પ્રશાંત દયાળ (શતરંજ-42, નવજીવન ન્યૂઝ): પોલીસ દ્વારા કરવામાં આવેલા ઍન્કાઉન્ટરની આ કંઈ પહેલી તપાસ ન હતી. ત્રણ વર્ષ અગાઉ સરખેજ ચોકડી ઉપર મુંબઈના યાકુબ મેમણ અને તેની સત્તર વર્ષની પ્રેમિકા સુલતાનાનું ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસનો દાવો હતો કે, આ બંને માનવ બૉમ્બ બની મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતાની હત્યા કરવાના હતા. આ મુદ્દે ખૂબ હોબાળો મચ્યો પણ કોઈ પરિણામ આવ્યું નહીં. ત્યારે સુલતાનાની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી કરતાં કોર્ટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી, જેના વડા તરીકે આઇપીએસ અધિકારી આઇજીપી કેશવ દત્ત હતા. તેઓ છેલ્લા વર્ષથી હાઇકોર્ટ સામે પોતાનો સ્ટેટસ રિપોર્ટ મૂકતા હતા, જેમાં કેટલાંક સામાન્ય નિવેદન સિવાય કંઈ ન હતું. અંતે તપાસ ચાલુ છે… ત્યાં રિપોર્ટનો અંત આવતો હતો.
વછરાજાની પણ એવું જ માનતા હતા કે, આ કેસ પણ વર્ષો સુધી કોર્ટમાં પડ્યો રહેશે અને એક દિવસ કોર્ટમાંથી કાગળો ખોવાઈ જશે, સાચી વાત તો એવી હતી કે યાકુબ મેમણ લાંબા સમયથી સેન્ટ્રલ આઇબીના મુંબઈ યુનિટ માટે કામ કરતો હતો. દર મહિને તેને સારી એવી રકમ પણ આઇબી દ્વારા આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી કોઈક કારણસર ઇન્ફર્મેશન આપવાની બંધ થઈ ગઈ હતી. હવે આઇબી માટે મેમણ લંગડો ઘોડો હતો. જ્યારે ઘોડો લંગડો થાય અને દોડવાની કાબેલિયત ગુમાવી દે ત્યારે તેને ગોળી જ મારી દેવી જોઈએ તેવું ગુજરાતના સેન્ટ્રલ આઇબીના જૉઇન્ટ ડાઇરેક્ટર ઘોષ માનતા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રીનો હિંદુ નેતા તરીકેનો ચહેરો મોટો કરવાની અને વિશ્વનું ધ્યાન ગોવિંદરાય તરફ જાય તે જોવાની જવાબદારી ગુજરાત પોલીસના અધિકારીઓ સહિત ઘોષે પણ ઉપાડી હતી. તેમણે મેમણને અમદાવાદ બોલાવતા પહેલાં વછરાજાની સાથે વાત કરી લીધી હતી. મેમણને એજન્સીના માણસો ઉપર ખૂબ ભરોસો હતો. તે એવું માનીને અમદાવાદ આવવા નીકળ્યો હતો કે બે-ચાર દિવસનું કામ હશે. તે જ્યારે આવ્યો ત્યારે તેની સાથે સુલતાના પણ હતી. સુલતાના તેની પ્રેમિકા હતી. હજી હમણાં જ કૉલેજના પહેલા વર્ષમાં ઍડમિશન લીધું હતું. તેણે મેમણ સાથે અમદાવાદ આવવાની જીદ પકડી એટલે તે સાથે લઈ આવ્યો હતો.
