નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: લાંબા સમયથી દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ, ચાહકો અને મીડિયાની ઉત્સુકતાનો અંત લાવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2022માં વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી રમાશે. વિશ્વ કપની ટીમમાં મોટાભાગના સભ્યો એવા છે જેઓ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં રમ્યા હતા અને આ ટીમમાં આવો કોઈ ચોંકાવનારો નિર્ણય આવ્યો નથી, જે 2019 વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો, જ્યારે અંબાતી રાયડુની જગ્યાએ વિજય શંકરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરો ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે અલગ-અલગ નામ સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા. હરભજન સિંહે પણ આજે ઉમરાન મલિકની જગ્યા માટે આગ્રહ કર્યો હતો, જ્યારે છેલ્લા ઘણા દિવસોથી એક વર્ગ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવાની તરફેણ કરી રહ્યો હતો.
BCCI દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમ સિવાય ચાર ખેલાડીઓને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓ છે મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર. ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પીચોને જોઈને દરેકને આશા હતી કે દીપક ચહરને ટીમમાં સ્થાન મળશે અને ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા બાદ દીપકે તેની ફિટનેસ અને પ્રદર્શન સાબિત કર્યું અને તેને ઝિમ્બાબ્વે સામે મેન ઓફ ધ મેચ પણ બનાવવામાં આવ્યો, પરંતુ આ ફાસ્ટ બોલર અંતે વર્લ્ડ કપના પ્લાનિંગમાં ફિટ ન થઈ શક્યો.
T20 વર્લ્ડ કપ માટે ભારતીય 15 સભ્યોની ટીમ નીચે મુજબ છે:
1. રોહિત શર્મા (કેપ્ટન) 2. કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન) 3. વિરાટ કોહલી 4. સૂર્યકુમાર યાદવ 5. દીપક હુડા 6. ઋષભ પંત 7. દિનેશ કાર્તિક 8. હાર્દિક પંડ્યા 9. આર. અશ્વિન 10. યુઝવેન્દ્ર ચહલ 11. અક્ષર પટેલ 12. જસપ્રિત બુમરાહ 13. ભુવનેશ્વર કુમાર 14. હર્ષલ પટેલ 15. અર્શદીપ સિંહ








