ગોધરા રેલવેસ્ટેશન ઉપર પડેલા એસ-૬ કોચની આગ તો ક્યારની ઓલવાઈ ગઈ હતી પણ તેના કારણે લાગેલી આગે ગુજરાતનાં અનેક શહેરો અને નાનાં ગામડાંને બક્ષ્યાં નહોતાં. જેમાં અમદાવાદની હાલત તો સૌથી ખરાબ હતી. દિવસો સુધી શહેર કર્ફ્યુમાં જકડાઈ ગયું હતું. સંખ્યાબંધ સ્થળે રાહતકેમ્પ ખુલી ગયા હતા. આવો જ એક કેમ્પ જુહાપુરામાં હતો. આજે પણ જુહાપુરાનું નામ સાંભળતાં અમદાવાદના લોકોના કાન સરવા થઈ જાય છે, જાણે ભારતના વિભાજન પછી પાકિસ્તાન હસ્તકનો કોઈ ભાગ ભારતમાં રહી ગયો ના હોય! જુહાપુરાના કેમ્પમાંથી કેટલાક લોકો રાતના સુમારે એક મહિલાને જુહાપુરામાં જ હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. જીનત કટારિયાને ત્યાં લઈ આવ્યા હતા. તે મહિલા ગર્ભવતી હતી. જો કે તેને આઠમો મહિનો જતો હતો પણ પેટમાં સખત દુઃખાવો થતો હતો.
તે દિવસ તા.૮મી માર્ચનો હતો. ડૉ. જીનતને ત્યાં લઈ આવનારના જણાવ્યા અનુસાર આ મહિલા નરોડા પાટિયાથી કેમ્પમાં આવી હતી. રામના નામે રસ્તા ઉપર આવી ગયેલા હિન્દુઓએ રામને ઓળખ્યા જ નહોતા. નહિતર કદાચ આ મહિલાને કેમ્પમાં આવવું પડ્યું ના હોત. તેનાં ઘરને તો આગ ચાંપી દીધી હતી પણ તેના સિવાય તમામ લોકોને, જેમાં તેના પતિ અને બાપ સહિત બધાને મારી નાખ્યા હતા. જેવી રીતે ગોધરા સ્ટેશન ઉપર ખુદાના બંદાઓએ ખુદાને શરમાવે તેવું કૃત્ય આચર્યું હતું. ડૉ. જીનત માટે આ મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે તે જાણવા કરતાં તેની અને તેનાં બાળકની જિંદગી બચાવવી જરૂરી હતી માટે તેમણે તેની તૈયારી શરૂ કરી.
ડૉ. જીનત કટારિયાની જિંદગીની દાસ્તાન પણ કંઈ જુદી હતી. અત્યંત ગરીબ પરિવારમાંથી આવનાર જીનતની ઈન્દ્રસેન કટારિયા સાથે પહેલી મુલાકાત જામનગરમાં થઈ હતી. ત્યારે તે જામનગર મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. કરવા માટે આવી હતી અને ઈન્દ્રસેન કટારિયા જામનગરમાં એરફેર્સમાં ફરજ બજાવતા હતા. આ મુલાકાતનો દોર આગળ ચાલ્યો અને બંનેએ નિકાહ પઢી લીધાં હતાં. જો કે તે અગાઉ ઈન્દ્રસેન કટારિયા ઈકબાલ શરીફ કટારિયા થઈ ગયા હતા પણ મઝહબ કે ધર્મનો પ્રશ્ન તેમના બંને માટે સીમિત હતો. તેમના નિકાહ બાદ તેમના ઘરે બે પુત્રીઓનો જન્મ થયો હતો, જેમાં જસ્મિન મોટી અને આશિયા નાની છે. જીનત અને ઈકબાલ શરીફનો મઝહબ અલગ હતો, છતાં તેમણે બંનેએ એકબીજામાં નેક ઇન્સાનનાં દર્શન કર્યા હતાં. કદાચ તે જ તેમની પૂજા કે બંદગી હતી. ડૉ. જીનતે તેમને ત્યાં આવેલી મહિલાની પ્રસૂતિની તૈયારી શરૂ કરી. તેને આઠમો મહિનો જતો હતો છતાં તેની હાલત જોતાં તેની પ્રસૂતિ કરાવવી અનિવાર્ય હતી. તે સ્ત્રીના ચહેરા ઉપર પીડા હતી પણ તે પીડા પાછળ એક વિષાદ હતો, કારણ કે આ દુનિયામાં તે એકલી જ રહી હતી.
