કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં કૌભાંડોને લઈને કોઈ આશ્ચર્ય નથી, પરંતુ કેટલાંક કૌભાંડો વર્ષો પછી પણ લોકોની સ્મૃતિમાં રહે છે. દેશમાં થયેલું આવું એક કૌભાંડ એટલે બોફાર્સ (Bofors scandal). 1980થી 90ના દાયકા વચ્ચે થયેલા આ કૌભાંડની વિગત એવી છે કે આ અરસામાં ભારત સરકાર દ્વારા સ્વીડનની શસ્ત્ર-નિર્માતા કંપની ‘એબી બોફોર્સ’ સાથે 1,437 કરોડ રૂપિયાનો સોદો થયો હતો. આ સોદા અંતર્ગત ભારતીય સૈન્યને 155 એમએમની 400 હોવિત્ઝર તોપ મળવાની હતી. આ સોદો થયો અને તેના થોડા દિવસમાં સ્વીડિશ રેડિયો પર એક સમાચાર વહેતા થયા કે આ સોદા માટે ભારતના નેતાઓ અને સૈન્ય અધિકારીઓને સાઠ કરોડ રૂપિયા લાંચ આપવામાં આવ્યા છે. તે પછી આ પૂરી ઘટનામાં તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીએ (Rajiv Gandhi) લોકસભામાં સ્પષ્ટતા કરવી પડી. સત્તા અને વિરોધ પક્ષના આગેવાનો દ્વારા તપાસ સમિતિ નીમવામાં આવી, જેને ‘સંયુક્ત સંસદીય સમિતિ’ કહેવામાં આવે છે. આ તપાસ સ્વીડન સુધી પહોંચી, તેનો અહેવાલ તૈયાર થયો અને સંસદમાં રજૂ કરવામાં આવ્યો. આ કૌભાંડ બહાર પડ્યા પછી થયેલા લોકસભાની ચૂંટણીમાં આખરે રાજીવ ગાંધીને વડા પ્રધાન પદ ગુમાવવું પડ્યું. બોફોર્સના કૌભાંડમાં પછીથી અનેક નામો ખૂલ્યા અને તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી સહિત અનેકનું નામ તેમાં ખરડાયું.

બોફોર્સ કૌભાંડમાં પછી તો એટલી બધી વિગત ખુલી કે તેના તાર એકબીજા સાથે જોડાતા ગયા અને પૂરેપૂરી ઘટનામાં વચ્ચેની અનેક કડીઓ હતી – સંભવત્ તેનો કોઈને ખ્યાલ નહીં હોય. એટલે હાલમાં આ કૌભાંડ બહાર પાડનારાં ચિત્રા સુબ્રમણિયમે તે અંગે ‘બોફોર્સ ગેટ : અ જર્નાલિસ્ટ્સ પર્સ્યૂટ ઑફ ધ ટ્રુથ’. બોફાર્સને લઈને લેખક ચિત્રા સુબ્રમણિયમ સત્ય સુધી પહોંચવાનો દાવો પુસ્તકમાં કરે છે. પહેલાં ચિત્રા સુબ્રમણિયમ કોણ હતા તે જાણી લઈએ. ચિત્રા સ્વિઝર્લેન્ડના જિનેવા સ્થિત ‘સીએસડી કન્સલ્ટીંગ’ નામે એક કંપનીના સ્થાપક છે. તેમની કંપની અંતર્ગત તેઓ પોતે સ્વાસ્થ્ય ક્ષેત્રે, વેપારનીતિ અને વિકાસના પગલાં લેવા અર્થે માર્ગદર્શન પૂરું પાડતા હતાં. આ કામની સાથે તેમનું પત્રકારત્વ પણ આગળ વધી રહ્યું હતું. અને આ દરમિયાન તેઓ સ્વીડનના રેડિયો માટે બોફોર્સ કૌભાંડની સ્ટોરી લઈને આવ્યાં અને તેનાથી પૂરા દેશમાં ખળભળાટ મચ્યો. આ પુસ્તકનું વિમોચન હાલમાં દિલ્હીમાં થયું હતું અને તેનું રિપોર્ટિંગ કેટલાંક અખબારોએ કર્યું છે. વિમોચન દરમિયાન ચિત્રાને