54.20 લાખનો દારૂ પહોંચાડવાનો ભાવ ફેરાના 30 હજાર રૂપિયા
જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતી એક ટ્રકને રોકી 54.20 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ઉપરાંત ટ્રક, બે મોબાઈલ ફોન અને GPS સહિત કુલ 64.40 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ કેસમાં હરિયાણાથી દારૂ મોકલનાર રાજવીર ચૌધરી અને જામનગરના અજાણ્યા શખસને પોલીસે ફરાર દર્શાવ્યો છે.
શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ડી.ગોહિલ તથા પોલીસ કર્મચારી આજે વહેલી પરોઢે રાજસ્થાન બોર્ડર પાસેની ચેકપોસ્ટ પર હાજર હતા. આ સમયે અણસોલ ચેકપોસ્ટ પરથી નાગાલેન્ડ પાસિંગની એક ટ્રક પસાર થતાં તેને શંકાના આધારે રોકવામાં આવતા ડ્રાઈવરે તેમાં મધ ભર્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, પોલીસને ડ્રાઈવરની વાત પર ભરોસો નહીં થતાં ટ્રકમાં તપાસ આરંભતા તેમાંથી 621 પેટી વિદેશી દારૂ ભરેલી મળી આવી હતી. કાળુસિંહ રાઠોડ-રાજપૂત (રહે. રાજસ્થાન)ની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, રાજવીર ચૌધરી (રહે. હરિયાણા)એ ગત 16 ફેબ્રુઆરીના ફોન કરીને દારૂ ભરેલી ટ્રક જામનગર પહોંચાડવા કહ્યું હતું. એક ચક્કરના 30 હજાર અને જમવાના પૈસા આપવાની રાજવીરે ખાતરી આપી હતી. કાળુસિંહ ઘરેથી નીકળીને બસમાં જયપુર અને તે પછી પ્રાઈવેટ વાહનમાં દાદરી હરિયાણા ખાતે પહોંચ્યો હતો. જ્યાં રાજવીર ચૌધરી મળ્યો હતો અને થોડીકવારમાં તેનો માણસ દારૂ ભરેલી ટ્રક લઈને આવ્યો હતો.
17 ફેબ્રુઆરીની રાતે બારેક વાગે કાળુસિંહ દારૂ ભરેલી ટ્રક લઈને ગુજરાત આવવા નીકળ્યો હતો. વાયા અંબાલા, નાનરોલ, કોટપુટલી, જયપુર, કિશનગઢ, ભીલવાડા, નાથદ્રારા, ઉદેપુર, ખેરવાડા, વીંછીવાડા થઈને ગુજરાત બોર્ડર પહોંચ્યો હતો. આ સમયે પોલીસ ચેકીંગ દરમિયાન 19,848 દારૂની બોટલો અને ટીન ભરેલી ટ્રક પોલીસે પકડી પાડી છે. શામળાજી પીઆઈ એસ.એસ.માલની રૂબરૂમાં ફરિયાદ નોંધી તપાસ આરંભવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796


