ચાંદીમાં શરૂ થયેલી વર્તમાન તેજીના મૂળિયાં ખૂબ મજબૂત રીતે નંખાયાં છે
સોનાના ભાવ સાથે કદમ મેળવવામાં ચાંદી મોડી જરૂર પડી છે પણ સ્પર્ધામાંથી નીકળી નથી ગઈ
૨૦૩0 સુધીમાં વૈશ્વિક રિન્યુએબલ એનર્જીની ઉપાર્જન ક્ષમતા ત્રણ ગણી વધારવાનો લક્ષ્યાંક
ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનાને (Gold) ઝાંખું પાડી દેવાની યાત્રા આખરે ચાંદીએ (Silver) શરૂ કરી દીધી છે. આપણે ઘણી વખત જોયું છે કે સોનાને પાડી દેવા, ચાંદી યુધ્ધે ચઢે છે. રોકાણકારો આ આંતરપ્રવાહમાં આકર્ષિત થઈ ગયા છે. માર્ચમાં ચાંદીએ, સોનાની ૭ ટકા વૃધ્ધિ સામે ૮ ટકા ઉછાળો જોયો હતો. અહી નોંધવા જેવી વાત એ છે કે વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં સોનાએ ૬.૧ ટકાની તેજી જોઈ તેની સામે ચાંદી મામૂલી ૨.૯ ટકા જ વધી હતી. ગુરુવારે હાજર ચાંદી (ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં) જુલાઇ ૨૦૨૧ પછીની નવી ઊંચાઈ, ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) દીઠ ૨૭.૩૩ ડોલર બોલાઈ.
ચાંદીના દૈનિક ચાર્ટ પર છેલ્લા છ સપ્તાહથી ચાલતો ભાવ સુધારાનો અપટ્રેન્ડ, પુન: શરૂ થવાથી મે વાયદાના તેજીવાળાને ટૂંકાગાળા માટે સર્વાંગી મજબૂત ટેકનિકલ ભાવ વૃધ્ધિનો લાભ મળ્યો છે. તેજીવાળા માટે મજબૂત ટેકનિકલ રેસિસ્ટંટ ૨૮ ડોલર બંધ ભાવને પાર કરવાનું લક્ષ્યાંક રહેશે. મંદિવાળા ૨૫ ડોલર બંધ ભાવના સપોર્ટને તોડવાનો ભરપૂર પ્રયાસ કરશે. તેજીવાળા માટે પ્રથમ રેસિસ્ટંટ ૨૭.૨૫ ડોલર અને ત્યાર પછી ૨૭.૫૦ ડોલર બંધ ભાવ કુદાવવાનું રહેશે. આજ પ્રકારે મંદિવાળા ૨૬.૫૦ ડોલર અને ૨૫.૨૩ ડોલરના સપોર્ટને તોડવા અગ્રેસર રહેશે.
અલબત્ત, સોનાના ભાવ સતત નવા નવા ઊંચા વિક્રમે પહોંચી રહ્યા હોવાથી, તેજીની મોમેન્ટમ સ્થપાઈ છે. શક્ય છે કે આવો જ બ્રેકઆઉટ ચાંદીમાં સર્જાય. ઉપર જવાના આ મોમેન્ટમ સાથે જ કોન્સોલિડેશન સમય આરંભાતા, ટેકનિકલ લેવાલી રોકી નહીં રોકાય. અર્થાત ચાંદી માત્ર ૩૦ ડોલરની ટોપ રેન્જમાંથી બહાર નીકળવાના પ્રયાસ નહીં કરે, પણ ૫૦ ડોલરની ઓલટાઈમ હાઇ તરફ અગ્રેસર થવા પ્રવાસનો આરંભ કરશે. રોકાણકારો માટે હવે આવા રસપ્રદ ભાવ જોવા, અસંખ્ય ઐતિહાસિક અને માળખાગત ફન્ડામેન્ટલ્સ નિર્માણ થયા છે.
સોનાના ભાવ સાથે કદમ મેળવવામાં ચાંદી મોડી જરૂર પડી છે, પણ સ્પર્ધામાંથી નીકળી નથી ગઈ. તાજેતરમાં સોનાના ભાવે નવા ઇતિહાસ રચવાની શરૂઆત કરી ત્યારે, ગોલ્ડ સિલ્વર રેશિયો ઐતિહાસિક ૧:૯૨ થયો, જે હવે ૧:૮૫ છે. આનો અર્થ એ થાય કે જ્યારે સોનું તેજી પકડે ત્યારે રોકાણકારો ચાંદીમાં પણ એવોજ આંતરપ્રવાહ ઈચ્છે. પણ ડેટા સૂચવે છે કે સોનાની સહોદર (બહેન) ચાંદી ક્યારેક કદમ મેળવવામાં ધીમી પડી જતી હોય છે. ઐતિહાસિક રીતે જોવા જઈએ ગોલ્ડ સિલ્વર રેશિયો અપવર્ડ ટ્રેન્ડમાં ચાલતો હોય છે, પણ ક્યારેક તે એકાએક કરેક્શન દાખવવા લાગે છે.
બીજા શબ્દોમાં કહી તો રોકાણકારો ચાંદીમાં એકએક દાખલ ન થાય ત્યાં સુધી, ચાંદી સામે સોનું જંખવાણું પાડવા તૈયાર નથી હોતું. પણ જ્યારે આથી ઊલટું થાય ત્યારે થોડા સમય માટે સોનાને પાછળ રાખી દે છે. ૨૭ માર્ચે ગોલ્ડ સિલવર રેશિયો ૧:૮૯ આસપાસ હતો, ઐતિહાસિક સરેરાશ ૧:૫૨થી ખૂબ ઊંચે હતો.
૨૦૨૪ના આરંભથી જ આખા જગતમાં પ્લગ ઇન ઇલેક્ટ્રિક વ્હીકલનું જાન્યુઆરી વેચાણ વિક્રમ ૧૦ લાખ યુનિટ થયું. જો ગતવર્ષના સમાનગાળા સાથે સરખામણી કરી તો આ વૃધ્ધિ ૬૩ ટકા હતી. પાછલા સતત ૯ મહિનાથી ઇલેક્ટ્રિક વહીકલનું વૈશ્વિક વેચાણ ૧૦ લાખનો આંકડો પાર કરી જાય છે. આ રીતે ઇ વ્હીકલનું વેચાણ સતત વધતું રહેશે તો અન્ય ધાતુઓ સાથે ચાંદીના પણ સારા દિવસો આવી લાગ્યા છે.
આ વર્ષની યુનાઈટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં જાગતિક નેતાઓએ ૨૦૩0 સુધીમાં વૈશ્વિક રિન્યુએબલ એનર્જીની ઉપાર્જન ક્ષમતા ત્રણ ગણી વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આમ ફોટોવોલ્ટિક સેલમાં ચાંદીની ભૂમિકા મહત્વની થઈ પડશે. જો ટેકનોલોજીમાં આવી રહેલા પરિવર્તનોને ધ્યાનમાં લઈએ તો ચાંદીના વર્તમાન ભાવ તેની વાસ્તવિક ઊંચાઈથી જોજનો દૂર અને સોના સામે અંડરવેલ્યુડ છે. તો અહી પ્રશ્ન ઉદભવે છે કે, શું ચાંદીમાં શરૂ થયેલી વર્તમાન તેજીના મૂળિયાં ખૂબ મજબૂત રીતે નંખાયાં છે?
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








