Prime Minister Modi’s friend Asgar Ali gets major relief in land dispute case : મુંબઈમાં આવેલી કરોડો રૂપિયાની જમીન પર 15 વર્ષથી કરાયેલા ગેરકાયદેસર કબજાના એક મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર અસગર અલી વોહરાને મોટી રાહત મળી છે. નરેન્દ્ર મોદી અને અસરગર અલી વોહરા મહેસાણા જિલ્લાના વડનગરની બી.એન. સ્કૂલ (B N School Vadnagar Gujarat) માં ભણતા હતા. એકાદ સપ્તાહ અગાઉ 81 વર્ષીય અસગર અલી તેમના બાળ સખા અને સ્કૂલના મિત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ ભાજપ ધારાસભ્યએ જમીન પર કરેલા ગેરકાયદેસર કબજાની રજૂઆત (Complaint regarding illegal land encroachment by a BJP MLA) કરી હતી. ઘોર નિંદ્રામાં પોઢી ગયેલા મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (Mira-Bhayandar Municipal Corporation) ના સત્તાધીશો અચાનક જાગ્યા હતા અને કાર્યવાહી આરંભી હતી. આ મામલે કોઈ સુનાવણી-રજૂઆત થાય તે પહેલાં જ અસગર અલીની કરોડો રૂપિયાની વિવાદીત જમીન પરનો કબજો કરનારી કંપનીએ પીછેહઠ કરી છે. અત્રે નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા (Narendra Mehta MLA) ની માલિકીના સ્વયં બિલ્ડર્સ અને સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને આ મામલો પોલીસ ફરિયાદ બાદ હાલ અદાલતમાં પેન્ડિંગ છે.
વર્ષ 1989માં મુંબઈના ભાયંદર પૂર્વના નવઘર વિસ્તારમાં અંદાજે 2,810 ચોરસ મીટર જમીન અસગર અલી વોહરાએ રજિસ્ટર્ડ દસ્તાવેજના આધારે ખરીદી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, 2011ની આસપાસ આ કિંમતી જમીન પર ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની માલિકીના સ્વયં બિલ્ડર્સ અને સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હતો. આ મામલે વર્ષ 2015માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને હાલમાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. અસગર અલી વોહરાના દાવા અનુસાર, જમીન સંબંધિત નકલી દસ્તાવેજો તૈયાર કરીને તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવી હતી. જેમાં એક ભાગ પર સ્વયં બિલ્ડર્સ અને બીજા ભાગ પર સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. છેલ્લાં ઘણા વર્ષોથી મહેસૂલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસને અપીલ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. આ કારણથી જ તેમને બાળપણના મિત્ર એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગત 8 સપ્ટેમ્બરના રોજ અપીલ કરવાની ફરજ પડી હતી.
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને જમીન વિવાદ મામલે 16 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે સુનાવણીનું આયોજન રાખવામાં આવ્યું હતું, પરંતુ તે અગાઉ જ ભાજપના ધારાસભ્ય સાથે સંકળાયેલી કંપનીએ વિવાદિત જમીન પરનો પોતાનો દાવો છોડી દેવાનો નિર્ણય લીધો છે. વોહરાએ આશા વ્યક્ત કરી છે કે, વર્ષોથી ચાલી આવતી કાનૂની લડાઈનો હવે ઉકેલ આવશે.








