કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મેડિકલ ક્ષેત્ર મસમોટી ફી લેવા માટે જાણીતું છે અને હવે તો હવે તો ઇન્સ્યોરન્સ કારણે દરદીઓના ચાર્જિસ અધધ વસૂલાય છે. આખરે ઇન્સ્યોરન્સ કંપની બિલના નાણાં આપવાની છે એટલે તેમાં શક્ય એટલા હાયર સાઇડ પર બિલ મૂકવામાં આવે છે. આટલે સુધીનું હોસ્પિટલ અને ડૉક્ટરોના વિષચક્રનો ખ્યાલ મહદંશે સો કોઈને હશે. પરંતુ અમદાવાદમાં (Ahmedabad) જે કિસ્સો ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) બન્યો તેમાં તો જાણે રૂપિયા ખંખેરી લેવાનો ધંધો હોય તેમ આખી વ્યવસ્થા ગોઠવાઈ હતી. મૂળે આખા ધંધામાં કોઈ પણ રીતે ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’(PM JAY) અંતર્ગત સ્વસ્થ્ય લોકોના પણ ઓપરેશન કરી-થનારો ખર્ચ આ યોજના હેઠળ સરકાર પાસેથી વસૂલવાનો હતો. આ યોજના હેઠળ સરકાર ગરીબ વર્ગના દરદીઓના પરિવાર દીઠ પાંચ લાખ સુધીની કેશલેશની સુવિધા આપે છે. એ રીતે દેશના બાર કરોડ પરિવાર આ યોજના અંતર્ગત આવે છે. આ યોજના સારી છે અને તેનાથી બેશક ગરીબ પરિવાર મસમોટા સ્વાસ્થ્ય ખર્ચામાંથી ખુંવાર થતા બચી જાય. પરંતુ આ યોજના અંતર્ગત જ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કમાવવાનો આખો પ્લાન ઘડી નાંખ્યો. રીતસર ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની હોય તેમ અમદાવાદથી દૂર મહેસાણામાં આવતું એક અંતરિયાળ ગામ બોરિસાના શોધી કાઢ્યું અને તેમાં જઈને એક ફ્રી ચેક-અપનો કેમ્પ નાંખ્યો. બોરિસાના ગામના લોકોને તો એમ હતું કે હોસ્પિટલ તરફથી આવતો સ્ટાફ તેમની સેવા માટે આવ્યો છે. કેમ્પમાં ગામના એંસી લોકોએ ભાગ લીધો હતો. ફ્રી ચેક-અપના નામે લોકોને વિશ્વાસમાં લઈને તેમાંથી 19ને વધુ ચેક-અપ માટે બીજા દિવસે બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ફિલ્મોમાં ઘણી વખત આપણે અજુગતા દૃશ્યો જોઈએ છે અને તેમાં એવુંય લાગે કે આવું કંઈ બનતું હશે? પણ બોરિસાનામા આ બધું બની રહ્યું હતું. ચેક-અપ માટે જેઓને લઈ જવામાં આવ્યા તેમાંથી સાત દરદીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને બે દરદીઓની એન્જિયોપ્લાસ્ટી થઈ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ બધા દરદીઓ પ્રમાણમાં સ્વસ્થ્ય હતા અને તેમના રિપોર્ટ નોર્મલ હતા. તેમ છતાં ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ અને ડોક્ટરોએ મળીને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અંતર્ગત ખોટો લાભ લેવા માટે આ બધાને સર્જરી ટેબલ સુધી લઈ ગયા. ખોટી સર્જરી કરવામાં બે વ્યક્તિના મોત થયા અને બીજા બે વ્યક્તિઓ પર ગંભીર અસર થઈ. દરદીઓના મૃત્યુ થતા તેમના સંબંધીઓએ ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરી અને પૂરો મામલો સામે આવ્યો. પછી આ મુદ્દો ખૂબ ચગ્યો. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ પણ આ મુદ્દો ધ્યાને લેવો પડ્યો. મેડિકલ જગતની આ છેતરપિંડી સામે આવી અને ખ્યાલ આવ્યો કે ગુજરાત જેવા કહેવાતા વિકસિત રાજ્યના અમદાવાદ શહેરમાં આવું બની શકે છે. તો પછી અંતરિયાળ જિલ્લાઓમાં સ્વાસ્થ અંગેની આવી પ્રેક્ટિસને કોણ રોકી શકતું હશે? મેડિકલ જગતની આવી પ્રેક્ટિસ અનેક વાર રાજ્યમાં અને દેશભરમાંથી સામે આવતી રહે છે. ઘણી વાર કાયદા દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પણ પ્રયાસ થાય છે; તેમ છતાં મેડિકલ જગતના માફિયાઓ ધંધો કરવાના અલગ-અલગ રસ્તા શોધી જ કાઢે છે.

