Wednesday, November 25, 2026
HomeNationalરાજકારણના ગજબ ખેલ! નાગૌરમાં ભાજપ-કોંગ્રેસ સાથે હોવા છતાં RLPનો જિલ્લા પ્રમુખ બન્યો,...

રાજકારણના ગજબ ખેલ! નાગૌરમાં ભાજપ-કોંગ્રેસ સાથે હોવા છતાં RLPનો જિલ્લા પ્રમુખ બન્યો, ચુરુમાં બહુમતી છતાં કોંગ્રેસ હારી

- Advertisement -

Political games in Rajasthan: રાજસ્થાનમાં જિલ્લા પ્રમુખની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. રાજ્યના 37 જિલ્લાઓમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ 24 જિલ્લા પ્રમુખ પદો પર જીત મેળવી છે, જ્યારે ભાજપ 9 જિલ્લાઓમાં પોતાના જિલ્લા પ્રમુખ બનાવવામાં સફળ રહી છે. બાંસવાડા અને ડુંગરપુરમાં ભારતીય આદિવાસી પાર્ટી (BAP)એ જીત મેળવી છે, જ્યારે નાગૌરમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ જિલ્લા પ્રમુખનું પદ પોતાના નામે કર્યું છે. જોકે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચા ચુરુની ચૂંટણીની થઈ રહી છે, જ્યાં પરિણામે સૌને ચોંકાવી દીધા છે.

ચુરુમાં બહુમતી હોવા છતાં કોંગ્રેસની હાર

- Advertisement -

ચુરુ જિલ્લા પરિષદની કુલ 39 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 21 સભ્યોનું સ્પષ્ટ બહુમત હતું, જ્યારે ભાજપ પાસે 17 સભ્યો હતા. આ સ્થિતિમાં કોંગ્રેસનો જિલ્લા પ્રમુખ બનવો લગભગ નક્કી માનવામાં આવતો હતો. જોકે, મતદાન દરમિયાન થયેલી રાજકીય ખેંચતાણ અને ક્રોસ વોટિંગને કારણે સમગ્ર ગણિત બદલાઈ ગયું હતું.

ભાજપે અહીં પૂર્વ વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડની પુત્રવધૂ કનિકા સિંહને ઉમેદવાર બનાવ્યાં હતાં. ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસનું ગણિત બગડ્યું અને કનિકા સિંહ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. રાજકીય જાણકારો આ પરિણામને ભાજપની મોટી વ્યૂહાત્મક જીત અને રાજેન્દ્ર રાઠોડની મજબૂત વાપસી તરીકે જોઈ રહ્યા છે.

રાજેન્દ્ર રાઠોડ માટે કેમ મહત્ત્વપૂર્ણ છે આ જીત?

- Advertisement -

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચુરુના રાજકારણમાં મોટા ફેરફારો થયા છે. વિધાનસભા ચૂંટણીમાં રાજેન્દ્ર રાઠોડ તારાનગર બેઠક પરથી હારી ગયા હતા. ત્યારબાદ ભાજપમાંથી ટિકિટ ન મળતાં તત્કાલીન સાંસદ રાહુલ કસ્વાં કોંગ્રેસમાં જોડાયા હતા અને લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. આ ઘટનાથી ચુરુમાં રાજેન્દ્ર રાઠોડ અને રાહુલ કસ્વાંના જૂથો વચ્ચે રાજકીય સ્પર્ધા વધુ તેજ બની હતી. આવા સંજોગોમાં જિલ્લા પ્રમુખની બેઠક પર ભાજપની જીતને રાઠોડ માટે પ્રતિષ્ઠા સાથે જોડાયેલી સફળતા માનવામાં આવી રહી છે.

બીકાનેર, જયપુર અને બ્યાવરમાં પણ રસપ્રદ પરિણામો

સૌથી વધુ ચર્ચિત બેઠકોમાં બીકાનેરનો પણ સમાવેશ થાય છે. અહીં કોંગ્રેસના ધારાસભ્યની પુત્રવધૂ નિકિતા ડૂડી જિલ્લા પ્રમુખની ચૂંટણી જીતી ગયાં હતાં. બીજી તરફ જયપુરમાં કોંગ્રેસના યશવીર શૂરાએ 42 મત મેળવીને શાનદાર જીત નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર રાજેશ કુમાર ગુર્જરને 14 મત મળ્યા હતા.

- Advertisement -

બ્યાવરમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. અહીં બહુમતી હોવા છતાં ભાજપનાં ઉમેદવાર નિર્મલા દેવી એક મતથી ચૂંટણી હારી ગયાં હતાં. કોંગ્રેસનાં મમતા ગુર્જરે જીત મેળવીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો.

અન્ય જિલ્લાઓમાં પણ રસપ્રદ મુકાબલા

અજમેરમાં ક્રોસ વોટિંગના સહારે ભાજપનાં પૂજા ભંસાલીએ જીત મેળવી હતી. જેસલમેરમાં 21 વર્ષનાં સંતોષ કુમારી જિલ્લા પ્રમુખ બન્યાં હતાં. તેમને રાજસ્થાનનાં સૌથી નાની વયનાં જિલ્લા પ્રમુખ ગણાવવામાં આવી રહ્યાં છે. બીજી તરફ દૌસામાં ધારાસભ્ય ડી.ડી. બૈરવાની પત્ની બીના બૈરવાએ જીત મેળવી હતી.

રાજસ્થાનની જિલ્લા પ્રમુખની ચૂંટણીઓએ ફરી એકવાર દર્શાવ્યું છે કે સ્થાનિક રાજકારણમાં માત્ર બહુમતી જ જીતની ખાતરી આપતી નથી. અંતિમ સમય સુધી બનતાં રાજકીય સમીકરણો અને ક્રોસ વોટિંગ પણ પરિણામો બદલી શકે છે. કોંગ્રેસે ભલે સૌથી વધુ 24 જિલ્લાઓમાં જીત મેળવી હોય, પરંતુ ચુરુમાં થયેલો ઉલટફેર આ ચૂંટણીનું સૌથી ચર્ચિત પરિણામ બનીને સામે આવ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular