Three youths die in an accident in Anand district : આણંદ જિલ્લામાં બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 3 યુવાનના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ યુવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આણંદ-બોરસદ રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં નાપા વાંટા ગામ અને બોરસદના 3 યુવાનના મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, સામસામે અથડાયેલી બાઇકોના સ્પેરપાર્ટસ તૂટીને છુટા પડી ગયા છે.
આણંદ-બોરસદ રોડ પર આવેલા નિજાનંદ રિસોર્ટ પાસેથી પસાર થઈ રહેલી બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા ટુ વ્હીલર પર બેસેલા યુવાનો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો દોડી આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાન અરમાન રાણા, સમીર રાણા તેમજ બોરસદના અંસાર બેલીમનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બોરસદના અસલમખાન, ઝુબેર કાઝી અને નાપા વાંટાના તનવીર રાણાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલ અને કરમસદ સ્થિત મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે આણંદ ગ્રામ્ય પોલીસે (Anand Rural Police) ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








