નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસમાં આજે કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી થઈ ગતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે અવાર-નવાર MSUમાં બાખડી પડતા મારામારીના વીડિયો વાયરલ થતાં હોય છે. આ વખતે થયેલી મારામારી વોટ્સ એપ ગ્રુપમાંથી રિમુવ કરવા બાબતે થઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે લાકડીઓ અને છૂટાહાથની મારામારી થઈ હતી. આગામી દિવસમાં વિદ્યાર્થી સંગઠની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને અલગ-અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સીટીની સત્તા મેળવા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વોટ્સ એપના માધ્યમથી અલગ-અલગ ગ્રુપ બનાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આગામી સમયમાં સિન્ડિકેટની બેઠક બાદ ચૂંટણી યોજવી કે નહિં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
હજી ચૂંટણીની જાહેરાત થઈ નથી તે પહેલા જ સત્તા માટે વિદ્યાર્થી સંગઠનો એડીચોડીનું જોર લગાવી રહ્યા છે. આગામી ચૂંટણીને જીતવા માટે AGSG ગ્રુપ દ્વારા વોટ્સ એપ પર એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાંથી આતિફ મલિક અને અન્ય કેટલાક વિદ્યાર્થીઓને રિમુવ કરી દેવામાં આવ્યા હતા. જેથી આતિફના ગ્રુપ અને અન્ય વિદ્યાર્થી ગ્રુપ વચ્ચે મારા મારી થઈ હતી. સમગ્ર બનાવ અંગે વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારી તેમજ હરીફ પક્ષના વિદ્યાર્થી અગ્રણીએ સામસામે આક્ષેપો કર્યા હતા. જોકે હવે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.








