કિરણ કપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2016માં જ્યારે નોટબંદી કરવામાં આવી તેનાં પરિણામ શું આવ્યા તે હજુય ખબર નથી, ત્યારે હવે ફરી 2000ની ચલણ ક્રમશ: પાછી ખેંચી લેવાની જાહેરાત ‘રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા’ (Reserve Bank of India) દ્વારા કરવામાં આવી છે. નોટબંદી (Demonetisation) અને આર્થિક સંદર્ભે જે કંઈ વાત હોય તે વિશે સજ્જ અર્થશાસ્ત્રી જ સારી રીતે ફોડ પાડી શકે. તેનાથી ટૂંકા-લાંબા ગાળાની અસર અંગે તે વધુ સચોટતાથી કહી શકે. આ વિષય સંદર્ભે પ્રોફેસર અરૂણ કુમારે (Professor Arun Kumar) ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’માં ત્રણ દાયકા સુધી અર્થશાસ્ત્ર ભણાવ્યું છે અને તેમણે ભારતીય અર્થવ્યવસ્થા પર કેટલાંક નોંધપાત્ર પુસ્તકો આપ્યા છે. તેમનું છેલ્લે જે પુસ્તક પ્રકાશિત થયું તે ‘ઇન્ડિયન ઇકોનોમીઝ ગ્રેટેસ્ટ ક્રાઇસ’ હતું. અરૂણ કુમારનો 2000ની નોટ પાછી ખેંચવામાં આવી તે; અને 2016માં થયેલી નોટબંદી વિશે વિસ્તૃત ચર્ચા કરતો ઇન્ટરવ્યૂ ‘લાઇવ લૉ’ નામના પોર્ટલ પ્રકાશિત થયો છે. નોટબંદી વિશે તેમણે કેટલીક પાયાની વાતો કરી છે.

સૌપ્રથમ તો આ ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર અરૂણ કુમાર નોટબંદી વિશેના સુપ્રિમ કોર્ટના ચુકાદા વિશે જ પ્રશ્ન ખડા કરે છે. તેઓ કહે છે : “મને લાગે છે કે નોટબંદી અને કાળા નાણાં (Black Money) વધતાં અટકાવવાનો સંબંધ જરાસરખોય નથી. ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, નોટબંદીનો નિર્ણય ઉમદા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. આપણે કોઈના ઉદ્દેશ્યના આધારે કોઈ નીતિને યોગ્ય-અયોગ્ય કેવી રીતે ઠરાવી શકીએ. કોઈ નિર્ણયનો આધાર એ વાત પર હોવો જોઈએ કે તેનાથી ઉદ્દેશ્ય પ્રાપ્ત થઈ શકે કે નહીં.” આગળ તેઓ કાળા નાણાંને સમગ્રતામાં જોઈને તેનો ફોડ પાડે છે. તેઓ કહે છે : “એ ધારણા બિલકુલ ખોટી છે કે નોટબંદીથી કાળાં નાણાંનો અંત આવે. એ પણ પાયા વિનાની વાત છે કે, કાળું નાણું એટલે માત્ર રોકડ. કોઈ વ્યક્તિ પાસે રહેલું કાળું નાણું તે કાળા નાણાંનો માત્ર એક હિસ્સો છે, કારણ કે કોઈ વ્યક્તિ કાળા નાણાંને એક મર્યાદામાં જ પોતાની પાસે રાખી શકે છે. એટલે કે તમે ઓછામાં ઓછા સ્વરૂપે કાળાં નાણાંને તમારી પાસે રાખશો. કારણ કે તેનું કોઈ રિટર્ન મળતું નથી. એટલે કોઈ પણ તેની પાસે રહેલાં કાળા નાણાંનું રોકાણ કરવા ઇચ્છશે. મારું અનુમાન એમ કહે છે કે એક ટકાથી પણ ઓછું કાળું નાણું રોકડ સ્વરૂપે હોય છે. એટલે નોટબંદી લાવીને તમે માત્ર એક ટકા કાળા નાણાંથી છુટકારો મેળવી શકો, જ્યારે 99 ટકા કાળું નાણું હજુ પણ હશે. આપણે જાણીએ છીએ કે તમામ રોકડ પાછી આવી ગઈ છે. ‘આરબીઆઈ’ના વાર્ષિક રિપોર્ટ અનુસાર 99.3 ટકા નાણાં બેંકમાં પાછા આવી ગયા હતા. માત્ર 0.7 બાકી છે, જે વિદેશોમાં કે વૃદ્ધ લોકો પાસે હશે જેઓ આજે રોકડ વ્યવહાર કરવા સક્ષમ નથી. એટલે કાળું નાણું દૂર નથી થયું, બલકે તે નવા નોટોમાં પરિવર્તિથ થયું છે. એટલે આ પૂરી કવાયતથી 0.0001 ટકા પણ કાળું નાણું પ્રભાવિત થયું નથી.”
અરૂણ કુમાર આ માટે ભૂતકાળના નોટબંદીનો અનુભવ ટાંકતા કહે છે કે, “નોટબંદીથી કાળું નાણું દૂર કરી શકાતું નથી, તે આપણે 1978માં થયેલી નોટબંદીથી અનુભવથી સારી રીતે જાણી શકાય. તે સમયે ‘આરબીઆઈ’ના તત્કાલિન ગવર્નર આઈ. જી. પટેલે લેખિતમાં એવું સ્વીકાર્યું હતું કે નોટબંદીની અપેક્ષિત અસર થઈ નથી. એટલે જો સરકારે સ્વતંત્ર રીતે આર્થિક નિષ્ણાતોની સલાહ લીધી હોત તો આ પગલાં વિશે આગાહી થઈ શકત. હવે સરકાર એમ કહે છે કે અમે છથી આઠ મહિના સુધી ‘આરબીઆઈ’ સાથે ચર્ચા-સંવાદ કર્યો હતો. જોકે રઘુરામ રાજન જે તે વખતે ‘આરબીઆઈ’ના ગવર્નર હતા, તેમણે ઑન-રકૉર્ડ એમ કહ્યું છે કે તેમણે સરકારને નોટબંદી ન કરવાની સલાહ આપી હતી, કારણ કે તેનાથી કાળું નાણું દૂર કરવાનું સંભવી શકે નહીં.”
પ્રોફેસર અરૂણકુમાર કાળાં નાણાં વિશે ફોડ પાડતા કહે છે : “કાળું નાણું એ કાળી અર્થવ્યવસ્થા જેમ નથી. બ્લેક ઇનકમ કેવી રીતે જનરેટ થાય છે? અંડર ઇનવોઇસિંગ અને ઓવર ઇનવોઇસિંગથી તે થઈ શકે. માની લો કે હું એક ડૉક્ટર છું. હું રોજના પચાસ દરદીઓને તપાસું છું. અને હું માત્ર ત્રીસ દરદીઓને તપાસ્યા તેની જ આવકને જાહેર કરું છું, અન્ય વીસની નથી કરતો. આનો અર્થ એટલો જ કે ન તો કાળી કમાણી બંધ થઈ છે, ન તો કાળું નાણું ચલણથી બહાર ગયું છે.”
અરૂણ કુમાર નોટબંદી વિશે ઠોસ રીતે ઘણું કહી શકે છે તેનું કારણ કે તેમણે આ વિષય પર ખાસ્સું કામ કર્યું છે. નોટબંદી સંબંધે તેઓ આગળ કહે છે : “નોટબંદીમાં નિષ્ફળતા મળશે એ નિર્ધારીત હતું. હું 1984 વિશે લખી રહ્યો છું. 1999માં મેં લખ્યું હતું કે નોટબંદી કેમ કારગર નથી અને ઊલટું તે કેવી રીતે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે. જો તમે કોઈ જ તૈયારી વિના આવું પગલું લો છો તો તે નિસંદેહ નુકસાન જ પહોંચાડશે. એ તો સરાસર ખોટી વાત છે કે કાળું નાણું રોકડમાં જ હોઈ શકે. બીજું કે તેના ઉદ્દેશ્યને યોગ્ય ઠરાવવામાં આવે છે. તો આનો ઉદ્દેશ્ય યોગ્ય નહોતો, અને કોઈની ધારણાના આધારે નીતિ ન ઘડી શકાય.”
