કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):ભારત-પાકિસ્તાનના હાલમાં ચાલી રહેલા તનાવગ્રસ્ત વાતાવરણમાં મીડિયામાં ઉન્માદ મચ્યો હતો. એક તરફ સરહદ પર તંગ વાતાવરણ હતું અને બીજી તરફ તેનાથી પણ વધુ ભીષણ સ્થિતિ ન્યૂઝ ટેલિવિઝન પર દેખાઈ રહી હતી. બીજા દિવસે આ ઉન્માદ કારણ વિનાનો હતો તેમ પુરવાર થયું. ભારત – પાકિસ્તાન વચ્ચેના તનાવગ્રસ્ત વાતાવરણનો લાભ મિડીયા અને બંન્ને દેશોની સરકાર ખૂબ લીધો. મિડીયા પોતાની ટીઆરપી વધારવામાં વ્યસ્ત રહ્યું. બંન્ને દેશોની સરકારો દ્વારા એવા દાવા કરવામાં આવ્યા કે તેઓનો હાથ યુદ્ધમાં ઉપર છે. આ માટે જે-તે દેશના નેતાઓને હિરો તરીકે રજૂ કરવામાં આવ્યા, સામેના દેશને વિલન તરીકે ચિતરવામાં આવ્યા. ખોટા દાવાઓ રજૂ કરીને યુદ્ધની અનિવાર્યતા અને યુદ્ધ તરફની લાગણીઓ પેદા કરવામાં આવી. વિજય સરઘસો કાઢવામાં આવ્યા, મોટા-મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા અને દુશ્મન દેશને કેવી રીતે ધૂળ ચાટતા કરી દેવામાં આવ્યા તેની વાતો વહેતી કરવામાં આવી. જ્યારે પણ યુદ્ધની સ્થિતિ પેદા થાય છે ત્યારે યુદ્ધમાં જોતરાનારાં દરેક દેશ-પક્ષ, સરકારો, રાજકારણીઓ, મિડીયા અને પ્રજા બધાના મંતવ્યો અને પક્ષ અલગ અલગ હોય છે. આવા સમયે ઘણીવાર રાજકીય નેતાઓ પોતાના મામલે સ્થિતિ રહે તે માટે ચોક્કસ પ્રકારની વાતો વહેતી કરે છે. જેને ‘પ્રોપાગન્ડા’ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રોપાગન્ડા આ વખતે પણ બંન્ને દેશો અને તેમના માધ્યમો તરફથી ચલાવવામાં આવ્યા. જેમાં મિડીયાની ભૂમિકા સક્રિય રહી હતી અને પ્રજા સામે એક ચોક્કસ વર્ઝન-પક્ષ મૂકીને ઉન્માદનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

પ્રથમ વિશ્વયુદ્ધથી આ દોર શરૂ થયો છે. એ વખતે લોકો અખબાર અને રેડિયો પર યુદ્ધના સમાચાર સાંભળતા હતા. આજે જ્યારે વિડિયો ટેક્નૉલોજી આટલી એડવાન્સ થઈ ચૂકી છે તેમ છતાં જો ન્યૂઝ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરી શકે છે; ત્યારે તો મીડિયા પાસે પ્રોપગેન્ડા ફેલવવા માટે મેદાન ખુલ્લું હતું. એ દરમિયાન બ્રિટનમાં કેટલાંક પોસ્ટર્સ એવાં બન્યા જેમાં યુદ્ધના પ્રોપગેન્ડામાં તમે યુદ્ધ દરમિયાન શું કર્યું? તે પ્રશ્ન ઉઠાવનારા હતા. જેમ કે, એક પોસ્ટર છે જેમાં બે બાળકો તેના પિતાને પૂછી રહ્યા છે : ‘ડેડી, વ્હોટ ડીડ યૂ ડુ ઇન ધ ગ્રેટ વૉર?’[ડેડી, તમે યુદ્ધ દરમિયાન શું કર્યું?]. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના અનેક દેશો તેમાં હોમાયલા હતા, તેથી શાસકો પોતાનો પક્ષ મજબૂત રીતે મૂકવા માટે એવાં વિભાગો ઉભા કર્યા હતા, જેમાં પ્રોપગેન્ડા થઈ શકે. બ્રિટનની તત્કાલિન કેબિનેટ દ્વારા એવો એક વિભાગ ઉભો કરવામાં આવ્યો હતો. 