તેમને રહેવાની વ્યવસ્થા પણ વછરાજાનીએ જ કરી આપી હતી. તેમને પણ ગાંધીનગર-કોબા પાસે આવેલા ગોલ્ડન ફાર્મમાં રાખ્યાં હતાં. મેમણ આખી ઘટનાથી અજાણ હતો, પણ હવે થોડાક કલાકમાં તે લશ્કર-એ-તોઇબાનો આતંકી થઈ જવાનો હતો, તેની તેને ખબર ન હતી, બધું જ પ્લાનિંગ થઈ ગયું હતું. વછરાજાનીએ આ ઑપરેશનની જવાબદારી વિનય તોમર અને મહેશ રાવને સોંપી હતી. પણ જ્યારે મહેશને ખબર પડી કે મેમણની સાથે સુલતાના પણ છે ત્યારે તેણે તોમરને કહ્યું, “મને લાગે છે આપણે સુલતાનાને જવા દેવી જોઈએ. તેનો શું વાંક છે?” વિનય તોમર તેની સામે જોવા લાગ્યો. તેણે વછરાજાનીની ચેમ્બર સામે હાથ લાંબો કરતાં કહ્યું, “પેલા બાપને કોણ કહેશે?” તરત જ મહેશે કહ્યું, “હું કહીશ. આપણે તેમને કહેવું જોઈએ… સ્ત્રીહત્યા કરવાની જરૂર નથી.” તોમરને ખબર હતી કે મહેશ આવી બધી બાબતોમાં ખૂબ માને છે અને લાગણીશીલ માણસ છે. તેણે વછરાજાનીની ચેમ્બર તરફ જવાનો ઇશારો કર્યો હતો.
બંને ચેમ્બરમાં દાખલ થતાં વછરાજાનીએ પૂછ્યું હતું. “બધી તૈયારી થઈ ગઈ?” તોમરે હા તો પાડી પણ તેણે કહ્યું : “મહેશ કંઈક વાત કરવા માગે છે.” ફાઈલ તપાસતાં તપાસતાં વછરાજાનીએ ઉપર જોયું. મહેશે તેમની સામે જોતાં કહ્યું, “સર, મને લાગે છે કે, આપણે સુલતાનાને મારવી જોઈએ નહીં.” વાક્ય સાંભળતાં જ તેમણે પોતાની ફાઈલ બંધ કરતાં મહેશને સામો સવાલ કર્યો, “જો ભાઈ, તને જ્યારે સેન્ટ્રલ આઇબીએ અમદાવાદ બોલાવ્યો ત્યારે એવું તો કહ્યું ન હતું કે, સુલતાનાને લઈ આવજે. આ તેણે કરેલી ભૂલ છે. આપણે કંઈ કરી શકીએ નહીં. ઘોષ સાહેબ પણ કહેતા હતા કે, છોકરીને જીવતી જવા દેવાનું રિસ્ક લઈ શકાય તેમ નથી.” મહેશ કંઈ બોલ્યો નહીં. વછરાજાનીએ તેને કહ્યું : “જો મહેશ, તારું મન માનતું ના હોય તો ઑપરેશનમાંથી બહાર નીકળી જા.” મહેશ દ્વિધામાં હતો. તે બોલ્યા વગર બહાર નીકળ્યો અને તે રાતે યાકુબ મેમણ અને સુલતાનાને સરખેજ ચોકડી ઉપર લાવી ગોળીઓ મારી દીધી. બંને આતંકવાદી હતાં. તેમની પાસેથી એક્સ્પ્લોઝિવ અને એ.કે. ૪૭ રાઇફલો મળી તેવા સમાચાર બીજા દિવસે અખબારોની હેડલાઇન બની ગયા હતા. દિવસો સુધી મહેશ રાતે સૂઈ શક્યો ન હતો, પણ તેની અંદર એવી હિંમત પણ ન હતી કે, પોતે ઑપરેશનમાંથી ખસી જાય. તેને ડર હતો કે તે ખસી ગયો તો પોલીસદળમાં તેની ગણના ડરપોક અને કાયર તરીકે થશે. મેમણ અને સુલતાનાનો કેસ પણ કોર્ટને આધીન હતો તેવા વખતે નિઝામના મામલે થયેલી ફરિયાદને કોઈ પણ ગંભીરતાથી લઈ રહ્યા ન હતા.