આશ્ચર્યની વાત તો એ છે કે આટલો વ્યાપક નિર્ણય કોઈ તૈયારી વિના લેવાયો. પ્રોફેસર અરૂણ કુમાર કહે છે : “આ મુદ્દા વિશે કેટલીક અગત્યની બાબત આપણે સમજવી જોઈએ. જેમ કે, લોકશાહીમાં પ્રક્રિયા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એ કંઈ પ્રક્રિયા છે જેના દ્વારા તમે કોઈ નિર્ણય પર પહોંચ્યા છો? પ્રક્રિયાને બાકાત રાખીને લોકશાહીને નબળી ન પાડવી જોઈએ. આ વિશે કોઈ એમ કહે કે મેં માર્ગદર્શન મેળવ્યું હતું, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે પરામર્શનનો અર્થ સહમતિ નથી. જો તમે પ્રક્રિયાને નબળી બનાવો છો તો તે લોકશાહીને પણ નબળી કરે છે અને ‘આરબીઆઈ’ને પણ નબળી કરો છો. કારણ કે બધું જ નાણું પાછું આવી ગયા બાદ ‘આરબીઆઈ’ની શાખ પર પ્રશ્ન ખડા થયા હતા. ખરેખર તો આ વિશે પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું. આપણે જાણીએ છીએ કે સરકારે ‘આરબીઆઈ’ને 24 કલાક પહેલાં જ આ પ્રસ્તાવ આપ્યો હતો. આઠ વાગ્યે નોટબંદીની જાહેરાત અગાઉ કલાકો પહેલાં જ બોર્ડની મીટિંગ કરવામાં આવી હતી. એટલે નોટબંદી કરવી તે અગાઉથી જ નક્કી હતું. માત્ર બોર્ડમાં તે નિર્ણય પર મહોર લગાવવાની હતી.”
અરૂણ કુમાર સરકાર અને ‘આરબીઆઈ’ બંનેની નિષ્ફળતા નોટબંદીના કેસમાં ભારોભાર બતાવી છે. આ ઉપરાંત તેમણે સુપ્રિમ કોર્ટે પણ જે વલણ કેસમાં રાખ્યું તેને પણ નકાર્યું છે. નોટબંદી વિશે ‘આરબીઆઈ’ના ભૂમિકા વિશે પ્રો. અરૂણ કુમાર કહે છે : “આપણે જાણીએ છીએ કે નોટબંદી પછી અફરાતફરીનો માહોલ હતો. બેંક બે દિવસ પછી ખુલ્યા. એટીએમ ચાલતાં નહોતા, તેમાં નાણાં નહોતા. જ્યારે યુરોને ચલણ તરીકે મૂકવામાં આવ્યો હતો ત્યારે પૂરી યુરોપીય કરન્સીને પાછી ખેંચવામાં આવી તે વિશે જરા વિચારો. એ પૂરી પ્રક્રિયામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. તેઓ પૂરી રીતે તૈયાર હતા. જર્મનીમાં તમે તમારી જૂની નોટોની બદલામાં નવી નોટો જાહેરાત થયા બાદ પાંચ વર્ષ સુધી બદલી શકતા હતા. ત્યાં કોઈ અફરાતફરી ન થઈ. આપણા વડા પ્રધાન પોતે કહેતા હતા કે બેંકો સુધ્ધાને આ વિશે કોઈ જાણ નહોતી. તો બેંકો કેવી રીતે તૈયારી રાખે? અને તેથી જ નોટબંદી લગાવ્યા પછી બે મહિનામાં 104 વખત અલગ-અલગ નિયમો બદલવા પડ્યા. આવું એ માટે થયું કારણ કે સમસ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું નહોતુ. ‘આરબીઆઈ’ના એક અથવા બે લોકો, નાણાં મંત્રાલયના બે-ત્રણ લોકો દ્વારા આટલી મોટી યોજના ન બનાવી શકે. એ જ કારણ છે કે પ્રક્રિયા યોગ્ય રીતે ન થઈ.”
આ પ્રક્રિયા લાગુ કરવા અરૂણ કુમાર સૂચન કરતા કહે છે કે, “મારા વિશ્લેષણ મુજબ ત્રણ ટકા લોકો કાળા નાણાંની આવક મેળવે છે. તેમને ધ્યાનમાં રાખવા જોઈતા હતા. પરંતુ તેમ ન થયું. જેઓ ક્યારેય કાળું નાણું જનરેટ ન કર્યું તેઓ જ આ પગલાંના પીડિત બન્યા. બધી રીતે તપાસીએ તો ખ્યાલ આવે કે તમામ તર્ક ખોટાં હતા.”








