નવજીવન ન્યૂઝ. વડોદરા: ગઇકાલે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ શિવ મંદિરોમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં સુરસાગર વિસ્તારમાં આવેલા સર્વેશ્વર મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. આ આરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી આવી હતી, પરંતુ આ મહાઆરતી સમયે એક અનઇચ્છનીય ઘટના બની જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
સર્વેશ્વર મહાદેવના મંદિરમાં મહાઆરતી સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન આરતીમાં ભાગ લેવા આવેલા નિશિત પુરાણી નામના એક યુવાનને ગભરામણના કારણે અચાનક છાતીના ભાગમાં દુખાવો શરૂ થતા તે અચાનક ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. મહાઆરતીમાં ખૂબ ભીડ હોવાને કારણે 108 એમ્બ્યૂલન્સ સમયસર યુવાન સુધી પહોંચી શકી ન હતી.
જોકે ત્યાં બંદોબસ્તમાં હજાર પોલીસ કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને નિશિતને પોલીસની ગાડીમાં જ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયું હતું. હોસ્પિટલના ડોકટરે સારવાર શરૂ કરતાં પહેલા જ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોલીસે આ યુવાનના ખિસ્સા તપાસતા તેના ખિસ્સામાંથી તેનું આધાર કાર્ડ મળ્યું હતું, જેના આધારે પોલીસે યુવાનના પરિવારને આ ઘટના અંગે જાણ કરી હતી અને તેના પરિવારજન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