આ બાજુ સીઆઇડી ક્રાઇમના પોલીસ-ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર અને તેમનો કૉન્સ્ટેબલ સોલાપુર પહોંચી ગયા હતા. રાતે આરામ કરી તેમણે બીજા દિવસે સોલાપુરમાં ચૌધરી ટ્રાવેલ્સની ઑફિસ શોધવાની શરૂઆત કરી, જેનો ઉલ્લેખ નૂરુની પિટિશનમાં હતો, પણ સોલાપુરમાં ત્રણ ચૌધરી ટ્રાવેલ્સ કંપની હતી. એક પછી એક ત્રણે કંપની ઉપર જઈ તપાસ કરવાની હતી. ત્રણે કંપનીઓ રોજ સોલાપુરથી હુબલી પોતાની બસ મોકલતી હતી. પરમારે પોતાની તપાસ શરૂ કરી હતી. જોકે હજી સુધી તેમને તેમના કોઈ પણ સિનિયર અધિકારીએ તપાસ કેવી રીતે કરવાની છે અને કયા પરિણામ સુધી લઈ જવાની છે તેની સૂચના આપી ન હતી. પરમારે ચૌધરી ટ્રાવેલ્સ કંપનીમાં જઈ હવે ૨૦ નવેમ્બરના રોજ ૨૩૫૬ નંબરની બસ કોની હતી તેની તપાસ શરૂ કરી. જોકે સાંજ સુધીમાં એક કંપનીના મૅનેજરે ૨૩૫૬ નંબરની બસ પોતાની હોવાનો દાવો કર્યો હતો. પરમારે ૨૦ નવેમ્બરના રોજનું પૅસેન્જર-લિસ્ટ માંગ્યું, તે ચેક કરતાં તેની ઉપર એક નંબરની સીટ ઉપર કિશન અને બે નંબરની સીટ ઉપર રૂપા નામ નોંધાયેલું હતું. બે નંબર ઉપર રૂપા ટ્રાવેલ કરતી હતી, પણ એક નંબર ઉપર કિશન કોણ હતો તેની તપાસ કરવાની હતી. જોકે ટિકિટ-ચાર્ટમાં એક ટેલિફોન-નંબરની પણ નોંધ હતી જેનો નંબર હતો ૦૦***૩૨૪૪.
પરમારે બાકીના પૅસેન્જરોનાં નામ-સરનામાં પણ લીધાં, જેઓ તે દિવસે હુબલીની બસમાં ટ્રાવેલ કરતા હતા. મૅનેજરને આખો મામલો સમજાયો ત્યારે તેણે કહ્યું, “૨૩૫૬ની બસ રોજ હુબલી જાય છે. આજે સવારે તે ત્યાંથી નીકળી હશે, રાતે તે સોલાપુર પાછી ફરશે. તેનો ડ્રાઇવર મોહન કાળે તે રાતે ડ્યૂટી ઉપર હતો. કદાચ તેની પાસે કોઈ માહિતી હોય.” પરમારને એક આશાનું કિરણ દેખાયું. તે રાતે પાછા ફરશે તેમ કહી ત્યાંથી નીકળ્યા. રાતે પરમાર પાછા આવ્યા ત્યારે ૨૩૫૬ નંબરની બસ આવી ચૂકી હતી. ડ્રાઇવર કાળેને દારૂ પીવાની ઉતાવળ હતી. તે જવા માગતો હતો, પણ મૅનેજરે તેને રોકી રાખ્યો હતો. પરમારને જ્યારે ખબર પડી કે, કાળે દારૂ પીવે છે ત્યારે તેને કહ્યું, “કાળે, હમેં કોઈ અચ્છા બાર દીખાવો. ગુજરાત મેં તો હમ ડર ડર કે પીતે હૈં, વહીં બાત કર લેંગે.” કાળેના મોઢામાં પાણી આવ્યું. કાળે તેમને નજીકમાં આવેલા રૂમાલી બારમાં લઈ ગયો. પરમારે સિગ્નેચરની બૉટલનો ઑર્ડર આપ્યો. કાળે રોજ દેશીનું ક્વૉર્ટર મારતો હતો. આજે સારો ઇંગ્લિશ દારૂ મળ્યો. પહેલો પૅગ તો તેણે મોઢે માંડ્યો અને પૂરો થઈ ગયો. પછી એક પછી એક પૅગ ભરાતા ગયા. પરમાર તેને સવાલો પૂછી રહ્યો હતો. તે દિવસને યાદ કરતાં કાળેએ તરત કહ્યું, “સા’બ ઉસ રાત કો હાઇવે નંબર ૨૧૮ પે દો પ્રાઇવેટ ક્વૉલિસ’ થી. સાથ મેં સોલાપુર પોલીસ કે આદમી ભી થે. ઉન્હોંને મેરી બસ સે પૅસેન્જર કો ઉતારા ઔર અપને સાથ લે ગયે થે.” પરમારે તરત પોતાની પાસે રહેલા નિઝામ અને રૂપાનો ફોટો બતાવતાં કાળેએ કહ્યું : “હા સા’બ, યે દોનોં હી થે.” પછી કંઈક વિચાર્યું હોય તેમ તેણે કહ્યું, “સા’બ આઠ નંબર કી સીટ પે એક પૅસેન્જર બૈઠા થા. ઉસકો ભી ઉતાર લિયા થા.” આ એક નવો ગૂંચવાડો ઊભો થયો હતો.
પરમાર નિઝામ અને રૂપાની તપાસ કરી રહ્યા હતા, પણ અહીંયાં તો કોઈ ત્રીજી વ્યક્તિની વાત પણ આવતી હતી. પરમારે બાજુમાં બેઠેલા કૉન્સ્ટેબલ તરફ નજર કરી. તેણે તરત પૅસેન્જર-લિસ્ટ જોઈ કહ્યું : “આઠ નંબરની સીટ ઉપર ગોવિંદ નામનો પૅસેન્જર છે તેનો નંબર ૦૦૦***૭૮૧૨ છે.” હવે ગોવિંદ કોણ હતો તેનો તાળો મળતો ન હતો. પરમાર વિચાર કરવા લાગ્યા કે નિઝામના ભાઈ નૂરુએ પોતાની પિટિશનમાં કરેલા આક્ષેપો સાચા હતા. તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, પણ અપહરણ કરવા માટે ગુજરાત પોલીસના કયા અધિકારીઓ આવ્યા હતા, તેની ખબર ન હતી. પરમારને સમજાઈ રહ્યું હતું કે, મામલો ધાર્યો હતો તેના કરતાં ગંભીર થતો જાય છે અને પોતાની ઉપર બહુ મોટી જવાબદારી આવી રહી છે. કયા પ્રકારનું દબાણ અને મુશ્કેલીઓ આવવાનાં હતાં તેનો પણ અંદેશો આવી રહ્યો હતો. પોલીસ આ રીતે કોઈને પણ બસમાંથી ઉતારી તેને ગોળી મારી દે અને પછી તે આતંકવાદી હતો તેવું ઠરાવે તે વાત પરમારને વાજબી લાગી રહી ન હતી. ડ્રાઇવર કાળેને જમાડી પરમાર પોતાની હોટલ ઉપર જવા રવાના થયા. આખી રાત હવે તપાસમાં કઈ કઈ બાબતો તપાસવાની છે તેના વિચાર ચાલતા રહ્યા. વિનોદ પરમાર અત્યંત સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા. પોલીસમાં આવ્યા પછી પૈસા પણ કમાયા હતા, પણ હજી તેમની અંદરનો માહ્યલો જીવતો હતો. હમણાં ભલે પરમાર જાગતા હતા, પણ તે ઘણાની ઊંઘ ખરાબ કરવાના હતા.
(ક્રમશ:)








