેટર તેમના ત્યાં કોચિંગ લઈ ચૂક્યા છે – તેવો દાવો પઠાણ એકેડેમી કરે છે.

વિરેન્દ્ર સહેવાગે પણ પોતાની ક્રિકેટ એકેડેમી સ્થાપી છે. આ એકેડેમી 2011માં હરિયાણના ઝઝ્ઝર ખાતે નિર્માણ કરવામાં આવી હતી. અલગ-અલગ ઉંમર જૂથમાં અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે. ક્રિકેટ અત્યારે માત્ર રમત રહી નથી, બલકે તેમાં માનસિક રીતે વધુ સજ્જતા કેળવવી પડે છે તે માટે પણ સહેવાગની એકેડેમીમાં વિશેષ ટ્રેનિંગ સેશન ગોઠવવામાં આવે છે. વિરેન્દ્ર સહેવાગ પણ પોતાની એકેડેમી દિલ્હી, એનસીઆર અને દેશના અન્ય શહેરોમાં લઈ ગયા છે.

પ્રોફેશનલી આજે કોઈ પણ રમતમાં જવું હોય તો તે માટે આંતરરાષ્ટ્રિય સ્તરની ટ્રેનિંગ જરૂરી છે. તે માટે આ એકેડેમીમાં મસમોટાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર તૈયાર કરવામાં થાય છે. સાધનો વસાવવામાં આવે છે અને તે માટે સજ્જ કોચ પણ લાવવા પડે છે. આ બધાનો ખર્ચ કરોડોમાં પહોંચે ત્યારે સ્વાભાવિક કે એકેડેમીના સ્થાપક ટ્રેનિંગ લેવા આવનાર પાસે વળતર લે. આવું આખું ચક્ર જોઈએ તો તેમાં પછી એક નફાનું ગણિત બેસાડવું પડે, જેથી આવી એકેડેમીમાં વર્ષોના વર્ષો ખેલાડીઓ તૈયાર થાય. દેશના દિગ્ગજ બેટ્સમેન દિલીપ વેંગસરકરની પણ ‘વેંગસરકર ક્રિકેટ એકેડેમી’ છે. વેંગસરકર નિવૃત્તિ પછી નેશનલ સિલેક્ટર રહ્યા. ભારત વતી લાંબા ગાળા સુધી ક્રિકેટ રમનારા દિલીપ વેંગસરકરે નેવુંના ગાળા પછી પુણે અને મુંબઈમાં એકેડેમીની શરૂઆત કરી હતી. આજે તેમના એકેડેમીના સેન્ટર અનેક જગ્યાએ છે. ઉપરાંત, તેમની એકેડેમી હવે ઓનલાઈન પણ ક્રિકેટ કોચિંગ કરાવે છે. સ્વાભાવિક છે કે ગ્રાઉન્ડ પરની રમતને ઓનલાઈન સાથે કંઈ લેવાદેવા ન હોય, તેમ છતાં તેનાથી માર્ગદર્શન તો મળે જ છે. ભારતના પૂર્વ ક્રિકેટર મદનલાલ પણ એ રીતે પોતાની એક અલાયદી એકેડેમી ચલાવે છે, જેનું નામ ‘મદનલાલ ક્રિકેટ એકેડેમી’ છે. મદનલાલ વેબસાઇટ પર વિગતે બધી જ માહિતી આપવામાં આવી છે. આ એકેડેમી દિલ્હીમાં આવેલી છે અને તેમાં સ્કૂલ બેઝ્ડ કોચિંગ અને વ્યક્તિગત કોચિંગના વિકલ્પ સુધ્ધા છે. મદનલાલ એકેડેમીમાં ફીનો દર 6000 દર્શાવાયો છે, જેમાં સમર કેમ્પમાં એક મહિનાનું કોચિંગ આપવામાં આવે છે. મહદંશે ક્રિકેટ કોચિંગની આટલી ફી ચૂકવાય છે. તદ્ઉપરાંત તેમાં કિટ લાવવાનો ખર્ચ ઉમેરીએ તો ક્રિકેટ જેવી રમતમાં પણ કોચિંગ માટે મસમોટી રકમ ખર્ચવી પડે છે.

દેશમાં અનેક આવી એકેડેમી છે અને તેમાં આંતરરાષ્ટ્રિય સ્તરે રમી ચૂકેલા ખેલાડીઓ સાહસ કરી રહ્યા છે. ફૂટબોલમાં ‘ભાઇચંગ ભૂટિયાની ફૂટબોલ એકેડેમી’ છે. તેનું એક સેન્ટર અમદાવાદમાં પણ છે અને તેની મહિનાની ફી બે હજારની આસપાસ છે. દેશની દરેક એકેડેમીની માહિતી અહીં આપવી શક્ય નથી, પણ આ અહીંથી એક ખ્યાલ જરૂર આવી શકે કે દેશમાં કયા સ્પોર્ટ્સમાં બાળકો અને યુવાનો રસ લઈ રહ્યા છે અને સ્પોર્ટસ્ એકેડેમીના કલ્ચરથી હજુ ગુજરાત ઘણું છેટું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796