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તો રીતસરની ખોટી પ્રેક્ટિસ થતી હતી. પરંતુ અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં ડોક્ટરો અને હોસ્પિટલ દ્વારા જે ચાર્જિસ વસૂલાય છે તેમાં લોકોને હવે બીમાર પડવાની પણ ભીતિ લાગવા માંડી છે. એમ. ડી. કક્ષાના ડોક્ટરો જેનું નામ થોડુંક પણ જાણીતું બન્યું હોય તો તેઓ પહેલીવહેલી વાર ચેક-અપના બે હજારથી ત્રણ હજાર રૂપિયા વસૂલે છે. અને ફરી વાર બતાવવા જાઓ તો તેમની ફી એક હજાર સુધીની હોય છે. આ ઉપરાંત દવા અને રિપોર્ટ્સનો ખર્ચ અલગ. અને સમજો કે કોઈક કારણસર તમે એક વાર ત્રણ હજાર આપીને એ ડોક્ટરને ત્યાં એક વર્ષ સુધી નથી જતા, તો હવે ડોક્ટરો તે દરદીનો નવો કેસ કાઢે છે અને ફરી પાછાં ત્રણ હજાર વસૂલે છે. મેડિકલનું વિષચક્ર એવું બની ચૂક્યું છે કે તેમાં સામાન્ય વ્યક્તિને કોઈ ગંભીર બીમારીની સારવાર કરવાનું પોસાય તેમ નથી. ડોક્ટરોની તરફેણમાં ઘણાં એવી દલીલ પણ કરતાં હોય છે કે ડોક્ટરનો અભ્યાસ કરનારાં મહદંશે વધુ વર્ષો સુધી અભ્યાસ કરે છે અને તેઓ તગડી ફી ચૂકવે છે એટલે જ્યારે તેઓ પ્રેક્ટિસ કરે ત્યારે તેઓ એક હદથી ઓછા પૈસા લે તો તેઓને પોસાય જ નહીં. હવે જે દેશમાં સિત્તેર ટકાથી વધુ વસતી મધ્યમ કે ગરીબવર્ગમાંથી આવતી હોય તેઓને આ ફી-ખર્ચ કેવી રીતે પોસાય? પરંતુ આ ચક્રને અટકાવવું હવે અશક્ય બની ચૂક્યું છે. મેડિકલ જગતમાં પેસેલો આ સડો કેટલો છે તેનો એક અહેવાલ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામના પોર્ટલ પર વાંચવા મળે છે. આ અહેવાલ મુજબ દેશમાં મેડિકલ ક્ષેત્રની ગેરરીતિના 52 લાખ કેસો નોંધાય છે. અને તેમાં સૌથી વધુ જ્યાં ગેરરીતિ થાય છે તેમાં પંજાબ, પ. બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યો છે.
આ ગેરરીતિના કિસ્સા કેવા હોય છે તે પણ જોઈ લઈએ. જેમ કે કોઇમ્બતૂરની એક મહિલાને પેટમાં દુખાવો થતો હતો અને તે સ્થાનિક પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ માટે ગઈ. 2019ના આ કિસ્સામાં જ્યારે તે મહિલાનું પૂર્ણ ચેક-અપ કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરે તેને ગર્ભાશય કઢાવી નાંખવાની સલાહ આપી. આ સર્જરી માટેનો ખર્ચ 40,000 કહ્યો હતો. બીજા દિવસે તે મહિલાએ પોતાનું ગર્ભાશય કઢાવી નાંખવાનું ઓપરેશન કરાવી દીધું. આ સર્જરી દરમિયાન જ મહિલાને કશુંક શરીરમાં અજુગતું લાગ્યું એટલે તપાસ થઈ અને ખ્યાલ આવ્યો કે સર્જરી દરમિયાન યુરીનરી ટ્યૂબને નુકસાન પહોંચ્યું છે. ફરી સર્જરી માટે બીજા 10,000 રૂપિયા થશે- એમ તેને કહેવામાં આવ્યું. આ ભૂલ ડોક્ટરોની હતી, પરંતુ દરદીએ તે રૂપિયા પણ ચૂકવવાની તૈયારી દાખવી. જોકે તેમ છતાં રાહત ન થઈ આખરે અન્ય જગ્યાએ તત્કાલ રાહત મળે તેવી સર્જરી કરાવી પણ યુરીનરી ટ્યૂબનું કાયમી નુકસાન તો રહી જ ગયું. આને લઈને મહિલાએ જિલ્લાના કન્ઝ્યૂમર ડિસ્પૂટ્સ રિડ્રેસલ કમિશનમાં પિટીશન દાખલ કરી. આખરે પૂરી વિગતની તપાસ થઈ અને ચૂકાદો આવ્યો કે મહિલાની સર્જરીમાં થયેલી ગફલત બદલ હોસ્પિટલ અને ડોક્ટરો દ્વારા પંદર લાખ મહિલાને ચૂકવી આપવા.