કેટલાંક પ્રશ્નો પૂછાયાં. જેમ કે, તેમને પૂછાયેલાં એક પ્રશ્નના જવાબમાં તેઓ એવું કહે છે કે, ‘લાંબા સમય સુધી મને એમ લાગતું નહોતું કે રાજીવ ગાંધી આમાં સામેલ હોઈ શકે. તેઓ ‘મિ. ક્લિન’ ઇમેજ ધરાવતા હતા. અને તેમણે ભારતમાં ભ્રષ્ટાચાર મિટાવી દેવાનો દાવો કર્યો હતો. મારા માટે એ સ્વીકારવું ખૂબ અઘરું હતું કે તેઓ આમાં સામેલ હતા. તેઓને આટલી નાની રકમની શું જરૂરીયાત હોય?’ આ પૂરા કૌભાંડની તપાસ 2011માં દિલ્હી હાઈકોર્ટે બંધ કરાવી દીધી. તદ્ઉપરાંત 2012માં સ્વીડનના પોલીસ ચિફ સ્ટેન લિન્ડસ્ટોર્મ જેઓ આ કેસની તપાસ કરી રહ્યા હતા; તેમણે રાજીવ ગાંધીને ક્લિનચિટ આપી દીધી હતી. બોફોર્સમાં આખર સુધી શું થયું તેની કોઈ સ્પષ્ટતા અત્યાર સુધી થઈ નથી અથવા તો તે સ્પષ્ટ થાય તે માટે કોઈ વિગતવાર અહેવાલ નહોતો. બોફોર્સ કૌભાંડની સ્ટોરી બ્રેક કરનારાં લાવનારા ચિત્રા સુબ્રમણિયમે આ કામ ઉપાડ્યું અને હવે બોફાર્સ અંગેનું પુસ્તક પ્રકાશિત થયું છે.
ચિત્રા સુબ્રમણિયમે પુસ્તકના શરૂઆતમાં કૌભાંડનો ઘટનાક્રમ આપ્યો છે. 1979થી રક્ષા મંત્રાલય તોપ ખરીદવાની કવાયત શરૂ કરી અને તેના ભાગરૂપે સૈન્ય અધિકારી સ્વીડન અને અન્ય દેશોમાં ગયા. ઉપરાંત તેની ખરીદી માટે એક આખી સમિતિ તૈયાર કરવામાં આવી. જેમાં રક્ષા મંત્રાલય સંબંધિત અનેક અધિકારીઓ સામેલ થયા હતા. આ પુસ્તક લખવાની પૂર્વભૂમિકા બાંધ્યા પછી સૌથી પહેલો પ્રશ્ન ચિત્રા જે ઉઠાવે છે તેમાં તેઓ પોતાનું નિવાસી શહેર કેમ સ્વીઝર્લેન્ડનું જિનિવા રહ્યું, તે અંગે વાત કરે છે. તેઓ લખે છે : “હું મારા જીવનસાથીના માર્ગે ગઈ. જ્યારે હું માસ્ટર ઇન જર્નાલિઝમ માટે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ગઈ ત્યારે મારા મનમાં સ્પષ્ટતા નહોતી કે હું આ દેશમાં રહીશ કે નહીં. હું અનેક બાબતો માટે અમેરિકાની પ્રશંસા કરતી હતી. જેમ કે ટેકનોલોજી, જોખમ લેવાની તેમની ક્ષમતા અને હાર ન માનવાનું વલણ, જ્યારે પણ હું ‘સ્પેક્સએક્સ’ને લોન્ચ થતાં જોવું ત્યારે હું રડતી. જોકે હું હંમેશા યુરોપ તરફ જોતી રહી કારણ કે તે વધુ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતી જગ્યા હતી. મારા પિતા જેમની મારા વિચારવા પર વધુ અસર રહી તેઓ પણ બ્રિટનમાં ભણ્યા હતા. તેઓ યુરોપના આહાર અને ઇતિહાસને ખૂબ પસંદ કરતા. મારા માતા-પિતા યુદ્ધ પછીના જર્મનીમાં પણ વસ્યા. જ્યારે હું અમેરિકા ગઈ અને મેં જોયું કે ત્યાં કમ્પ્યૂટર પર કામ કરતા લોકો પિઝા સાથે દૂધ પિતા હતા. આ મારા માટે ખૂબ આશ્ચર્યજનક હતું.”