1917માં તેના પ્રમુખ તરીકે ઇતિહાસકાર જોન બુચાનનને મૂકવામાં આવ્યા હતા. આ વિભાગ અંતર્ગત અનેક પુસ્તકો, લિફલેટ અને મંત્રીઓના વક્તવ્યોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અને તેમાં સૌથી જે જાણીતું બન્યું તે બ્રિટિશ યુદ્ધ દરમિયાન આર્મીનું રિક્રૂટમેન્ટનું પોસ્ટર. તેમાં તત્કાલિન બ્રિટનના સેક્રેટરી ઑફ સ્ટેટ વૉરના લૉર્ડ કિચનરની તસવીર મૂકવામાં આવી હતી. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું : ‘બ્રિટન્સ, વૉન્ટ્સ યૂ – જોઈન યૉર કન્ટ્રીસ આર્મી’. યુરોપના દેશો તે વખતે જે રીતે યુદ્ધમાં ઉતરેલા હતા કે તેમને દરેક નાગરિક પાસેથી યુદ્ધમાં સહભાગિતાની અપેક્ષા હતી. આ માટે રીતસરનું આવું કેમ્પેઇન ચાલ્યું અને તેની અસર પણ જોવા મળી.

પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને પણ પોતાની છબિ ઉજળી રાખવા માટે ‘કમિટિ ઑફ પબ્લિક ઇન્ફોર્મેશન’ નામનો એક અલાયદો વિભાગ શરૂ કર્યો હતો. આ વિભાગના વડા જ્યોર્જ ક્રિલ હતા. જ્યોર્જ ક્રિલના વડપણ હેઠળ તેમનો વિભાગ અમેરિકાના એકેએક નાગરિક સુધી રાષ્ટ્રનો સંદેશ પહોંચાડ્યો હતો. આ માટે તેમણે અખબાર, સામયિક અને પેમ્ફલેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં ફિલ્મોના બ્રેક દરમિયાન ચાર મિનિટમાં હજારો વોલિયન્ટર્સ દેશભાવના જાગે અને યુદ્ધ વિશેના અમેરિકાના વલણની સ્પષ્ટતા કરતા હતા. જ્યોર્જ ક્રિલે તેમના પુસ્તક ‘હાઉ વી એડવર્ટાઇઝ્ડ અમેરિકા’માં લખ્યું છે કે આ યુદ્ધ માનવજાત માટે હતું. મતલબ કે તેઓ એ પ્રોપગેન્ડા સાબિત કરી શક્યા હતા. આ પ્રોપગેન્ડામાં દુશ્મન દેશો તરફથી આવતી માહિતીઓને રોકવા અર્થે જ્યોર્જ ક્રિલે પોસ્ટ ઓફિસ સાથે સંપર્ક સાધ્યો હતો અને અમેરિકા વિરોધી જેટલી પણ માહિતી આવે તે અટકાવાતી હતી. આજે યુદ્ધ કરનારા દેશો સોશિયલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ પ્રચાર કરે છે, જેવું છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારત-પાકિસ્તાન તરફથી થયું. આજે કોઈ સોશિયલ મીડિયા અથવા ન્યૂઝ પોર્ટલને અટકાવવું સરકાર માટે સરળ થઈ ગયું છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તે માટે લાંબી કવાયત કરવી પડતી હતી. અમેરિકાએ તે વખતે યુદ્ધના બોન્ડ કાઢીને પ્રજા પાસેથી મસમોટું ભંડોળ પણ ઉઘરાવ્યું હતું. આ માટે પણ પ્રચાર વ્યાપક સ્તરે થયો હતો. યુદ્ધ અમેરિકાના કલ્યાણ અર્થે છે તેવું તત્કાલિન અમેરિકી શાસકો પ્રજાને સમજાવી શક્યા હતા.