મેડિકલ જગતમાં એવું નથી કે આવી ગફલત માત્ર નાની-મોટી હોસ્પિટલ કરતી હોય છે. બલકે ઘણી વાર મસમોટી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટ એ રીતે બનાવે છે કે સરકારે તેના પર પ્રતિબંધ લગાવવો પડે કે પછી તેને દંડ ફટકારવો પડે. આવો એક કિસ્સો અમેરિકાની જાણીતી કંપની જોહસન એન્ડ જોહસન અંગે બન્યો હતો. આ કંપનીએ એક હિપ રિપ્લેસમેન્ટ કરાવતું એક ખામી ધરાવતું ડિવાઇસ બનાવ્યું હતું. જેમની હિપ રિપ્લેસમેન્ટ કરાવવાની હતી તે દરદીનું નામ પુરષોત્તમ લોહિયા છે, અને તેણે જોહસન એન્ડ જોહસનનું કંપનીનું ‘એએસઆર એક્સએલ’ મોડલનું ડિવાઇઝ નંખાવ્યું; તે પછી તેમના થાપામાં દુખાવો વધુ રહેવા લાગ્યો. પુરષોત્તમ લોહિયાએ વધુ પચ્ચીસ લાખ પોતાના થાપા માટે ખર્ચ્યા. જોકે તેમ છતાં તેમને થાપો અગાઉ જેવો કાર્યરત ન થયો. મૂળે પહેલાં જે જોહસન એન્ડ જોહસન કંપનીની ડિવાઇસ નંખાવી તેનાથી પુરષોત્તમ લોહિયાના થાપાને કાયમી નુકસાન થઈ ચૂક્યું હતું. આખરે લોહિયાએ દિલ્હીના ‘ધ નેશનલ કન્ઝ્યૂમર ડિસ્પૂટ્સ રિડ્રેસલ કમિશન’માં પિટીશન દાખલ કરી. કમિશને પૂરો મુદ્દો તપાસ્યો અને વિદેશમાં પણ જોહ્સન એન્ડ જોહ્સન કંપનીના હિપ રિપ્લેસમેન્ટ ડિવાઇઝથી થયેલા નુકસાનની માહિતી એકઠી કરી. ખ્યાલ આવ્યો કે આ ડિવાઇઝ અયોગ્ય હતી જેના કારણે લોકો થાપાના દરદમાંથી મુક્તિ મેળવવાના બદલે વધુ ખરાબ સ્થિતિમાં આવી પહોંચ્યો. લોહિયાને આખરે વળતર પેટે કંપનીએ 35 લાખ ચુકવવાનો આદેશ થયો.
આ તો ગણીને ત્રણ-ચાર કિસ્સા ઉપર ટાંકવામાં આવ્યા છે; પરંતુ મેડિકલ ગેરરીતિ આપણે ત્યાં સતત જોવા મળે છે. સરકારી હોય કે ખાનગી, આવા ગેરરીતિના કેસ સર્વત્ર જોવા મળે છે. પરંતુ તેના પર લગામ લાગતી નથી. કોઈ ઘટના બને ત્યારે હોહા થાય, પણ ફરી પાછું એ જ ચક્ર ચાલતું જાય છે. મોરબીનો બ્રિજ હોય કે સુરત, રાજકોટમાં લાગેલી હોય કે પછી વડોદરામાં ડૂબેલી હોડી હોય તેમાં સામાન્ય માણસની જાન દાવ પર છે. હવે તો હદ ત્યાં થઈ જે હોસ્પિટલોનો ધર્મ જીવનદાન આપવાનો છે ત્યાં પણ લોકોની ખોટી ચીરફાડ કરીને યોજના-ઇન્સ્યોરન્સના પૈસા વસૂલવાનો ધંધો થાય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796