પોતાની વ્યક્તિગત માહિતી પછી તેઓ થોડાં આગળના પાનાં પર બોફોર્સની ઘટના પર આવે છે. આ વિશે તેઓ લખે છે : “પહેલી વાર બોફોર્સની ઘટના સામે ત્યારે આવી જ્યારે ઇન્ગ્વાર બ્રાટ નામના એન્જિયર કેટલાંક દસ્તાવેજ લઈ આવ્યો, જેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે બોફોર્સ કંપનીએ ગેરકાયદેસર માર્ગે કેવી રીતે પશ્ચિમ એશિયામાં એન્ટિ એરક્રાફ્ટ મિસાઈલો વેચી. જોકે તે પછી સ્વીડનના વિદેશ મંત્રાલયના વેપાર વિભાગના સેક્રેટરી કાર્લ જોહાન અબર્ગ રેડિયો પર સ્ટોરી બ્રેક થયા પછી એમ કહ્યું કે ભારત સાથે થયેલા સોદામાં કોઈ પણ વ્યક્તિ વચ્ચે નહોતો, ન તો કોઈને કમિશન આપવામાં આવ્યું છે.” સ્વીડન અને ભારત સરકાર દ્વારા તે દરમિયાન એવું વારંવાર કહેવામાં આવ્યું કે બોફોર્સમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. પરંતુ બહાર આવેલા દસ્તાવેજોમાં ચિત્ર વેગળું હતું, તેથી સૌને થતું કે આ પૂરા પ્રકરણમાં ખોટું કોણ બોલી રહ્યું છે. બોફોર્સ કંપની, સ્વીડન સરકાર કે ભારત સરકાર અથવા તો બધા જ.
આજે પણ બોફોર્સમાં આખરે શું થયું તેનો જવાબ આપી શકાતો નથી. આ કૌભાંડ અંગે અંગ્રેજી ભાષામાં અગાઉ ચિત્રા સુબ્રમણિયમે ‘બોફોર્સ : ધ સ્ટોરી બિહાઇન્ડ ધ ન્યૂઝ’ નામે એક પુસ્તક આપ્યું છે. ઉપરાંત જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે અને એક અન્ય લેખક બી.એમ. ઓઝા પણ આ વિષય પર પુસ્તક લખ્યા છે. જોકે તેમ છતાં બોફોર્સનું આખરી સત્ય હજુય સામે આવ્યું નથી. આ વિશે ‘લલ્લનટોપ’ પર પત્રકાર તવલીન સિંઘનો ઇન્ટરવ્યૂ છે; તેમાં તેઓ કહે છે કે, “લાંચના પૈસા મળ્યા છે, તે પૈસા સોનિયા ગાંધીના ગાઢ મિત્રોના સ્વિસ ખાતામાં ગયા. તે અંગેના બધા જ પુરાવા ચિત્રાએ શોધી કાઢ્યા છે. અને જ્યારે તેની તપાસ કરવામાં આવી, તો એવું કહેવામાં આવ્યું કે આ પૈસા તેમણે લીધા છે. આ પૈસાની વાત રાજીવ ગાંધી કે સોનિયા સુધી ન લઈ જવાય. જે ક્વોત્રોચી [મિડલમેન તરીકે કૌભાંડમાં આવેલું નામ] ખાદ્યની ફેક્ટરી ચલાવતો હતો, તો કોઈ શસ્ત્ર વેચવા માંગે છે તો તેમાં કોઈ ખાદ્યવાળો મિડલમેન કેવી રીતે આવી શકે.” આગળ તેઓ આ કેસના આખરના સત્ય વિશે કહે છે કે, ‘જો અટલ બિહારી વાજપેયી ઇચ્છત તો તેઓ તેના અંત સુધી વાત લઈ જઈ શકત. આવું તેમણે કેમ ન કર્યું તે હું જાહેરમાં ન કહી શકું.’ બોફોર્સનું સત્ય ખરેખર શું હતું સંભવત્ હવે ચિત્રા સુબ્રમણિયમના પુસ્તકમાંથી મળવું જોઈએ. જોકે ચિત્રાના આ પુસ્તકની નોંધ જેટલી લેવી જોઈએ તેટલી લેવામાં આવી નથી. એવું નથી કે બોફોર્સની વાત લોકોના સ્મૃતિમાંથી ભૂંસાઈ ગઈ છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ પૂરા વિષયમાં સત્ય રાજકીય ગલિયારામાં એટલું ધૂંધળું થઈ ચૂક્યું છે કે તેને તઢસ્થપણે ખુદ ચિત્રાએ પણ જોયું હશે કે નહીં તે સવાલ છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796