ઇટાલીના શાસકો તો પ્રોપગેન્ડાનું સ્તર એટલે સુધી લઈ ગઈ હતી કે સૈનિકોના પત્રો પણ તેમના પરિવાર સુધી પહોંચવા દેવામાં નહોતા આવતા. આ કારણે સૈનિકો અને તેમના પરિવાર વચ્ચે અનેક મહિનાઓ સુધી સંપર્ક નહોતો થયો. ઇટાલીએ સૈનિકોને અન્ય લોકોથી તદ્દન સંપર્ક અટકાવી દેવાનું એક કારણ એ પણ હતું કે સૈનિકો યુદ્ધ વિશે લોકો પાસે શું માહિતી છે – તે ન જાણી શકે. ઘણા કિસ્સામાં જ્યારે સૈનિકો પોતાના ઘરે યુદ્ધ લડીને પહોંચ્યા ત્યારે તેમનું એ રીતે સ્વાગત કરવામાં ન આવ્યું, જે રીતે સૈનિકો અપેક્ષા રાખતા હતા. ઘણાં સૈનિકોને તે વખતે દેશના નામે છેતરાયા હોવાની અનુભૂતિ થઈ હતી.
પ્રોપગેન્ડામાં આમ તો દરેક દેશ પોતપોતાની રીતે હદ વટાવી હતી, પરંતુ યુદ્ધમાં પોતાના લોકોને સાવ ગેરમાર્ગે દોરનારા દેશ તરીકે જર્મનીનું નામ હંમેશા લેવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના પક્ષે લોકોને ખોટી માહિતીનો પારો ચઢાવ્યો. હિટલરના નાઝી પક્ષએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનેક એવી ફિલ્મો પ્રોડ્યુસ કરી જેમાં પોતાનો એજન્ડા રાખ્યો. ઘણાં કિસ્સામાં તો તેઓ ફિલ્મને ભંડોળ પણ આપતા અને તેમાં કોને અભિનેતા-અભિનેત્રી તરીકે લેવા જોઈએ તેનો અધિકાર પણ પોતાની પાસે રાખતા હતા. ફિલ્મ ઉપરાંત ફોટોગ્રાફી દ્વારા પણ નાઝી પક્ષનો પ્રચાર યુદ્ધ દરમિયાન ખૂબ થયો અને તેમાં બે ફોટોગ્રાફરોએ મુખ્ય ભૂમિકા હતી. તેમાં એક હેનરિચ હોફમેન હતા અને બીજા હુગો જાઇગર હતા. હિટલરના ઓફિશિયલ ફોટોગ્રાફરોએ તે વખતે હિટલરની અનેક એવી ઇમેજ ક્લિક કરી હતી – જેમા હિટલર ગુસ્સામા હોય અને વક્તવ્ય આપતા હોય ત્યારે રોષ ઠાલવતાં હોય. હોફમેનના અનેક ફોટોગ્રાફ તે વખતે સ્ટેમ્પ્સ, પોસ્ટકાર્ડ અને પિક્સર બુકમાં પ્રકાશિત થયા હતા.
અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી અને જાપાન જેવાં દેશો આ રીતે યુદ્ધમાં પ્રોપગેન્ડા રાખ્યો હતો. મહદંશે તે પ્રોપગેન્ડા પોતાના દેશના લોકોને જ ગેરમાર્ગે દોરવાનો હતો. પોતાના દેશના લોકો યુદ્ધની સ્થિતિ ન જાણી શકે અને સરકારનું ખરેખરનું વલણ શું છે તે ન જાણી શકે તે માટે પ્રોપગેન્ડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્વાભાવિક છે કે કોઈ પણ શાસક યુદ્ધની દરેક સાચી વિગત લોકો સુધી પહોંચાડતો નથી. યુદ્ધ દરમિયાન એટલું બધું થાય છે કે તેનું ચિત્ર સ્પષ્ટ થવામાં વર્ષો વીતી જાય. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વખતે એવું જ થયું હતું કારણ કે તે વખતનું મીડિયા આજની જેમ ઝડપી નહોતું. આજે પાકિસ્તાન અને કેટલેક અંશે ભારત પર પણ હાલમાં થયેલાં તનાવભર્યા વાતાવરણમાં માહિતી છૂપાવવાના આરોપ લાગી રહ્યા છે.