પોતાના જ લોકોની પોતાની આંખ સામે હત્યા કરી નાખવામાં આવે તેની પીડા ન્યૂઝ ચેનલ જોઈ સમાચારોની સમીક્ષા કરતાં લોકોને કે કમાન્ડો વચ્ચે ઘેરાયેલા રહેતા આપણા નેતાઓને નહીં સમજાય. આ સ્ત્રીને એટલો આઘાત લાગ્યો હતો કે, જ્યારે તેણે બાળકીને જન્મ આપ્યો ત્યારે તેના પેટે કોણ અવતર્યું છે તેની પૃચ્છા પણ તેણે કરી નહોતી. તે સ્તબ્ધ હતી. તેણે પોતાનાં બાળકને સ્પર્શ પણ ન કર્યો. માના સ્પર્શમાં પણ બળ હોય છે. તે મહિલાએ બાળકીને પોતાનું દૂધ પણ પીવડાવ્યું નહીં તે સૂનમૂન થઈ દીવાલો સામે જોયા કરતી હતી.
તેની સ્થિતિ સમજી ગયેલી ડૉ. જીનતે બજારમાંથી દૂધ મગાવી પીવડાવ્યું હતું. પણ માતાનાં દૂધમાં કુદરતે જે સ્નેહનું મિશ્રણ કર્યું છે, તે બજારુ દૂધમાં હોતું નથી. જેના કારણે આ દૂધ બાળકને રાસ આવ્યું નહીં અને તેની તબિયત બગડી હતી. આમ પણ બાળકી પ્રિમેચ્યોર હતી, જેના કારણે તેનું વજન ઓછું હતું. તા. ૧૧મી માર્ચ હતી, હજી બાળકી ત્રણ દિવસની હતી. ડૉ. જીનત તેમના બીજા દવાખાને કામઅર્થે ગયાં હતાં ત્યાંથી તે પાછા આવ્યાં ત્યારે તેમને બીજો આઘાત લાગ્યો કારણ કે તેમને ત્યાં બાળકીને જન્મ આપનાર મહિલા તેમની હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી. જો કે તેની બાળકી હોસ્પિટલમાં જ હતી. તેમણે તે મહિલા અંગે આજુબાજુ તપાસ કરી પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. તે મહિલાને શોધવાની સાથે ડૉ. જીનત અને તેમના પતિ કટારિયા માટે પહેલી પ્રાયોરિટી હતી બાળકીનો જીવ બચાવવો, કારણ કે છેલ્લા ત્રણ દિવસથી માતાની હૂંફ વગર તેને અનેક પ્રકારનાં ઈન્ફેકશન લાગી ચૂકયાં હતાં.
તેથી પહેલી જરૂરિયાત હતી કે બાળકીને કોઈ પીડિયાટ્રિશિયનની સારવાર મળી રહે. તેના કારણે ડૉ. ગૌરાંગ શાહનો સંપર્ક કર્યો હતો પણ ત્યારે શહેરની હાલત સારી નહોતી કે, એક હિન્દુ ડૉક્ટર જુહાપુરામાં આવે. જેના કારણે ડૉ. જીનત તેમના પતિ કટારિયા અને તેમની દીકરી જસ્મિને નિર્ણય કર્યો કે, તેમનાં ઘરે આવેલી બાળકીને તે મરવા દેશે નહીં અને માટે તેમણે ડૉ. ગૌરાંગ શાહને ત્યાં જવાનો નિર્ણય કર્યો હતો. તેમની હોસ્પિટલ નહેરુનગર આવેલી હતી, જે હિન્દુ વિસ્તાર હતો. જ્યાં જવું જોખમ ભરેલું હતું છતાં ત્રણેય જણ બાળકીને કારમાં લઈ નીકળ્યાં હતાં. જે પોતાના ઈશ્વર કે ખુદાને ઓળખે છે તેને માણસનો ડર લાગતો નથી.