જાપાનમાં પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે પ્રકારનો પ્રોપગેન્ડા થયો તેમાં લોકોને યુદ્ધમાં સામેલ થવા માટે રીતસરનો ઉન્માદ જગાવવામાં આવ્યો હતો. પર્લ હાર્બર પર હૂમલો કર્યા પછી જાપાનમાં જે પ્રકારનું રિપોર્ટિંગ થયું તેમાં રાષ્ટ્રઉન્માદ જાગ્યો અને લોકોને એવું ઠસાવવામાં આવ્યું કે બ્રિટન-અમેરિકાના અહંકારના કારણે આ કાર્યવાહી કરવી પડી છે. જાપાનમાં તો એક મુહિમ એવી ચાલી હતી જેમાં યુદ્ધને પવિત્ર ઠેરવવામાં આવ્યું હતું અને યુદ્ધમાં મૃત્યુ પામવાને ગૌરવ ગણવામાં આવતું. જાપાનમાં એક શબ્દ છે : ‘બુશિદો’. આ શબ્દથી તેમને પોકારવામાં આવતા જેઓ યુદ્ધમાં એક આધ્યાત્મિક ફરજ સમજીને લડવા ગયા હોય.
આ તો આજથી સોથી પંચોતર વર્ષ પહેલાના પ્રોપગેન્ડા છે, પણ હાલમાંય માહિતીયુગમાં રશિયાએ યુક્રેન વિરુદ્ધ આવો પ્રોપગેન્ડા ચલાવ્યો છે. વિકિપીડિયા પર તેનું એક આખું લાંબુલચક પેજ વાંચી શકાય છે. તે પેજનું નામ છે : ‘રશિયન ઇન્ફોર્મેશન વૉર અન્ગેઇન્સ્ટ યુક્રેન’. આ પ્રચારમાં એવું વારંવાર કહેવામાં આવે છે કે રશિયાનો સુવર્ણયુગ જ્યારે રશિયા સંગઠિત હતું તે દરમિયાન હતો. યુક્રેને તે કાળે રશિયાનો ભાગ હતો અને એ રીતે રશિયા એ પ્રસ્થાપિત કરવા માંગે છે કે યુક્રેન અને અન્ય દેશો ફરી રશિયામાં ભળી જાય તો સુવર્ણયુગ આવે. રશિયા તો પ્રોપગેન્ડા અને યુદ્ધ જીતવા માટે એ હદ સુધી ગયું છે જેમાં રશિયા તરફથી યુક્રેનના સૈનિકોના પરિવારને ધમકીના ફોન મળે. રશિયાની ‘આરઆઈએ નોવોસ્ટી’ નામની ન્યૂઝ એજન્સીએ 2022ના ફેબ્રુઆરીમાં તો એવાં ન્યૂઝ પણ પ્રકાશિત કરી દીધા હતા કે રશિયા યુક્રેન યુદ્ધ જીતી ચૂક્યું છે અને યુક્રેન હવે રશિયાનો ભાગ છે. રશિયાની રાજ્ય પ્રેરીત આવી અનેક ચેનલોને ખોટી માહિતી આપવા બદલ યુરોપના દેશોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભારત-પાકિસ્તાનના હાલના તનાવગ્રસ્ત માહોલમાં આવું ઘણું થયું છે. ઇતિહાસ પણ તે વાતની પુષ્ટિ કરે છે કે યુદ્ધ દરમિયાન પ્રજાને માત્ર ખોવાનું છે અને લોકો પાસે ખોટી માહિતી અઢળક પ્રમાણમાં પહોંચે છે. તેમાં શાસકોને ગુમાવવાનું કશુંય હોતું નથી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796