પણ શહેરમાં કર્ફ્યુ હતો, જેના કારણે તેમની કારને પોલીસે એ.પી.એમ.સી. માર્કેટ પાસે અટકાવી હતી. ત્યાં ઊભા રહેલા પોલીસ જવાનને તેમણે પોતાની સ્થિતિ સમજાવી ત્યારે જેમ કોઈ અજાણી મદદ આવે તેમ તે પોલીસ જવાને કહ્યું, “તમે ચિંતા કરશો નહીં, હું તમારી સાથે આવીશ.” અને તે જવાન રાઈફલ લઈ તેમની કારમાં ગોઠવાઈ ગયો. બાળકીને ડૉ. શાહની સારવાર મળી જેના કારણે તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. ડૉ. જીનતની પુત્રી જસ્મિન આખી રાત જાગી, બાળકીનું ધ્યાન રાખતી હતી. જ્યાં માણસ-માણસના લોહીનો તરસ્યો બન્યો હતો, ત્યારે શહેરના એક ખૂણામાં માણસને જીવાડવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો હતો. કટારિયા પરિવારના એક ઈરાદા અને પ્રેમને કારણે બાળકી તો બચી ગઈ હતી પણ હવે તેનું શું કરવું તે મોટો પ્રશ્ન હતો. તોફાનો શાંત થયા બાદ બાળકીની માતા કોણ છે, ક્યાં છે તેની તમામ સ્થળે તપાસ કરી પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. એક તબક્કે એવું નક્કી થયું કે, બાળકીને કોઈ દત્તક લેવા માગે તો આપી દેવી પણ ડૉ. જીનત એક તબીબ હોવાની સાથે એક સ્ત્રી હતી, એક માતા હતી. તે જ્યારે પણ બાળકીને જોતાં ત્યારે તેમને લાગતું કે બાળકીની આંખો તેમને કહી રહી છે, અમ્મી મુઝે મત છોડના. તેમને બાળકીની આંખો ડિસ્ટર્બ કરી નાખતી હતી અને એટલે જ એક દંપતીને બાળકી આપ્યા પછી તરત પાછી લઈ આવ્યાં હતાં.
ડૉ. જીનતની આવી સ્થિતિ જોઈને તેમના પતિ ઈકબાલશરીફે ડૉ. જીનતની લાગણીઓની કદર કરતાં જણાવ્યું હતું કે, લોકો પોતાના ઘરે કૂતરાં પાળે છે અને આ તો ઈન્સાનનું બચ્ચું છે, તેને ક્યાંય કોઈના ઘરે મોકલવાની જરૂર નથી. તે આપણી જ છે અને આપણા જ ઘરે રહેશે. જો કે ત્યારે ઘરના વડીલોએ સલાહ આપી કે, આ બાળકીને કારણે સંભવ છે કે તારી પોતાની બે દીકરીઓનું ભવિષ્ય બગડશે. ત્યારે ડૉ. જીનતે જવાબ આપ્યો હતો કે, મારી દીકરીના ભવિષ્યની ચિંતામાં આ બાળકીનો વર્તમાન બગાડી શકું નહીં.
પોતાનાં માતા-પિતાનો નિર્ણય સાંભળી જસ્મિન અને આશિયા ખુશ થઈ ગઈ હતી અને બધાએ સાથે મળી ઘરે આવેલા નવા મહેમાનને નામ આપ્યું હતું, ‘ત૨ન્નુમ’. તેના નામનો અર્થ થાય છે, સંગીત–તાલ. ગોધરામાં સળગતો ડબો અને નરોડા ને સરદારપુરની આગની લપેટો જોયા પછી માણસ જાત ઉપર ભરોસો કરવો મુશ્કેલ બન્યો હતો પણ તેરન્નુમને જોયા પછી લાગે છે કે, હજી માણસ સારો છે.
આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. નવજીવનની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ Navajivan અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @Navajivan.in, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં








